Monday, March 26, 2012


તમે શું માનો છો, દુનિયા કેવી છે?

 ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ

ચો-તરફ તડકો બની ફેલાય છે, એક ટહુકો છે, બધે સંભળાય છે,
વાદળાં વરસે છે મુશળધારથી, એક સરખા ક્યાં કોઈ ભીંજાય છે!
- અંજુમ ઉઝયાનવી
દુનિયા વિશે દરેકની પોતાની એક માન્યતા હોય છે, કારણ કે દરેકની પોતાની એક દુનિયા હોય છે. દરેક વ્યક્તિ આ દુનિયાને પોતાનાં ચશ્માંથી જુએ છે. કોઈને દુનિયા જીવવા જેવી અને કોઈને મરવા જેવી લાગે છે. દરેક પાસે દુનિયાને સમજવાની પોતાની રીત હોય છે. માણસ આખી જિંદગી દુનિયાને સમજવાનો પ્રયત્ન કરતો રહે છે. દુનિયાને સમજવામાં પોતે જ ઘણી વખત ખોટો પડતો રહે છે. બધું જ સાવ હું માનું છું એવું નથી, ક્યાંક થોડુંક જુદું પણ છે. દુનિયા વિશે આપણે જ આપણી વ્યાખ્યાઓ ઘડતા રહીએ છીએ અને અનુભવો પછી વ્યાખ્યાઓ બદલતાં પણ રહીએ છીએ.
એક માણસે કહ્યું કે, હું દુનિયા વિશે કંઈક જુદું માનતો હતો. હવે મને લાગે છે કે દુનિયા વિશેની મારી માન્યતા ખોટી હતી. આ વાત સાંભળીને એક વિદ્વાને કહ્યું કે આજે તું દુનિયાને જેવી માને છે એ માન્યતા સોએ સો ટકા સાચી છે? હકીકત એવી છે કે આપણને જ્યારે સારા અનુભવ થાય ત્યારે આપણને દુનિયા સારી લાગે છે અને ખરાબ અનુભવ થાય ત્યારે દુનિયા નાલાયક લાગે છે.
આપણને પ્રેમ મળે ત્યારે આખી દુનિયા પ્રેમ કરવા જેવી લાગે છે. બધું જ સારૂં અને સૌંદર્યથી છલોછલ લાગે છે. બધાંને પ્રેમ કરવાનું મન થાય છે. આપણી સાથે કોઈ રમત કરે, બદમાશી કરે, દગો કરે કે બેવફાઈ કરે ત્યારે આપણને આખી દુનિયા બદમાશ, હરામી, નાલાયક, સ્વાર્થી અને ખતરનાક લાગે છે. આપણને જેવા અનુભવો થાય તેના પરથી આપણે દુનિયા સામે ટકવાના નિયમો બનાવીએ છીએ. સીધી આંગળીએ ઘી નીકળે જ નહીં, અહીં તો જેવા સાથે તેવા જ બનવું પડે, બહુ સારા થવા જઈએ તો દુનિયા આપણો ઉપયોગ કરીને ફેંકી દે, બધા જ સ્વાર્થનાં સગાં છે, બધાંને પોતાની જ પડી છે, જ્યાં સુધી સારૂં હોય ત્યાં સુધી બધાં હોય છે, જેવો ખરાબ સમય આવ્યો કે તરત જ બધા ગુમ થઈ જાય છે, કોઈનો ભરોસો કરવા જેવી દુનિયા જ નથી, કોણ ક્યારે શું કરે એ કહેવાય નહીં, બધાં આપણી પાછળ રમત જ રમતાં હોય છે અને પાડી દેવાનો મોકો જ શોધતા હોય છે.
