જે પરિસ્થિતિને બદલી ન શકો તેને સ્વીકારી લો

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

નૌકાના ડૂબવાનું કો'કારણ નથી જડયું,
દે છે કોઈ ખુદાનું, કોઈ નાખુદાનું નામ.
-'ઓજસ' પાલનપુરી
જિંદગી આપણા ઇશારા અને ઇચ્છા મુજબ ચાલતી નથી, આપણે જિંદગીના ઇરાદા મુજબ ચાલવાનું હોય છે, આપણે જિંદગીના પડકાર ઝીલવાના હોય છે. સમય કરવટ બદલતો રહે છે, એની આદત જ અવળચંડી છે. ઘણી પરિસ્થિતિ જ એવી હોય છે જેને આપણે ટાળી શકતાં નથી. જે સ્થિતિ, સમય અને સંજોગને તમે બદલી શકો તેમ હોય તેને તમારી ઇચ્છા અને આવડત મુજબ બદલો અને જે પરિસ્થિતિને તમે બદલી શકો તેમ ન હોય તેને હસતા મોઢે સ્વીકારી લો.
જિંદગી દરેક પળે પરીક્ષા લેતી રહે છે. આપણને જવાબ આવડતા હોય ત્યારે આપણને આ પરીક્ષા સરળ અને સહેલી લાગે છે. અઘરા સવાલ આપણને આકરા લાગે છે. આકરા એટલા માટે જ લાગતા હોય છે, કારણ કે તેનો જવાબ અને ઉકેલ આપણી પાસે હોતો નથી. આવા આકરા સવાલોના ઉકેલ શોધવા પડે છે. દરેક તાળાની ચાવી હોય છે. આપણે સાચી ચાવી શોધીને લગાડવાની હોય છે.
એક બાળકે તેના પિતાને કહ્યું કે, આ ભણવાનું અને પરીક્ષા આપવાનું ક્યારે પૂરૂ થશે? પિતાએ હસીને કહ્યું કે, જિંદગી છે ત્યાં સુધી આ બધું ચાલતું જ રહેવાનું છે. અત્યારે તું ભણે છે, તારી પાસે સિલેબસ છે, પાઠયપુસ્તકો છે, ગાઈડ છે, અને સૌથી મોટી વાત તો એ કે તને ખબર છે કે તારી પરીક્ષા ક્યારે છે. ભણવાનું પૂરૂ થશે પછી રીયલ લાઈફ શરૂ થશે. ત્યારે પુસ્તકો કે ગાઈડ નહીં હોય, પરીક્ષાનું ટાઈમટેબલ નહીં હોય, અચાનક જ તમારી સામે સમસ્યા અને સંજોગ આવી જશે અને તમને કહેશે કે લ્યો હવે આ દાખલો ઉકેલો. તમારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું હોય છે.
પરીક્ષામાં કેટલાંક પ્રશ્નો ફરજિયાત હોય છે. તેના જવાબ આપવા જ પડતાં હોય છે. જિંદગીનું પણ એવું જ છે. અમુક પ્રશ્નોના જવાબ તમારે આપવા જ પડે છે. યુ હેવ નો ઓપ્શન. તમારે પાસ થવાનું છે. જિંદગીમાં તમારે સુખી થવાનું જ છે. જિંદગીની કેટલીક પરિસ્થિતિ સામે લડવાનું હોય છે અને જીતવાનું હોય છે. પણ મોટાભાગે માણસ લડવાનું છોડી રડવાનું ચાલુ કરી દે છે. આપણે ફરિયાદો કરવા લાગીએ છીએ. આવું થોડું હોય? મારી સાથે જ કેમ આવું થાય? મારો કંઈ જ વાંક નથી.
મને વગર વાંકે સજા મળી છે. મારા ઉપર આવી જવાબદારી અને મુશ્કેલી શા માટે આવી? આવા પ્રશ્નોનો, આવી ફરિયાદોનો અને કેટલાક ઉધામાઓનો કોઈ મતલબ હોતો નથી. સવાલો ન કરો, જવાબો શોધો. તમે જવાબ શોધશો તો મળી જ જશે. કોઈ સમસ્યા એવી નથી જેનો ઉકેલ ન હોય, ઘણી વખત આપણે જ ઉકેલથી ભાગતાં હોઈએ છીએ.
