Tuesday, December 27, 2011




મને કયાંય ગમતું નથી, શું કરું?

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ 


જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં.
- સૈફ પાલનપુરી

માણસને વેદના, દર્દ અને પીડા સાથે આખા આયખાનો સંબંધ છે. એ ત્રણ સાથે જેટલો સંબંધ છે એટલો જ સંબંધ સુખ, ખુશી અને શાંતિ સાથે છે. તમામ લોકો પાસે આ બધું જ છે. માણસ આમાંથી જેને પંપાળે રાખે એ એનો સ્વભાવ બની જાય છે. એવો કયો માણસ છે જેને કોઈ જ વેદના નથી? દરેક વ્યક્તિ પાસે પોતાની વેદના હોય છે.

સુખી અને શાંત દેખાતા માણસો ખરેખર કેટલા સુખી હોય છે? હકીકતે દરેક માણસની અંદર વેદનાનો દરિયો ઘૂઘવતો હોય છે, પણ સમજુ માણસ વેદનાને સમજે છે, સ્વીકારે છે અને હસતા મોઢે સહન કરી લે છે. આગ નજીક હાથ ચાલ્યો જાય તો આપણે તરત જ આપણા હાથને ખેંચી લઈએ છીએ. આવું આપણે વેદના સાથે શા માટે નથી કરતા? જે વસ્તુ, જે વાત કે જે સ્થિતિ આપણા માટે અસહ્ય હોય તેનાથી આપણે દૂર કેમ નથી થતાં? સુખ એટલે દુઃખનો અસ્વીકાર. મારે દુઃખી નથી થવું, મારે દુઃખને સ્પર્શવા નથી દેવું. આવું વિચારવાનો મતલબ એવો નથી કે સ્વાર્થી થઈ જવું અને ફક્ત આપણું અને આપણાં સુખનું જ વિચારવું. સમજવાનું એટલું જ છે કે દુઃખ તો આવવાનું જ છે, વેદના તો થવાની જ છે. એ વેદનાને આપણા ઉપર કેટલી હાવી થવા દેવી?

વેદનાને જો પંપાળે રાખીએ તો એ ફરિયાદ બની જાય છે. માણસ પછી ફરિયાદો જ કરતો રહે છે. આપણી પાસે પણ ક્યાં ઓછી ફરિયાદો હોય છે? મારી સાથે જ આવું થાય છે એવું દરેક વ્યક્તિ માનતી હોય છે. હકીકતે બધાને કંઈ ને કંઈ થતું હોય છે. દરેક વ્યક્તિને એવું જ થતું હોય છે કે જો આ એક વાત સારી હોત તો જિંદગી કંઈક જુદી જ હોત! જિંદગીને દરેક સ્થિતિ અને દરેક સંજોગ સાથે જીવવાની હોય છે. દરેક સ્થિતિ અને સંજોગ આપણી ઇચ્છા મુજબના નહીં હોવાના, ઘણી સ્થિતિ આપણી ઇચ્છા વિરુદ્ધની અને ગમે નહીં એવી હોવાની. આ સ્થિતિને માણસ કેવી રીતે જીવે છે તેના પરથી જ તેની સમજણ, આવડત, ડહાપણ અને બુદ્ધિ મપાય છે.

દુઃખ અને વેદનાના પોટલાને જેમ બને એમ જલદી માથેથી ઉતારી દેવું જોઈએ. જો તેને ઉતારી ન દઈએ તો એ ભારેને ભારે થતું જાય છે અને એક વખત એ એટલું બધું ભારે થઈ જાય છે કે આપણે તેને સહન ન કરી શકીએ. દુનિયામાં દરેક દર્દની દવા છે. દરેક પીડા માટે પેઇન કિલર છે, પણ વેદના માટે કોઈ દવા નથી. દિલને કોઈ ઠેસ પહોંચાડે અને આપણે ડિસ્ટર્બ હોઈએ ત્યારે કોઈ દવા કામ કરતી નથી. ઉદાસીનું કોઈ ઓસડ નથી. ઉદાસી તો માણસે ખંખેરવી પડે છે. આવા સમયે માણસની સમજ જ ‘પેઇન કિલર’નું કામ કરે છે.