આખી દુનિયાને આપણે શંકાની નજરથી જ જોવા લાગીએ છીએ! કોઈ સારી વાત કરે તો પણ આપણે કહીએ છીએ કે એ ભાઈ, તું કઈ દુનિયામાં જીવે છે? ધ્યાન રાખજે હોં, બહુ સારા થવામાં માલ નથી. કોઈ સારો માણસ તેની ભલમનસાઈને કારણે છેતરાય ત્યારે લોકો કહે છે કે એક નંબરનો મૂરખ છે મૂરખ. કોઈ એમ નથી કહેતું કે ના યાર, તેં તો સારા ઈરાદાથી બધું કર્યું હતું, તારી સાથે ખરાબ થયું તેમાં તારો કોઈ વાંક નથી.
દુનિયામાં માણસને સારા અનુભવો વધારે થાય છે કે ખરાબ? ઓનેસ્ટલી વિચાર કરો તો લાગશે કે માણસને સારા અનુભવો જ વધારે થતાં હોય છે. ખરાબ અનુભવો તો બે-ચાર જ થતાં હોય છે, પણ આ અનુભવોને કારણે આપણે આખી દુનિયાને ખરાબ માની લેતાં હોય છીએ. એક મિત્ર દગો કરે એટલે આપણે બધાં મિત્રો ઉપર ડાઉટ કરીએ છીએ. બીજા મિત્રએ સો વાર સારૂં કર્યું હોય તો પણ આપણે તેને ગણકારતા નથી. તમે ક્યારેય ચિંતનની પળે વિચાર્યું છે કે તમે કયા અનુભવને આધારે દુનિયા વિશેની તમારી માન્યતા ઘડી છે?
સરવાળે દુનિયા આપણે જેવું માનતા હોય એવી જ હોય છે, સવાલ એ જ હોય છે કે આપણે દુનિયાને કેવી માનીએ છીએ. દુનિયા તો સારી છે, આપણે તેને આપણી મરજી મુજબ માની લેતા હોય છીએ. કોઈ સારી વ્યક્તિ મળે ત્યારે આપણને એવું થાય છે કે આવા લોકોને કારણે જ દુનિયા ટકી છે. તમે એવા માણસ છો કે તમને મળીને કોઈને એવું લાગે કે તમારા જેવા લોકોથી જ દુનિયા ટકી છે?કોઈ સારો માણસ મળે ત્યારે આપણે એવું કહીએ છીએ કે બહુ ભોળો અને સીધોસાદો માણસ છે, કોઈ ખરાબ માણસ મળે ત્યારે આપણે એવું શા માટે કહીએ છીએ કે આખી દુનિયા આવી જ છે! આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે કેવા છીએ?
એક ગામના પાદરમાં એક સાધુ અને એક શિષ્ય રહેતા હતા. એક વખત એક માણસ આશ્રમમાં આવ્યો. તેણે સાધુને પૂછયું કે આ ગામમાં કેવા લોકો રહે છે? આ ગામ વસવાટ કરવા જેવું છે? તમે મને કહો કે આ ગામના લોકો સારા છે કે ખરાબ?
સાધુએ એ માણસને સામો સવાલ કર્યો કે ભાઈ તું જે ગામમાંથી આવે છે એ ગામના લોકો કેવા હતા? પેલા માણસે કહ્યું કે હું જે ગામમાંથી આવું છું એ ગામના લોકો તો એકદમ નાલાયક, બદમાશ, લુચ્ચા અને સ્વાર્થી હતા. આ વાત સાંભળીને સાધુએ કહ્યું કે આ ગામના લોકો પણ એવા જ છે, એકદમ નાલાયક, બદમાશ, સ્વાર્થી અને લુચ્ચા. ગામમાં એકેય સારો માણસ છે જ નહીં. આ ગામ રહેવા જેવું જ નથી. સાધુની વાત સાંભળીને પેલો માણસ ગામ સામે નજર નાખ્યા વિના જ બારોબાર ચાલ્યો ગયો.