ઘણી વખત આપણું મન જ બળવો કરે છે. મન બળવાખોર છે. જો અને તો, યસ અને નો, આ પાર કે પેલે પાર, એક ઘા ને બે કટકા કરી દેવાના વિચાર આવે છે. જિંદગી સામે આપણે શીંગડાં ભરાવીએ છીએ. માથાં પછાડીએ છીએ. ઘણી વાર શીંગડાં તૂટી જાય પછી જ પરિસ્થિતિ સ્વીકારીએ છીએ. કોઈ પરિસ્થિતિને હાર્યા પછી સ્વીકારવા કરતાં લડયા વગર જ સ્વીકારવામાં સાચી જીત હોય છે. માણસ કેટલો સમજુ અને ડાહ્યો છે તેનું માપ તેની વાતો પરથી નહીં પણ તે જિંદગીના સંજોગોને કેવી રીતે લ્યે છે, કેવી રીતે ઉકેલે છે તેના પરથી નીકળે છે. ઘણાં લોકો શિખામણ આપવામાં શાણા હોય છે. પણ વાત જ્યારે પોતાની આવે ત્યારે પાણીમાં બેસી જતાં હોય છે. યાદ રાખો, તમારા લોકો તમે શું કહો છો તેના પરથી નહીં પણ તમે શું કરો છો તેના ઉપરથી તમારૂ મૂલ્યાંકન કરે છે.
જિંદગી જ્યારે વિકલ્પ ન આપે ત્યારે વિકલ્પ શોધવા પડતા હોય છે. જિંદગી ક્વિઝ નથી કે એક સવાલના ચાર જવાબ હોય. જિંદગીની ક્વિઝ તો એવી જ હોય છે જેમાં માત્ર સવાલ જ હોય છે, જવાબ હોતા નથી. તમારે પહેલાં જવાબો ઊભા કરવા પડે છે. અને પછી તમારે શ્રેષ્ઠ જવાબ પસંદ કરવો પડે છે. તમારા સુખ માટે તમારા વિકલ્પો ઊભા કરો. અને પછી એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો. દરેક વખતે જવાબ સાચો જ પડે એવું જરૂરી નથી. જો જવાબ ખોટો પડે તો એને પણ સ્વીકારો.
તમારાથી કોઈ ભૂલ થઈ છે? તો એને પણ સ્વીકારો. કઈ વ્યક્તિ એવી છે જેણે ભૂલ નથી કરી? ભૂલને ભૂલી નથી શકતો એને જીત દેખાતી જ નથી. તમારૂ જીવન તમારે જ જીવવાનું છે. પરિસ્થિતિથી ભાગો નહીં, પરિસ્થિતિથી ભાગવા જશો તો એ તમારો પીછો કરશે. મોઢું સંતાડવાવાળાની ઓળખ ક્યારેય મળતી નથી.
મોટાભાગે આપણે એટલા માટે દુઃખી થતા હોઈએ છીએ, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ હોય તેને આપણે સ્વીકારી નથી શકતા. આપણને આપણી પરિસ્થિતિ આપણી ઇચ્છા મુજબ જોઈતી હોય છે, જે વ્યક્તિ દરેક પરિસ્થિતિને પોતાની ઇચ્છા મુજબ વાળી શકે છે એ ઓછો દુઃખી થાય છે.
તમારી પાસે એક જ રસ્તો હોય ત્યારે તમે રસ્તાને દોષ ન દઈ શકો, તમારે થોડાક આગળ ચાલવાનું હોય છે અને નવા રસ્તાઓ શોધવાના હોય છે. પણ આપણે આગળ વધતા નથી, ત્યાં જ ઊભા રહી રસ્તાઓ શોધતા રહીએ છીએ. અને રસ્તો ન મળે ત્યારે બેસી જઈએ છીએ. રસ્તા ઊગતા નથી, રસ્તા બનાવવા પડે છે.