દરેક માણસને ક્યારેક તો એવું લાગે જ છે કે ક્યાંય મજા નથી આવતી, કંઈ જ ગમતું નથી, ઉદાસી આપણને ઘેરી લે છે. શા માટે મજા નથી આવતી તેની પણ આપણને ખબર હોય છે, પણ કેટલા લોકો પોતાની ઉદાસીથી ‘અવેર’ હોય છે? ઉદાસીને સમજનારા કેટલા લોકો ઉદાસીને ખંખેરી શકે છે? તમને જ્યારે ખબર પડે કે તમે મજામાં નથી તો તમે શું કરો છો? હા, ઉદાસી ખંખેરવી સહેલી નથી. ભીના કપડાંને છંટકોરીએ એટલી આસાનીથી દિલની ઉદાસીને ખંખેરી શકાતી નથી. ઉદાસી ખંખેરવા માટે પ્રયત્નો કરવા પડે છે. પ્રયત્નો કરવાથી એ ઉદાસી હટી શકતી હોય તો હટાવવી જ જોઈએ, તેને પંપાળવી ન જોઈએ. વિચારોની દિશાને જરાક બદલવાનો પ્રયત્ન કરી જોજો. હવા બદલાય ત્યારે નાવિક સઢની દિશા બદલી નાખે છે. આવું જ ઉદાસી વખતે કરવાનું હોય છે. કંઈક ગમતું કરીને અને થોડાક સારા વિચારો કરીને માણસ પોતાની દશા બદલી શકે છે. તમે દુઃખમાં વધુ સમય રચ્યાપચ્ચા ન રહો એ જ તમારી સમજદારી છે.

ઉદાસી, નિરાશા અને હતાશા એ જીવનનો સ્વાભાવિક ક્રમ છે. માણસ ગમે તે કરે તો પણ એ ક્યારેક ને ક્યારેક આવી જ જાય છે. આપણે તેને કેટલો સમય ટકવા દેવી તે આપણા હાથની વાત છે. ઉદાસી અને નિરાશા આપણો સ્વભાવ ન બની જવો જોઈએ.

એક માણસ સંત પાસે ગયો. તેણે પૂછયું કે જિંદગીમાં ઉદાસીને કઈ રીતે ટાળવી? સંતે કહ્યું કે, માણસે જિંદગીની ત્રણ બાબતો વિશે ક્યારેય ફરિયાદ ન કરવી જોઈએ, કારણ કે એ ત્રણે બાબતો આપણને આપણી પસંદગીથી મળતી નથી. આ ત્રણ વસ્તુ છે, પરિવાર, જ્ઞાતિ અને ધર્મ. હું કેમ આ પરિવારમાં જન્મ્યો? મારાં મા-બાપ કે ભાઈ-બહેન કેમ આવાં છે? આવા પ્રશ્નોનો કે ફરિયાદનો કોઈ મતલબ હોતો નથી. આ વાતને જરાક જુદી રીતે એમ પણ કહેવાય કે, ક્યારેય એવો વિચાર ન કરવો કે મારો જન્મ કોઈ ધનાઢય કે ઇજ્જતદારને ત્યાં થયો હોત તો સારું હોત! મહાન માણસનાં સંતાન પણ મૂર્ખ હોઈ શકે અને ધનાઢયનાં સંતાન પણ ભીખ માંગતાં થઈ ગયાં હોય તેવા અનેક કિસ્સા છે. એક સાચી વાત એ પણ છે કે માણસનો વિકાસ ક્યારેય જન્મથી નથી, કર્મથી થાય છે. દરેક માણસનો વિકાસ પોતાના હાથમાં છે. માણસ ધારે એ રીતે પોતાની જિંદગીને સંવારી અને વિકસાવી શકે છે. તમે મોટા અને મહાન લોકોનું ‘બેક ગ્રાઉન્ડ’ જોઈ જજો, બધા જ સ્ટ્રગલ કરી અને પડકાર ઝીલીને આગળ આવ્યા છે. માણસ એટલો નસીબદાર ચોક્કસ છે કે તે પોતાના મિત્રો અને સંબંધ પોતે નક્કી કરી શકે છે. મોટા ભાગે માણસ જેવો હોય છે,

એવા જ તેના સંબંધો હોય છે. એટલે જ એવું કહેવાય છે કે તમારે કોઈ વ્યક્તિની સાચી ઓળખ મેળવવી હોય તો તેના મિત્રો અને સંબંધોને ચેક કરી લેજો. તમને તેની સાચી ઓળખ મળી જશે. માણસ પોતાની દોસ્તી અને પોતાનો સંબંધ કેટલો જાળવે છે તેના ઉપરથી પણ તેનું માપ નીકળે છે. સંબંધો વારંવાર બનાવવા અને તોડવા બરાબર નથી. માણસને સરવાળે પોતાના સંબંધ જ કામ લાગતા હોય છે. કામ લાગવું એટલે જરૂર પડયે આર્થિક મદદ કરવી કે મેળવવી એ નથી. કામ લાગવું એટલે જ્યારે જરૂર પડે ત્યારે નૈતિક રીતે સાથે ઊભા રહેવું.

