પ્રેમ સૌથી વધુ પીડા આપે છે!

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
હું નથી પૂછતો ઓ સમય કે હજીતું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મનેજોઈએ તારે આખર જખમ કેટલા
-શૂન્ય પાલનપુરી
જિંદગી એ પ્રેમ મેળવવાની અને પ્રેમ કરવાની એક ઉમદા સફર છે. અચાનક જ કોઈ મળી જાય છે અને સફર સુહાના થઈ જાય છે. બધું જ રંગીન અને સંગીન લાગવા માંડે છે. પ્રેમમાં હોય ત્યારે માણસ પ્રકૃતિની સૌથી નજીક હોય છે. કુદરતના દરેક રંગ અને ઢંગ તેને સ્પર્શવા લાગે છે. કણે કણમાં ખૂબસૂરતીનો અહેસાસ થાય છે. શબ્દો વધુ કૂણા અને માર્મિક બની જાય છે. કવિતા અને ગઝલ સૂઝવા લાગે છે. પ્રેમમાં હોય ત્યારે માણસે વધુ નહીં તો બે ચાર કવિતાઓ તો લખી જ હોય છે, કારણ કે ત્યારે માણસ સૌથી વધુ સંવેદનશીલ હોય છે.ળપહેલા સ્પર્શની ઝણઝણાટી એ કદાચ જિંદગીનો સૌથી મોટો રોમાંચક અહેસાસ હોય છે. ધબકારા ગરજતા હોય છે અને મૌનમાં પણ કંઈ સંભળાતું હોય છે. જિંદગી જીવવા જેવી લાગવા માંડે છે અને પ્રેમી માટે મરવાની પણ તૈયારી હોય છે. ફના થઈ જવું પડે તો પણ માણસ અચકાતો નથી.
પ્રેમમાં હોય ત્યારે માણસને કંઈ જ ખોટું લાગતું નથી. ઘરે ખોટું બોલીને પ્રેમીને કે પ્રેમિકાને મળવા જવાનું, ક્લાસ બંક કરીને બાઈક કે કારમાં લોંગ ડ્રાઈવ પર નીકળી પડવાનું, કોઈ જુએ નહીં એમ એસએમએસ કરતાં રહેવાના અને મેસેજ વાંચી કે લખીને તરત ડિલીટ કરી નાખવાના, સિક્રેટ પાસવર્ડનો ઉપયોગ કરીને પ્રેમીના ફોટા સાચવી રાખવાના અને એકાંતનો મેળ ખાય ત્યારે એ ફોટા ફરીથી જીવી લેવાના. કોઈ પ્રેમી એવા નહીં હોય જેણે પોતાના હાથેથી પોતાના જ મોબાઈલમાં બંનેના ફોટા ન પાડયા હોય. ગાલથી ગાલ અડાડીને હાથ લાંબો કરીને મોબાઈલ પર ક્લિક કરીને કેવો ફોટો આવ્યો છે એ જોવાની મજા દરેકે માણી હોય છે. આ સમય પણ એવો હોય છે જ્યારે દરેક ફોટા પણ સારા લાગે છે. મોઢું મચકોડાયેલું હોય તો પણ તેમાં અનોખી અદા લાગે છે. પ્રેમમાં હોય ત્યારે મોબાઈલ ફોન સૌથી વધુ સાઇલન્ટ અને વાઇબ્રન્ટ મોડ પર હોય છે. રાતે પથારીમાં ચાદર ઓઢીને મેસેજિંગ ચાલુ હોય ત્યારે સ્ક્રીનની લાઇટથી બચવું પડે છે. પ્રેમીઓ હવે માત્ર પ્રેમી માટે જ એક ખાનગી ફોન રાખતા થઈ ગયા છે. જેના નંબર એકબીજા સિવાય કોઈની પાસે નથી હોતા. ફોન સંતાડીને રાખવો એ સૌથી મોટી ટાસ્ક હોય છે. અત્યારે થોડાક મોટાં થઈ ગયેલાં લવમેરિડ પ્રેમીપંખીડાંઓ એવું કહેતાં હોય છે કે આપણા જમાનામાં મોબાઇલ હોત તો કેવું સારું હતું, વિરહ અને જુદાઈ આટલાં આકરાં ન લાગત. તારા ઘરની બહાર બાઇક લઈને ચોક્કસ રિધમમાં હોર્ન મારી ચક્કર કાપતો રહેતો અને બારીએ કે દરવાજે તારા આવવાની રાહ જોતો, તારો ચહેરો જોવા મળે એટલે જાણે જન્નત મળી જાય.