તમારે આગળ વધવું હોય તો ઘણું બધું છોડવું પડતું હોય છે. એક જ જગ્યાએ ચપ્પટ બેઠા રહીને તમે આગળ વધી ન શકો. એક માણસનો જન્મ જંગલમાં થયો હતો. મા બાપ એક ઝૂંપડું બનાવીને જંગલમાં રહેતાં હતાં. જંગલમાં જ એ બાળક મોટો થયો. બીજો એક યુવાન ફરતો ફરતો જંગલમાં આવ્યો. બંને મળ્યા. તેણે કહ્યું કે હું તો જંગલની બહારથી આવ્યો છું. તને ખબર છે જંગલની બહાર એક શહેર છે.
ત્યાંની જિંદગી જુદી છે. તારે મારી સાથે આવવું છે? પેલાએ કહ્યું કે ના, હું અહીં સુખી છું. બીજા યુવાને કહ્યું કે એ તો તારી માન્યતા છે. તું જ્યાં છે તેને જ તેં સુખ માની લીધું છે. બીજું જોયા વગર તું નક્કી કેમ કરી શકે કે એ દુઃખ છે કે અત્યારે છે તેનાથી વધારે સુખ છે? ઘણી વખત આપણે જે સ્થિતિમાં હોઈએ એને જ સુખ માની લેતા હોઈએ છીએ અને એટલે જ કોઈ પ્રયત્ન નથી કરતાં.
તું બહાર તો નીકળ, જો તો ખરાં કે શું છે? તું નીકળી નહીં શકે તો તને ખબર જ નહીં પડે કે બીજી કોઈ દુનિયા પણ છે. ઘણી વખત આપણે જિંદગીમાં પણ આવું જ કરતાં હોઈએ છીએ. જરૂરી નથી કે બહાર સુખ જ હોય પણ બહાર શું છે એ જાણવાનો જ પ્રયાસ કરતાં નથી અને બહાર દુઃખ જ છે એમ માની લઈએ છીએ. અંદર પુરાઈ રહીએ છીએ અને બહારની દુનિયાને વખોડતાં અને વગોવતાં રહીએ છીએ.
તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે તમારી અંદર જ બંધ થઈ ગયા છો? ગૂંગળામણ લાગે ત્યારે બહાર નીકળીને જોવું એ પણ સુખી થવાનો રસ્તો છે. તમારી માન્યતાઓ અને તમારા પૂર્વગ્રહોની બહાર પણ એક દુનિયા વસે છે. અંધારામાં જ રહેશો તો અંધારૂ પણ ફાવી જ જશે, લાંબો સમય અંધારામાં રહેનારને પ્રકાશનો પણ ડર લાગવા માંડે છે. ઘણા લોકોને દુઃખની પણ એટલી બધી આદત પડી ગઈ હોય છે કે એ સુખની નજીક જતાં પણ ડરે છે. તમારે બહાર નીકળવું પડે છે, તમારૂ સુખ તમારે જ શોધવાનું હોય છે.
આંખો મીંચીને દરેક પરિસ્થિતિને તમે બદલી શકો છો, તેને બદલો. એ જ પરિસ્થિતિને સ્વીકારો જેને તમે બદલી નથી શકતા અને જેને બદલી નથી શકતા તેને તમારી અનુકૂળ બનાવવાનો અને અનુકૂળ બનવાનો પ્રયાસ કરો. સુખને પણ તમારે જીતવાનું હોય છે. તમારૂ સુખનું નિર્માણ તમે જ કરી શકો. સુખ સામે આંખ બંધ કરશો તો તમને એવું જ લાગશે કે સુખ છુપાઈ ગયું છે. સુખ ક્યારેય છુપાયેલું હોતું જ નથી, આપણે ફક્ત ચેક કરતાં રહેવું પડે છે કે આપણી આંખો ખુલ્લી છે કે બંધ?
છેલ્લો સીન :
જે વ્યક્તિ ક્યારેય કોઈ જોખમમાંથી પસાર થઈ ન હોય એ પોતે સાહસિક હોવાનો દાવો કરી શકે નહીં. -રોશે ફુકાલ્ડ
kkantu@gmail.com