માણસને માણસની આર્થિક જરૂર પડે છે તેના કરતાં વધુ માનસિક જરૂર પડે છે. દરેક પાસે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જેની પાસે એ વ્યક્ત થઈ શકે. જેની પાસે ખાલી થઈ શકાય, ઊભરો ઠાલવી શકાય અને હળવાશ ફિલ કરી શકાય તેવા લોકોની હંમેશાં અછત હોય છે. જો તમારી પાસે એકાદ-બે આવા લોકો હોય તો એ પૂરતાં છે.

બાકી જિંદગીમાં કોઈ તકલીફ કે દુઃખથી હતાશ ન થવું, ઉદાસ ન થવું, એ દૃઢતા જ તમને તમારા માર્ગથી વિચલિત થતાં રોકશે. મુશ્કેલી, દુઃખ અને નિરાશા તો જિંદગીમાં આવવાનાં જ છે. એક માળી હતો. તેના મિત્રએ તેને એક વાર પૂછયું કે, જિંદગીમાં ઘણુંબધું આપણને ન ગમતું હોય એવું શા માટે થાય છે? માળીએ સરસ વાત કરી. તેણે કહ્યું કે હું ફૂલછોડ ઉછેરું છું. મને એના પરથી એક વાત શીખવા મળી છે કે, ન ગમે એવું તો દરેક સાથે હોય જ છે. ગુલાબના છોડમાં કાંટા છે પણ કોઈ ગુલાબ કાંટાથી ડરીને ખીલ્યું ન હોય એવું જોયું છે? કમળ તો કાદવમાં જ ખીલે છે. કોઈ કમળે ક્યારેય મને ફરિયાદ નથી કરી કે અમારા માટે આવી જગ્યા કેમ? કોઈ વેલે અમને નથી કહ્યું કે અમે ટટ્ટાર કેમ નથી? પ્રકૃતિની દરેક રચનામાં પડકાર છે પણ ફૂલ ક્યારેય ઉદાસ નથી થતાં. માત્ર માણસ જ ફરિયાદો કરતો રહે છે અને ઉદાસીને પંપાળતો રહે છે. તમારી વેદનાને જેટલી વહેલી ખંખેરશો એટલી સંવેદના વિકસશે, તમારી ઉદાસીને જેટલી વહેલી હટાવશો એટલી ઝડપથી આનંદ આવશે અને તમારાં દુઃખને જેટલું દૂર રાખશો એટલું જ સુખ નજીક રહેશે.

છેલ્લો સીન :
દુઃખી સુખની ઇચ્છા કરે છે, સુખી વધુ સુખની ઇચ્છા રાખે છે. વાસ્તવમાં દુઃખ પ્રતિ ઉપદેશભાવ રાખવો તે જ સુખ છે.
- વિસુદ્ધિમગ્ગ

kkantu@gmail.com

Sunday, December 18, 2011


મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!


ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ 

વો સૂફી કૌલ હોય યા પંડિત કા જ્ઞાન,
જિતની બીતે આપ પર ઉતના હી સચ માન.
-          નિદા ફાઝલી

એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે પૂછયું કે, તમારે મને કોઈ સલાહ આપવી હોય તો કઇ સલાહ આપો? ફિલોસોફરે હસીને કહ્યું કે, કોઈને સલાહ ન આપવી!
બીજો એક માણસ એક સંત પાસે ગયો. તેણે સંતને પૂછયું કે, લોકો એવું શા માટે કહે છે કે વડીલોની સલાહ માનવી જોઈએ. તમે શું કહો છો, વડીલોની સલાહ માનવી જોઈએ? સંતે કહ્યું કે, બિલકુલ માનવી જોઈએ, કારણ કે વડીલોએ ઘણી ભૂલો કરી હોય છે. તેની પાસે ભૂલોનો વધુ અનુભવ હોય છે.
સલાહ બહુ અટપટો સબજેક્ટ છે. ઘણા લોકોને સલાહ આપવાનો શોખ હોય છે. તમે પૂછો કે ન પૂછો એ સલાહ આપવા માંડે છે. સલાહ આપવાને એ પોતાની ફરજ સમજે છે. માત્ર ફરજ જ નહીં, અધિકાર પણ સમજે છે. પાછા એમ પણ કહે કે માનવું - ન માનવું તારી મરજી, આ તો મને એમ લાગ્યું કે મારે તને કહેવું જોઈએ એટલે હું તને કહું છું. હું તો તારું ભલું ઇચ્છું છું એટલે તને સમજાવું છું.
સલાહ વિશે સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી કોઈ સલાહ ન માગે  ત્યાં સુધી સલાહ ન આપવી. કોઈ સલાહ માગે અને આપણું એમાં ધ્યાન ન પડતું હોય તો બહુ પ્રેમથી કહી દેવાનું કે ભાઈ મને આ વિષયમાં કંઈ ખબર નથી પડતી, બહેતર એ છે કે તું કોઈ એવી વ્યક્તિને પૂછ જેને આ વિષયમાં ખબર પડે છે. મોટા ભાગે માણસ પાસે કોઈ સલાહ માગે કે એ તરત જ પોતાને સૂઝે એ સલાહ આપી દે છે.
જિંદગીમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે માણસને સમજાતું નથી કે શું કરવું? આવા સમયે માણસ જેને સમજુ, ડાહ્યો,હિતેચ્છુ અને સ્વજન માનતો હોય એની સલાહ લે છે. ઘણીવખત માણસ સલાહ માગીને જ મૂંઝાઈ જાય છે, એટલી બધી સલાહ માગે છે કે પછી પોતે જ કંઈ નિર્ણય કરી શકતો નથી.
સલાહ વિશે એક સરસ અભ્યાસ થયો છે. આ અંગે એવું કહેવાયું છે કે અંતે માણસ એ જ સલાહ માનતો હોય છે, જે એ ઇચ્છતો હોય છે. માણસ એટલા માટે પૂછતો હોય છે, કારણ કે તે પોતે જે વિચારતો હોય છે એનું ઈન્ડોર્સમેન્ટ એટલે કે સમર્થન જોઈતું હોય છે. હું જે વિચારું છું એ સાચું છે એવો અભિપ્રાય એને જોઈતો હોય અને એ મળી જાય ત્યારે એ માની લેતો હોય છે.
એક ભાઈએ તેના સ્વજન પાસે એક મુદ્દે સલાહ માગી. એ સ્વજને સલાહ આપી. એ સલાહ યોગ્ય ન લાગી એટલે એ ભાઈએ સલાહ ન માની. સમય વીત્યો. પેલા ભાઈને થયું કે, મેં સ્વજનની સલાહ માની હોત તો સારું થાત. એ ભાઈ સ્વજન પાસે ગયા અને કહ્યું કે તમે મને સાચી સલાહ આપી હતી, હું ન માન્યો. પેલા સ્વજને કહ્યું કે, સલાહ ન માની તો ભોગવો. તમારા જેવા લોકો કોઈનું માનતા જ નથી. પછડાટ ખાય ત્યારે જ સમજે છે. આવી વાત સાંભળીને પેલા ભાઈને થયું કે મેં વળી ક્યાં ડાહ્યા થઈને આને સાચું કહ્યું, એક તો હાલત ખરાબ છે અને ઉપરથી ટોણા મારે છે.
સલાહ કોઈ માગે તો આપવામાં કંઈ ખોટું નથી પણ સલાહ આપનારે ક્યારેય સલાહ માગનારો એની સલાહ માને જ એવો આગ્રહ ન રાખવો જોઇએ. આપણે ઘણી વાર એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે કહીએ એ સલાહ લોકોએ માનવી જ જોઈએ. ન માને તો ઘણા લોકોને ખોટું પણ લાગી જાય છે. સાચો સ્વજન એ છે જે સલાહ આપે છે, જો સલાહ ન માને તો માઠું લગાડતો નથી અને કોઈ સલાહ ન માનવાની ભૂલ સ્વીકારે તો પણ એની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તે.