થોડા દિવસો પછી બીજો એક માણસ આશ્રમમાં આવ્યો. એ માણસે પૂછયું કે આ ગામ વસવાટ કરવા જેવું છે? આ ગામના લોકો કેવા છે? સાધુએ એને પણ સામો સવાલ કર્યો કે ભાઈ તું જે ગામમાંથી આવે છે એ ગામના લોકો કેવા હતા? એ માણસે જવાબ આપ્યો કે હું જે ગામમાંથી આવું છું એ ગામના લોકો તો બહુ જ ભલા, સારા, સજ્જન અને દયાળુ હતા. એ માણસની વાત સાંભળીને સાધુએ કહ્યું કે આ ગામના માણસો પણ એવા જ છે, ભલા, સારા, સજ્જન અને દયાળુ. આ ગામ ખરેખર બહુ જ સારૂં અને રહેવા જેવું છે. સાધુની વાત સાંભળી એ માણસે ગામ તરફ ડગલાં ભર્યાં.
સાધુના એ બેવડાં જવાબ સાંભળી શિષ્યને આશ્ચર્ય થયું. શિષ્યએ સાધુને સવાલ કર્યો કે તમે બે માણસને અલગ અલગ જવાબ શા માટે આપ્યા? સાધુએ કહ્યું કે અંતે તો માણસને એ પોતે જેવો હોય એવું જ બધું લાગે છે. તને ખબર છે એ બંને માણસો એક જ ગામમાંથી આવતા હતા! ગામ, શહેર, દુનિયા અને લોકો સરવાળે તો તમે જેવું માનતા હો એવા જ હોય છે. આપણો વાંધો એ હોય છે કે આપણે આપણા વિશે કંઈ વિચારતા નથી અને દુનિયા વિશે ખયાલો બાંધી લઈએ છીએ.
દુનિયા સારી જ છે અને સતત સારી જ થતી જાય છે. દુનિયા તો યુગોથી એની એ જ છે. એ જ ધરતી છે, એ જ આકાશ છે, એ જ નદીઓ છે, એ જ દરિયો છે, એ જ પર્વતો છે, બધું એનું એ જ છે. સારા માણસો અગાઉ પણ હતા અને અત્યારે પણ છે. રાક્ષસો અને જાસૂસો સતયુગમાં પણ હતા અને થોડાક એવા લોકો અત્યારે પણ છે. એનાથી દુનિયા ખરાબ થઈ જતી નથી.
દુનિયા વિશે કોઈ ધારણાઓ બાંધી ન લ્યો. ધારણા બાંધવી હોય તો પોતાના વિશે બાંધો. માન્યતા ઘડવી હોય તો પોતાના વિશે ઘડો. માત્ર એટલું યાદ રાખો કે તમે જેવી માન્યતા ઘડશો એવું જ તમને બધું લાગશે. બધું જ સુંદર છે, જો તમે સારા હો તો! કન્ડિશન એપ્લાય્ડ! બાય ધ વે, તમે શું માનો છો? આ દુનિયા કેવી છે?
છેલ્લો સીન
દુનિયા અરીસા જેવી છે, જેમાં આપણું પ્રતિબિંબ દેખાય છે. જો આપણે હસીએ તો તે પણ હસે છે, જો આપણે રડીએ તો તે પણ રડે છે, જો આપણે મોઢું મચકોડીએ તો એ પણ મચકોડે છે.
- સ્વેટ માર્ડન
kkantu@gmail.com

Monday, March 19, 2012


Full of Life હોવું એટલે શું?

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે? મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે?
કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે! તોફાન ખુદ સુકાન હતું કોણ માનશે?
