ઉફ્ફ! ક્યાંય મજા નથી આવતી

CHINTAN NI PALE by Krishnkant Unadkat

કોઈ રણને ઠોકર તો મારી જુએ,
સંભવ કે મીઠું ઝરણું નીકળે.
-આદિલ મન્સૂરી.

          યાર, બહુ કંટાળો આવે છે! ક્યાંય મજા નથી આવતી! સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યું હી તમામ હોતી હૈ! રોજ એક જ સરખું કામ કરીને ત્રાસ થાય છે... આવાં વાક્યો આજકાલ બહુ સાંભળવા મળે છે. બધાને લાઈફ ‘બોરિંગ’ લાગે છે!
          એવું લાગે છે કે બધું જ બહુ રૂટિન થઈ ગયું છે! રવિવાર આવે ત્યારે એક દિવસ થોડીક હાશ લાગે છે અને સોમવારથી બધું પાછું હતું એનું એ જ! લાઈફમાં થ્રિલ જેવું કંઈ ફિલ જ નથી થતું! જિંદગી થોડીક તો ‘રા‹કિંગ’ હોવી જ જોઈએ ને? ગોલ, ટાર્ગેટ, અચિવમેન્ટ, કરિયર અને આવું બધું... આખો દિવસ દોડતાં જ રહેવાનું? રાત પડે એટલે પથારીમાં ભફ્ફ દઈને પડવાનું અને સવારે પાછી જિંદગીની રેસમાં દોડવા માંડવાનું! આ તે કંઈ લાઈફ છે?
          તાજેતરમાં થયેલા એક આંતરરાષ્ટ્રીય સર્વેમાં મોટા ભાગના લોકોએ કબૂલ્યું કે મજા નથી આવતી. પુરુષોનું કહેવું હતું કે રોજ એનું એ જ કામ કરવામાં કોઇ સારા વિચાર જ નથી આવતા. એમ થાય છે કે હમણાં સવાર પડશે અને પાછું બધું એનું એ જ ચાલુ થઈ જશે! મહિલાઓની હાલત પણ સરખી જ છે! હાઉસ વાઈફ મહિલાઓનું કહેવું હતું કે રોજે રોજ ઘરનું એક સરખું જ કામ! કેટલીક મહિલાઓએ તો ત્યાં સુધી કહ્યું કે અમારી હાલત તો વધુ કફોડી થાય છે. કારણકે પતિ અને સંતાનો ઘરે આવીને તેનું ફસ્ટ્રેશન અમારા ઉપર ઉતારે છે! લોકોનું ફ્રસ્ટ્રેશન લેવલ દિવસેને દિવસે ઊંચું જતું જાય છે. બધા લોકો વાત વાતમાં ‘ઈરિટેટ’ થઈ જાય છે. બધા જ લોકો કોઈ અજાણ્યા અને વિચિત્ર ટેન્શનમાં જીવે છે!
          તમને આવું કંઈ થાય છે? જો જવાબ ‘હા’ હોય તો સાવધાન! આંખો બંધ કરીને તમારી જાતને કહો કે, રિલેકસ યાર! નાહક અપસેટ ન થા! મારી સાથે જે થઈ રહ્યું છે એ તો ‘પાર્ટ ઓફ લાઈફ’ છે. બધા જ સાથે આવું થાય છે! એમાં હતાશ કે ઉદાસ થવાની કોઈ જરૂર નથી! ચલો, કંઈક ગમે અને મજા આવે એવું કરીએ... અલબત્ત, આપણે અપસેટ હોઈએ ત્યારે આવા વિચાર પણ નથી આવતા! એટલે જ આવું થતું હોય તો ‘એલર્ટ’ થવાની જરૂર છે!
          આવું થતું હોય તો સાવ સીધો અને સરળ રસ્તો એ છે કે, દિલને ટાઢક થાય અને જીવને રાહત થાય એવું કંઈક કરવું! જે લોકોને કંઈક શોખ છે એ લોકોને બહુ વાંધો આવતો નથી પણ અત્યારની હાલત તો એ છે કે લોકો પાસે પોતાનો શોખ સંતોષવાની ફુરસદ પણ ક્યાં છે? માણસે પોતાના માટે સમય કાઢીને પ્રયત્નપૂર્વક કંઈક ગમતું અને મજા આવે એવું કરવું જોઈએ. તમે નક્કી કરો કે તમને શેનાથી ‘રિલેક્સ’ ફિલ થાય છે? વહેલી સવારે કે સમી સાંજે બગીચામાં ચાલવા જવાથી મજા આવે છે? તો એવું કરો.