માણસની જેમ ઉંમર વધે તેમ એ પોતાને સલાહ આપવા માટે લાયક સમજવા લાગે છે. ઉંમરને અને સમજણને કંઇ લાગતું વળગતું નથી. ઘણી વખત નાની ઉંમરની વ્યક્તિની વાત પણ સાચી હોય છે. જો કે બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે જે નાની ઉંમરની વ્યક્તિની સલાહ માંગે, માને અથવા તેનો આદર કરે. નાની ઉંમરના માણસ પાસે સલાહ માંગવા મોટું મન જોઇએ. કેટલા પિતા એવા હોય છે જે પોતાના પુત્રની સલાહ માગે છે? જા જા, તને શું ખબર પડે! નીકળી પડયો છે સલાહ આપવા! આખી દુનિયા સલાહ માગતી હોય છે પણ ઘરના લોકો જ વાત માનતા હોતા નથી.
સલાહ વિશે એક બીજી મહત્ત્વની વાત એ પણ છે કે, સલાહ આપનારને ક્યારેક દોષ ન દો. એક ભાઈએ એક મુદ્દે તેના મિત્રની સલાહ માંગી. મિત્રએ તેની સમજ મુજબ સલાહ આપી. એ સલાહ ખોટી પડી. મિત્રએ ઝઘડો કર્યો. તમારા પાપે જ બધું થયું. તારી સલાહ માની એટલે જ મારે ભોગવવાનું આવ્યું. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તારા જેવાની સલાહ માંગી. સલાહ આપનારે શુભ ઉદ્દેશથી જ સલાહ આપી હોય છે પણ દરેક વખતે કોઈની સલાહ સાચી પડે એ જરૂરી નથી. આપણી નિષ્ફળતાનો દોષ કોઈના માથે ઢોળવો ન જોઈએ.
સલાહ વિશે એક મજાની જોક છે. એક દીકરાએ એના બાપને પૂછયું કે મારે રાજકારણી થવું છે, શું કરવું જોઈએ? બાપે કહ્યું કે તું પહેલા માળે જા અને અગાશી ચિંતનની પળે પરથી કૂદકો માર. દીકરાને થયું કે પિતાજી કંઈ ખોટું થોડું કહે. એ ઉપર ગયો અને ઠેક્ડો માર્યો. દીકરાનો પગ ભાંગી ગયો. પિતાએ કહ્યું કે, તારે રાજકારણી થવું છે ને? તો પહેલી વાત એ કે સગા બાપની વાત પણ ન માનવી! ટાંટિયો ભાંગ્યો ને! તને સમજ નથી પડતી કે ઉપરથી પડીએ તો પગ ભાંગે! આડકતરી રીતે આ રમૂજી કિસ્સા પરથી એ જ સમજવાનું છે કે કોઈની સલાહ આંખો મીંચીને માની લેવી ન જોઈએ. પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ.
દરેક વખતે સલાહ માંગવાનું પણ વાજબી નથી. હા, ઘણી વખત આપણું ધ્યાન પડતું નથી. આવા સમયે માણસે પોતાના દિલની વાત સાંભળવી જોઈએ. દરેક માણસ પોતાનું સારું-નરસું વિચારતો જ હોય છે. ક્યારેક કંઈ મૂંઝવણ થાય તો થિંક ઓફ વર્સ્ટ. વધુમાં વધુ શું થઈ શકે એમ છે? સાહસ કરવાવાળાઓએ બહુ ઓછી સલાહો માંગી છે. તમારો નિર્ણય તમારાથી સારો કોઈ જ ન લઈ શકે. તમે જ તમારા સલાહકાર બનો. તમારી પરિસ્થિતિ, તમારા સંજોગો અને તમારી માનસિક્તા તમે જ સારી રીતે સમજી શકો. જિંદગીમાં દરેક નિર્ણય સાચા પડતાં નથી. કોઈ નિર્ણય ખોટો પડે તો પણ અફસોસ ન કરો.
અને હા, કોઈ સલાહ માંગે ત્યારે માત્ર સલાહ ન આપો, સાથ આપો. કારણ કે સલાહ ખોટી પડી શકે છે, સાથ નહીં!
છેલ્લો સીન
મુશ્કેલીમાંથી ઉગરવાનો સર્વોત્તમ માર્ગ એમાંથી પસાર થવું એ છે.
kkantu@gmail.com