- વ્રજ માતરી

જિંદગી ક્યારેક સાવ સહેલી લાગે છે અને ક્યારેક ખૂબ જ અઘરી. જિંદગી ક્યારેક સપનું લાગે છે અને ક્યારેક હકીક્ત. જિંદગી ક્યારેક કોયડો છે અને ક્યારેક ઉકેલ. જિંદગી ક્યારેક ગીત લાગે છે અને ક્યારેક ગઝલ. જિંદગીની મજા જ એ છે કે એ એકસરખી નથી. જો જિંદગી કાયમ એકસરખી જ હોત તો જીવવાની કોઈ મજા જ ન હોત. જિંદગીની વ્યાખ્યાઓ સમય અને ઉંમર સાથે બદલાતી રહે છે. માન્યતાઓ બદલાય છે, ધારણાઓ બદલાય છે, શક્યતાઓ બદલાય છે, આશાઓ બદલાય છે, અપેક્ષાઓ બદલાય છે, કારણ કે શ્વાસ બદલાતા રહે છે. શ્વાસ એ જ શીખવાડે છે કે શ્વાસ ભરવાનો છે અને છોડવાનો છે. છોડીને પાછો ભરવાનો છે. દરેક વખતે શ્વાસ સાથે સુગંધ જ હોય એ જરૂરી નથી. હવા એ જ રહે છે પણ વાતાવરણ બદલાતું રહે છે. સતત બદલાવ એ જિંદગીની ખાસિયત છે.
કુદરતની દરેક રચનાઓ જુઓ. કંઈ જ સ્થિર નથી. બધું જ ગતિશીલ છે. તો પછી જિંદગી કેવી રીતે સ્થિર રહેવાની છે? સૂર્ય આવે છે અને જાય છે. ચાંદનીની રોશનીમાં ચડ-ઊતર થતી રહે છે. દરિયામાં ભરતી અને ઓટ છે. ઋતુઓ બદલાતી રહે છે. આકાશના રંગો બદલાતા રહે છે. ઊગવું અને આથમવું એ પ્રકૃતિનો નિયમ છે. ખીલવું અને મૂરઝાવું એ સૃષ્ટિનો સિદ્ધાંત છે. એક વ્યક્તિ સંત પાસે ગઈ. તેણે કહ્યું કે
બધું જ ધીમે ધીમે વિસર્જન પામે છે. સંતે કહ્યું કે ના એવું નથી. તમે શું જુઓ છો તેના પર સર્જન કે વિસર્જનનો આધાર છે. મને તો એવું લાગે છે કે બધું જ સર્જન થતું રહે છે. તમે વિસર્જનને શા માટે જુઓ છો? સર્જનને જુઓ ને! ઉંમર એ મોતની નહીં પણ જિંદગીની નજીક લઈ જવી જોઈએ. ઉંમરની સાથે સમજણ વધે છે એવું મનાય છે, એવી જ રીતે ઉંમરની સાથે જિંદગી ખીલવી જોઈએ. સૂરજ રોજ ઊગે છે, ફૂલ રોજ ખીલે છે, ભૂખ રોજ લાગે છે અને શ્વાસ સતત ચાલે છે. જિંદગીમાં સતત નવીનતા જ હોય છે. આપણે માત્ર જૂનું પકડી રાખીએ છીએ એટલે જ આપણને બધું જૂનું, નક્કામું, ઉદાસ અને કંટાળાજનક લાગે છે.
‘ફુલ ઓફ લાઈફ’ હોવું એટલે શું? બધાને જિંદગી ભરપૂર જોઈએ છે, બધું જ છલોછલ હોય એવું ગમે છે. પણ બધું એકસરખું રહેતું નથી. ઘટતું અને વધતું રહે છે. માણસ ઓલવેઝ બે એકસ્ટ્રીમ વચ્ચે જીવે છે. એક તરફ સુખ છે અને બીજી તરફ દુઃખ છે. એક તરફ ઉત્સાહ છે અને બીજી તરફ ઉદાસી છે. એક તરફ પ્રશ્ન છે અને બીજી તરફ જવાબ છે. આ બધાની વચ્ચે એકધારું અને એકસરખું જીવવું એટલે જ ફુલ ઓફ લાઈફ હોવું.