દરેકને પોતાની લવસ્ટોરી યુનિક અને અલૌકિક લાગે છે. દરેક લવસ્ટોરીમાં કોઈક વિલન પણ હોય જ છે. પ્રેમકહાનીમાં વિરહ અને જુદાઈ કોઈ ને કોઈ રીતે ચડી આવે છે. ઘર અને પરિવારમાં કોઈક એવું હોય છે જે પ્રેમ સ્વીકારવા તૈયાર નથી થતું. ક્યાંક સંપત્તિ તો ક્યાંક ઇજ્જત આડી આવે છે. કાસ્ટ, રીતરિવાજ, પરંપરા, ભણતર અથવા બીજું કંઈ મોટો પ્રશ્ન બનીને સામે આવી જાય છે. જાણે આખી દુનિયા દુશ્મન થઈ ગઈ હોય એવું લાગે છે. બધું જ સમુંસૂતરું હોય તો કુદરત જ ક્યારેક આડી ફાટે છે. એક કિસ્સો છે. છોકરો-છોકરી પ્રેમમાં પડયાં. ખબર પડી ત્યારે બંનેના ઘરના લોકો પણ માની ગયા. એવા જ સમયે છોકરાને બીજા શહેરમાં જોબ મળી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે ન તો પ્રેમ છૂટી શકે ન કરિયર. અંતે છોકરાએ જોબ કરવા જવું પડયું. બંને ત્યારથી એ જ રાહ જોતાં હતાં કે ક્યારે કાયમ માટે એક થઈ જવાય. અંતે જે થવું હોય તે થાય, તારાથી વધુ કંઈ નથી એવું વિચારી બંને એક થઈ ગયાં.
દરેક લવસ્ટોરીમાં અપડાઉન હોય છે. પણ દરેક લવસ્ટોરી હેપી એન્ડિંગવાળી નથી હોતી. પ્રેમ તૂટે ત્યારે જાણે બધું જ ખતમ થઈ જાય છે. બ્રેકઅપ એ આજના યંગસ્ટર્સની સૌથી મોટી સમસ્યા છે. 'હાઉ ટુ હેન્ડલ બ્રેકઅપ' ક્લિનિક્સ આપણે ત્યાં નથી. એ સમયે માત્ર મિત્રો જ દવા અને ઈલાજ બને છે. સાયકોલોજિસ્ટની મદદ લેવાની પ્રથા કે સૂઝ આપણે ત્યાં નથી. જો આવું હોય તો કદાચ આપઘાતના થોડાક કિસ્સામાં ચોક્કસ ઘટાડો થાય. આપણે ત્યાં તો ઘણી વખત પ્રેમ થવાની કે દિલ તૂટવાની વાત પણ કોઈને કરી શકાતી નથી. બ્રેકઅપ સમયે છોકરાં કે છોકરીને સૌથી વધુ પોતાના લોકોની સંવેદના, સાંત્વના અને સહાનુભૂતિની જરૂર હોય છે.
પ્રેમમાં પડવાની તૈયારી હોય તો વેદના ભોગવવાની પણ તૈયારી રાખો. પ્રેમ જેટલો તીવ્ર હશે એટલી જ વેદના ઉગ્ર હશે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે વેદના સહન કરવા તૈયાર નથી હોતા. આપણને કંઈ જ ઓછું ખપતું નથી અને પૂરતું ક્યારેય કોઈને મળતું નથી. પ્રેમમાં હોય ત્યારે એક તબક્કો તો એવો આવે જ છે જ્યારે આપણે ધાર્યું ન હોય એવું થાય. એ સમયે કેવી રીતે વર્તીએ છીએ અને કેવી રીતે ટકીએ છીએ તેના ઉપર જ પ્રેમની સફળતા- નિષ્ફળતા અને વેદના સંવેદનાનો આધાર છે.