          કોઈ ગીત કે ગઝલ સાંભળવાથી દિલ ડોલવા લાગે છે? ધેન ટ્રાય ઈટ, યાર! દરિયાની ભીની રેતીમાં ખુલ્લા પગે ચાલવાથી દિલને ટાઢક થાય છે? કોઈ મિત્ર સાથે પાનના ગલ્લે કે ચાની લારીએ જઈ ગપ્પાં મારવાનું ગમે છે? વરસતા વરસાદમાં લોંગ ડ્રાઈવ પર જવામાં જલસો પડે છે? આપણને મજા આવે એવું ઘણું બધું હોય છે પણ જ્યાં સુધી એ કરીએ નહીં ત્યાં સુધી મજા ક્યાંથી આવવાની?
          ડિપ્રેશનની સૌથી પહેલી શરૂઆત મજા નથી આવતી, ક્યાંય ગમતું નથી એવા વિચારથી જ થાય છે! માણસને આવું થાય છે છતાં એ ક્યારેય પોતાને ગમે એવું કંઇક કરવા વિશે વિચારતો નથી. હતાશા કે ઉદાસી પહેલાં બહુ પાતળી હોય છે પણ જો એને વહેલી તકે ખંખેરી ન નાખીએ તો એ ઘટ્ટ થતી જાય છે. સમસ્યા સહેલી હોય ત્યાં જ એને ઉકેલી નાખો કારણ કે જો એ અઘરી થઈ જશે તો એમાંથી નીકળવું આકરું થઈ પડશે.
          માણસે પોતાનામાં રહેલી ‘સેન્સ ઓફ હ્યુમર’ને જીવતી રાખવાની હોય છે. ઉદાસ હોઈએ ત્યારે નિરાશ વ્યક્તિને મળવાનું ટાળવું જોઈએ. આપણાં સર્કલમાં સદાયે મસ્ત રહેતા હેપ્પી ગો લકી કિસમના ઘણાં લોકો હોય છે, એવા લોકોને મળવું જેની સાથે તમને હળવાશ લાગે. કેટલાં લોકો એસએમએસમાં આવતા જોક વાંચીને ખડખડાટ હસે છે? માણસ જોક વાંચીને જરાક મોઢું મલકાવી અને ક્યારેક તો જાણે કંઈ બન્યું જ ન હોય એવી રીતે જોક વાંચી પોતાના વિચારોમાં ચડી જાય છે. મજા આવે એવું કંઈક બને ત્યારે એને ફિલ કરવાની આવડત પણ કેળવવી જોઈએ. મજાને માણતા ન આવડે તો મજા ન જ આવે!
          બીજી એક યાદ રાખવા જેવી વાત. આપણને પ્રિય હોય એવી વ્યક્તિ જો જાણે-અજાણે એવું બોલે કે ક્યાંય મજા નથી આવતી અથવા તો કંઈ ગમતું નથી, તો એને ગંભીરતાથી લો. આ વ્યક્તિ ખુશ થાય એવું કંઈક કરો. પોતાની વ્યક્તિની ઉદાસી ઓળખવી એ એને પ્રેમ કરવા જેવું જ કામ છે. તમે કોઈને મજા આવે એવું કંઈક કરી જુઓ, તમને પણ મજા આવશે.
          ઉદાસ અને અપસેટ વ્યક્તિને રેઢી ન મૂકો, એવું સમજો કે એને તમારા પ્રેમ, લાગણી, સ્નેહ અને થોડાંક આનંદની અત્યારે સૌથી વધુ જરૂર છે. દરેક માણસ પાસે એટલી ખુશી તો હોય જ છે કે એ બીજાને થોડીક આપી શકે! પોતાની વ્યક્તિ ડિપ્રેશનમાં સરી ન જાય એની સૌથી મોટી જવાબદારી પોતાના વ્યક્તિની જ હોય છે. હૂંફ આપવા માટે થોડાંક શબ્દો અને થોડુંક હાસ્ય જ ઈનફ હોય છે!
છેલ્લો સીન:
માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે. - વ્હાઈટ હેડ

contact : kkantu@gmail.com