Friday, December 16, 2011


જિંદગી એટલે શું? રોમાંચ અને રોમાન્સ


ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે, માણસ એ વખતે સાચો કલાકાર હોય છે,
દીવાનગીની વાતને સમજી શકે ન જે, મારી સમજ મુજબ એ સમજદાર હોય છે
ઓજસ પાલનપુરી
પૃથ્વી પર અવતરતું દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરે હજુ માણસજાત ઉપરથી શ્રદ્ધા ગુમાવી નથી. છતાં માણસ પોતાની જાત, કાયનાત અને કુદરત પરથી શ્રદ્ધા કેમ ગુમાવી દે છે? માણસ પ્રકૃતિનો એક ઉમદા અંશ છે. કુદરતની રચના વિસ્મયકારક છે. પૃથ્વી, આકાશ, ગ્રહો, સૂર્ય, ચંદ્ર, તારા, ઝરણાં, નદી, દરિયો, પર્વત, જંગલ, રણ, ટાઢ, તડકો, વરસાદ, ફળ, ફૂલ, રંગ, અસંખ્ય જીવો અને માણસ. લાંબો વિચાર કરો તો એવું લાગે કે કુદરતે કોઈ કમી નથી રાખી, છતાં પણ માણસ કેમ સતત અભાવમાં જ જીવે છે?
હમણાં એક મિત્રનો એસએમએસ આવ્યો. તેમાં લખ્યું હતું કે આ દુનિયામાં સૌથી વધુ ખોટું બોલાતું વાક્ય કયું છે? તેનો જવાબ હતો, હું મજામાં છું! તમે પણ આવું અસંખ્ય વાર બોલ્યા હશો. આવું બોલીને તમે ક્યારેય વિચાર કર્યો છે કે હું ખરેખર મજામાં છું? મજામાં નથી તો શા માટે નથી? ત્રીજો સવાલ એ કે મજામાં રહેતા કોણ રોકે છે? મજામાં રહેવું એ માણસનો અબાધિત અધિકાર છે. પણ કેટલા લોકો આ અધિકાર ભોગવી શકે છે? મોટા ભાગે માણસની માનસિકતા જ એને મજામાં રહેવા દેતી નથી. આશ્ચર્યની વાત એ જ છે કે માણસ હંમેશાં પોતાની સમસ્યા, પોતાનાં દુઃખ અને પોતે મજામાં રહી શકતો ન હોવા પાછળ બીજાને જ દોષ દે છે! બધાને તરત જ કોઈના તરફ આંગળી ચીંધી દેવી છે. આપણી પાસે કારણ હોય છે પણ મારણ હોતું નથી.
વિશ્વમાં જેટલા સજીવ છે તેમાં માણસ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તમને ક્યારેય એવો વિચાર આવે છે કે કુદરતે માત્ર માણસને જ શા માટે બુદ્ધિ અને વિચારવાની શક્તિ આપી? ઈશ્વરનો આશય બૂરો ન હોય. તેનો ઇરાદો કદાચ એવો જ હશે કે માણસ બીજા જીવો કરતાં વધુ સારી રીતે જીવે. માણસ પોતાનું સારું-નરસું વિચારે. સુખ અને દુઃખને સમજે. સારું અપનાવે અને નરસું ત્યજે. પણ માણસ આવું કરે છે? આપણે કાયમ મજામાં રહેવું હોય છે. છતાં આપણે કેમ મજામાં નથી રહી શકતા?
માણસના અંગૂઠાની છાપ એકસરખી નથી હોતી. એ જ બતાવે છે કે માણસ એકબીજાની કાર્બન કોપી નથી હોતા. અંગૂઠાની છાપની જેમ માણસનાં મગજ પણ એકસરખાં નથી હોતાં. આપણે બધાં જ એકબીજા કરતાં જુદં અને મોટા ભાગે ઊંધું વિચારીએ છીએ. તમે બીજા જીવોનું નિરીક્ષણ કરજો. મોટા ભાગે બધાં એકસરખું કરતાં હશે, એકસરખી રીતે જ જીવતાં હશે. માણસ જ જુદી જુદી રીતે જીવે છે. કયો માણસ ક્યારે શું કરશે એ કળી શકાતું નથી. આપણાં બધાનાં મગજમાં કોઈ ને કોઈ રમત ચાલતી હોય છે અને બધાંને પોતાની રમતમાં જીતવું જ હોય છે! આપણું મન એ સોગઠાં ગોઠવવાનું મશીન નથી. છતાં આપણે ચાલ રમતા રહીએ છીએ. થાપ આપવાનો મોકો શોધતા રહીએ છીએ અને થાપ ખાતા રહીએ છીએ.