પ્રેમની સાર્થકતાની કોઈ સ્યોરિટી નથી. એક વ્યક્તિએ સવાલ કર્યો કે એરેન્જ્ડ મેરેજના છૂટાછેડા વધુ પીડાદાયક હોય છે કે લવમેરેજના ડિવોર્સ? એનો કોઈ એવો જવાબ ન હોઈ શકે જે બધા જ કિસ્સામાં એકસરખો લાગુ પડે.કોઈ પણ સંબંધ તૂટે ત્યારે કડાકો તો સહન કરવો જ પડતો હોય છે. બ્રેકઅપ કે ડિવોર્સ વખતે વેદના બંને પક્ષે અનુભવાતી હોય છે., વેદનાની તીવ્રતા વ્યક્તિગત સંવેદનાઓ ઉપર આધાર રાખે છે. માણસે દરેક પરિસ્થિતિમાં ટકવાનું હોય છે. રસ્તાઓ ઘણી વખત થોડાક સાથે રહી જુદા પડી જતા હોય છે. આવા સમયે તમારી જાતને તૂટવા ન દો. પ્રેમ જિંદગીમાં મહત્ત્વનો છે પણ જિંદગી પ્રેમ કરતાં પણ વધુ મહત્ત્વની છે. જિંદગી જીવવી પડે છે. દરેક સમય એકસરખો રહેતો નથી.
પ્રેમ એ એવો ગંભીર વિષય છે જેને બધા જ લોકો બહુ હળવાશથી લે છે. એવા પ્રેમમાં આંખો મીંચીને ન પડો જેમાં આંખો ખૂલે ત્યારે કંઈ દેખાય નહીં. પ્રેમ વિશે એવું કહેવાય છે કે પ્રેમ કરાતો નથી પણ થઈ જાય છે. માનો કે એવું છે તો પણ પ્રેમ થઈ જાય પછી તો તેની સારી નરસી અને સાચી ખોટી શક્યતાઓ અને અસર ઉપર વિચારી શકાયને? ઘણી વખત શક્ય ન હોય એવાં જોખમ પણ માણસ લઈ લેતો હોય છે.પ્રેમ એવી વસ્તુ છે કે માણસ ગમે એવાં જોખમ લેવા પણ તૈયાર થઈ જાય છે. જો એવી તૈયારી હોય તો પછી ગમે તે થાય કોઈને દોષ ન દો, તમારી જાતને કે તમારા નસીબને પણ નહીં. એટલો નિશ્ચય ચોક્કસ કરો કે ગમે તે થાય તો પણ હું તૂટીશ નહીં. પ્રેમની નિષ્ફળતામાં પણ નહીં, પ્રેમ હોય કે વેદના, દરેક પરિસ્થિતિ તમારી છે અને તમારે જ એમાંથી પસાર થવાનું હોય છે. સાચો પ્રેમી એ છે જે અફસોસ કરતો નથી. જી-જાનથી પ્રેમ કરો, પ્રેમની દરેક પળ પૂરી ઉત્કંઠાથી જીવો, પ્રેમમાં હો ત્યારે બ્રેકઅપ કે શું થશે તેની ચિંતા પણ ન કરો પણ જો એવું કંઈ થાય તો તમારી જાતને તૂટવા ન દો. આપણી સંવેદના જ ઘણી વખત સંવેદનશીલ બની જતી હોય છે. દરેક ક્ષણને જીવી લેવાની તૈયારી રાખો. વેદનાને પણ... કંઈ ન હોય ત્યારે પણ જિંદગી તો હોય જ છે. આપણી જિંદગી આપણે જ જીવવી પડે છે. કોઈ સાથે હોય કે ન હોય જિંદગી સુંદર જ હોય છે. કોઈ એક ઘટનાથી કંઈ ખતમ થઈ જતું નથી. તમને તમારો પ્રેમ મળ્યો હોય તો તમે નસીબદાર છો પણ જો ન મળ્યો હોય તો પણ તમે કમનસીબ નથી,કોઈ પણ સ્થિતિથી હતાશ ન થાવ. બને એટલી બેસ્ટ રીતે જિંદગીને જીવવી એ જ જિંદગીની શ્રેષ્ઠ સમજ છે.
છેલ્લો સીન :
સંપૂર્ણ વિશ્વાસ રાખે એ જ વ્યક્તિ સંપૂર્ણ વફાદારીની માગણી કરી શકે. -અજ્ઞાત
kkantu@gmail.com