માણસની જિંદગી રમત રમવા માટે નથી. દરેક ક્ષણ ઉમદા રીતે જીવવા માટે છે. માણસ પ્રકૃતિના અનુપમ સૌંદર્યનો જ એક હિસ્સો છે. તમે છો તો પ્રકૃતિ છે. તમે છો તો સૌંદર્ય છે. આપણે આપણામાં કુદરતે રોપેલી સુંદરતાને કેટલા અંશે જીવીએ છીએ?કુદરતની દરેક રચનાને આપણે માણીએ છીએ. સુંદર દૃશ્ય જોઈને આપણા મોઢામાંથી ‘વાહ’ શબ્દ સરી પડે છે. આપણું એવું કયું વર્તન છે કે બીજા માણસના મોઢામાંથી આપણા માટે ‘વાહ’ શબ્દ સરી પડે.
સંસ્કૃતમાં એક વાક્ય છે. યથા પિંડે તથા બ્રહ્માંડે. જે શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે, એ જ પ્રકૃતિના કણેકણમાં છે. એક સંતે કહ્યું કે, આપણું શરીર પંચમહાભૂતમાંથી બનેલું છે. બ્રહ્માંડનાં પાંચ તત્ત્વોથી આપણું શરીર બનેલું છે, એટલે જ આપણે પ્રકૃતિના એક હિસ્સા જેવા છીએ. આપણા શરીરમાં ૭૦ ટકા પાણી છે. આ વાત સાંભળીને એક શિષ્યે સંતને પૂછયું, આપણા શરીરમાં ૭૦ ટકા પાણી છે તો પછી આપણને કોઈ ઘા લાગે ત્યારે લોહી કેમ નીકળે છે, પાણી કેમ નીકળતું નથી?
સંત હસવા લાગ્યા. તેણે કહ્યું કે, પાણીનો સંબંધ સંવેદના સાથે છે અને કોણે કહ્યું કે ઘા વાગે ત્યારે પાણી નથી નીકળતું? દિલ દુભાય ત્યારે આંખમાંથી જે સરી પડે છે એ શું છે? ઘા લાગે ત્યારે પાણી નથી નીકળતું, પણ રડીએ ત્યારે આંખમાંથી લોહી પણ નથી નીકળતું. એ જ વસ્તુ બતાવે છે કે પ્રકૃતિનો દિલ સાથે સંબંધ છે, વિચારો સાથે સંબંધ છે, વર્તન સાથે સંબંધ છે. તમે કેવા છો એ તમારા લોહી પરથી નહીં પણ તમારા દિલ પરથી ઓળખાય છે.
વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. લોહીના કણેકણનુંં પૃથક્કરણ કરી નાખે છે. છતાં લોહી વિશે એક વાત કોઈ વિજ્ઞાન કરી શકતું નથી. એવી કઈ લેબોરેટરી છે જે કહી આપે કે આ લોહી કોનું છે. આ લોહી કોઈ સંતનું છે કે શેતાનનું? સારા માણસનું છે કે ખરાબ માણસનું? અને વિજ્ઞાન તો એ પણ નથી કહી શકતું કે લોહી સ્ત્રીનું છે કે પુરુષનું! સરવાળે માણસની સંવેદના જ તેનું મુખ્ય તત્ત્વ છે. તમે તમારી સંવેદનાને ઓળખો છો? માણસ વેદનાને જ પંપાળે રાખે છે. તમારામાં ધબકતી પ્રકૃતિને તમે કેટલી જીવો છો?
માણસની જિંદગીનાં સૌથી મોટાં બે તત્ત્વો અને તથ્યો કયાં છે? રોમાંચ અને રોમાન્સ. આ બે વસ્તુ જ્યાં સુધી આપણામાં જીવતી છે ત્યાં સુધી જિંદગી છે. એ બે વસ્તુ ખતમ થઈ જાય તો માણસ માત્ર શ્વાસ લેતો હોય છે, જીવતો હોતો નથી. નાના બાળકની આંખમાં રોમાંચ હોય છે. આંખનું મટકું માર્યા વગર એ કોઈ વસ્તુ જોયા રાખે છે. તેની આંખમાં કુતૂહલતા હન્ડ્રેડ પર્સન્ટ હોય છે. મોટા થતાં જઈએ એમ એ રોમાંચ ક્યાં ચાલ્યો જાય છે? રોમાંચ એટલે રોમેરોમમાં જિંદગી. આપણા આખા શરીરમાં લોહી ફરે છે પણ જિંદગી ફરતી નથી.
પ્રકૃતિની કોઈ પણ રચના જુઓ. એમાં કેવી હળવાશ છે? દરેક કણમાં એક ‘રિધમ’ છે, એક ‘સિમ્ફની’ છે. આપણે એ જોઈએ તો ટાઢક થાય છે. એવા કેટલા લોકો હોય છે જેને જોઈને આપણને ટાઢક થાય? આપણે કુદરતની રચના છીએ તો કેમ ટાઢક નથી થતી? તેનું સૌથી મોટું કારણ એ છે કે આપણે કુદરતની આ રચના એટલે કે આપણી જાતને જ પ્રદૂષિત કરી નાખી છે. વાતાવરણના પોલ્યુશનની આપણે જેટલી ચિંતા કરીએ એટલી ચિંતા આપણા વ્યક્તિત્વના પોલ્યુશનની કરીએ છીએ? આખી દુનિયાના લોકોમાં ઉચાટ અને ઉશ્કેરાટ છે, આ કયા પ્રકારનું ‘ગ્લોબલ ર્વોમિંગ’ છે? આ ઉકળાટ આપણને સતત બાળતો રહે છે.
તમારે તમારી જિંદગી, તમારા દિલ અને તમારા વ્યક્તિત્વને આ પ્રદૂષણથી દૂર રાખવું હોય તો જિંદગીને હળવી રાખો, મનને મુક્ત રાખો. આપણા વિચારો પર કેટલાં બધાં પડ જામી ગયાં છે? આપણે જડ જેવા થઈ ગયા છીએ. કોઈ જ બાંધછોડ નહીં, કોઈ જ સમાધાન નથી, હું કરું એ જ સાચું, હું કરું એ જ સત્ય. કોઈની વાત આપણને અસર ન કરે એટલું પ્રદૂષણ થઈ જાય એ પહેલાં સંવેદનાને થોડીક ઢંઢોળવાની જરૂર લાગે છે.
રોમાંચ અને રોમાન્સને તમારામાં જીવતો રાખો. પ્રેમ હોય ત્યારે જે રોમાંચ અને રોમાન્સ હોય છે એ થોડાં જ સમયમાં ક્યાં અલોપ થઈ જાય છે? લગ્નને સમજીએ એ પહેલાં આપણે છૂટાછેડાને સમજવા કેમ મથવા લાગીએ છીએ. આપણે લગ્ન તો સારી રીતે કદાચ કરી લેતા હોઈશું પણ છૂટાછેડા ક્યાં સારી રીતે લઈ શકીએ છીએ? સતત કડવાશ, નારાજગી અને ગુસ્સો આપણને શાંતિથી જીવવા નથી દેતો.
જિંદગીને આપણે જ ગંભીર અને ભારે બનાવી દઈએ છીએ અને પછી એ ભારનો બોજ આપણે જ સહન નથી કરી શકતા. જિંદગી ગભરાઈ જાય એટલી તીવ્રતાથી આપણે તેને પકડી રાખીએ છીએ. જિંદગીને તમારી માન્યતાઓ, તમારી જીદ અને ‘હું’થી જરાક મુક્ત કરો. પ્રકૃતિના એક અંશની જેમ જીવો. બગીચામાં કોઈ ફૂલને રડતું કે ઝઘડતું જોયું છે? કોઈ ફૂલે કાંટા સામે ફરિયાદ કરી છે? એ તો એના ‘રોમાંચ’ અને ‘રોમાન્સ’માં જીવે છે. આપણે એવું કરીએ છીએ ખરાં?
છેલ્લો સીન
માણસ કેવો ગજબનો છે? એને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે પણ પોતાના અભિમાનનું જ્ઞાન હોતું નથી!
kkantu@gmail.com


With Shahrukh Khan... King of bollywood Sharukh Khan visited Sandesh office, Ahmedabad and launched 'CITY LIFE' of Sandesh. After meeting SRK, felt that he is not only superstar but good human being too. A memory...15th December,2011. Thursday. Ahmedabad.

Tuesday, December 13, 2011

જિંદગી એટલે શું?
રોમાંચ અને રોમાન્સ 
ચિંતનની પળે
કોલમ વાચવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો

Sunday, December 4, 2011


તમે પ્રેમ કરવા જેવા માણસ છો? 
ચિંતનની પળે
કોલમ વાચવા નીચે આપેલી લીંક પર ક્લીક કરો