એક વિદ્યાર્થીને સવાલ પુછાયો કે પરીક્ષામાં સૌથી ગમે એવું શું હોય છે? વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે પરીક્ષામાં એકેય સવાલ એવા નથી હોતા જેના જવાબ ન હોય. હા, ઘણાયે જવાબ આપણને આવડતાં નથી હોતા એ વાત અલગ છે, પણ જવાબ હોય તો છે જ. જિંદગીનું પણ આવું જ છે. જવાબ વગરના પ્રશ્નો નથી હોતા, ઉકેલ વગરની સમસ્યા નથી હોતી. આપણને જવાબ ન આવડતો હોય કે જવાબ ન મળતો હોય તો એને શોધવાનો હોય છે. નાપાસ એ જ થાય છે જેને જવાબ નથી મળતો. જવાબ ન મળે એમાં વાંક પરીક્ષાનો નથી. જિંદગીના જવાબ શોધતા આવડે તો કોઈ સમય અઘરો કે આકરો લાગતો નથી.
જિંદગી એટલે સુખને સાર્થક કરવું અને દુઃખને જીરવવું. જિંદગીમાં દુઃખ, સમસ્યા, મૂંઝવણ, ઉપાધિ, ચિંતા અને અડચણો તો આવવાની જ છે. આ બધું પણ જિંદગીનો જ એક ભાગ છે. તમે તેનાથી ભાગી ન શકો. ભાગવા જશો તો વધુ દુઃખી થશો. જિંદગી એટલે દરેક ક્ષણની પૂર્ણ અનુભૂતિ. સુખની પણ અને દુઃખની પણ. ફૂલની પણ અને કાંટાની પણ. હાસ્યની પણ અને આંસુની પણ. આહની પણ અને વાહની પણ. અપની પણ અને ડાઉનની પણ. જે દુઃખને સહન કરી શકે છે એ જ સુખને મહેસૂસ કરી શકે છે. પ્રશ્નની મજા જવાબમાં છે. તમે પ્રશ્નથી થાકી જશો તો જવાબ મળશે જ નહીં.
જિંદગીમાં ક્યારેક ભીડ છે તો ક્યારેક એકલતા. એક ફિલોસોફરે કહ્યું છે કે, કંઈ જ ખાલી હોતું નથી. બધું જ ભરેલું હોય છે. આપણે જ બધું ખાલી માની લેતા હોય છે. શૂન્યવકાશમાં પણ સન્નાટો ભરેલો હોય છે. મૌન શાંતિથી છલોછલ હોય છે. એકલતામાં માણસ સૌથી વધુ પોતાની નજીક હોય છે. દુઃખી વ્યક્તિ એ જ છે જે દુઃખથી ભાગે છે. માણસ સુખથી તો ભાગતો નથી તો, પછી દુઃખથી શા માટે ભાગવું જોઈએ? આપણે જેને દુઃખ કહીએ છીએ એ પણ જિંદગીનો જ એક ભાગ છે. દુઃખ એટલે લાગે છે કે આપણે આપણાં મનને માત્ર સુખ માટે જ તૈયાર કર્યું હોય છે. ખરાબ સમય આવે ત્યારે કેટલાં લોકો એવું સમજી શકે છે કે આવો સમય બહુ સ્વાભાવિક છે. આ સમય પણ ચાલ્યો જવાનો છે. પણ માણસ થથરી જાય છે. સમય જવાની રાહ જ નથી જોઈ શકતો. માણસને દુઃખ ઝડપથી ખંખેરી નાખવું છે અને સુખને કાયમ પકડી રાખવું છે. આવી ઇચ્છા રાખવી એમાં કંઈ ખોટું નથી. દુઃખને ખંખેરી નાખવા દુઃખને સમજવાની જરૂર છે, દુઃખથી ભાગવાની નહીં, કારણ કે તમે એનાથી ભાગી તો શકવાના જ નથી. આજના માણસની સૌથી મોટી તકલીફ એ છે કે એ સુખમાં સુખી થઈ શકતો નથી અને દુઃખમાં બહુ ઝડપથી અને વધુ પડતો દુઃખી થઈ જાય છે.
એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, હમણાં ખરાબ સમય ચાલે છે. હમણાં હું દુઃખી છું. મિત્રએ કહ્યું કે આ સમય ન હતો અને આ દુઃખ ન હતું ત્યારે તો તેં ક્યારેય મને એવું કહ્યું નથી કે હમણાં સમય સારો ચાલે છે. હમણાં હું સુખી છું. આપણે દુઃખની જ કેમ નોંધ લઈએ છીએ? હવે આ દુઃખ જાય ત્યારે તો કહેજે કે હવે હું સુખી છું. આપણે સુખી હોઈએ છીએ ત્યારે આપણે સુખ ફિલ કરીએ છીએ? આપણે સુખને સ્વાભાવિક ગણી લેતા હોઈએ છીએ. દુઃખને અસ્વાભાવિક ગણીએ છીએ એટલે જ દુઃખ આકરું લાગે છે. દુઃખને પણ સ્વાભાવિક જ ગણવું જોઈએ. સુખને પણ ફિલ કરવું જોઈએ. ઘરની બારીમાંથી પડતી સવાર આપણને નવી લાગતી નથી એટલે આપણે હિલ સ્ટેશન પર જઈને સવાર માણવાની ઇચ્છા રાખીએ છીએ અને ત્યાં જઈ નથી શકતા એટલે દુઃખી થઈએ છીએ.
એક માણસ હિલ સ્ટેશને ફરવા ગયો. ખૂબ જ સુંદર વાતાવરણ હતું. આ સ્થળે રહેનાર વ્યક્તિ કેટલી સુખી હશે? એવા વિચારો તેને આવતા હતા. ત્યાંની એક સ્થાનિક વ્યક્તિને પૂછયું કે તમારે કેટલું સારું? રોજ હિલ સ્ટેશન પર જ રહેવાનું! પેલા માણસે કહ્યું કે અમને તો કંઈ જ નવું નથી લાગતું. રોજનું થયું છે. એ માણસે કહ્યું કે દોસ્ત એ જ સમજવાનું છે. નવું તો હોય છે જ આપણને લાગતું નથી. સૌંદર્ય તો હોય જ છે પણ દરરોજ સૌંદર્ય હોય એટલે આપણને સુંદરતાનો અહેસાસ થતો નથી. લોકો અહીં ફરવા આવીને આનંદ માણી જાય છે પણ તું અહીં રહીને પણ આનંદ માણી નથી શકતો. આવું જ જિંદગીનું અને સુખનું હોય છે. સુખ તો હોય જ છે આપણને તેની ખબર હોતી નથી. ઘણી વખત તો જે સુખ હોય એને જ આપણે દુઃખ માની લેતા હોઈએ છીએ. માણસને પકડવું હોય છે સુખને અને એ પકડી રાખે છે દુઃખને. હાય દુઃખ આવ્યું એમ માની એમાં જ ખૂંપેલો રહે છે. દુઃખને છોડતો જ નથી, જડબેસલાક પકડી રાખે છે અને પોતે માનતો રહે છે કે હું દુઃખી છું. પોતાને દુઃખી માનતો રહે છે અને લોકોને કહેતો ફરે છે કે હું દુઃખી છું. મને આ ચિંતા છે, મને આનું ટેન્શન છે. દુઃખને છોડી દો અને જ્યાં સુધી છે ત્યાં સુધી એની પણ સાથે રહો. ‘ફુલ ઓફ લાઈફ’ એટલે જિંદગીની તમામ ક્ષણોને મહેસૂસ કરવી, દરેક ક્ષણની અનુભૂતિ કરવી અને દરેક ક્ષણને માણવી. સુખ તો નજીક જ હોય છે, ઘણી વખત તો આપણે તેનાથી ભાગતા હોઈએ છીએ. દુઃખને એટલી બધી ગંભીરતાથી લઈએ છીએ કે આપણે આપણને સુખી માનવા તૈયાર જ નથી હોતા, બાકી સુખ ગેરહાજર હોતું જ નથી, માત્ર આપણે હાજર નથી હોતા!
છેલ્લો સીનઃ

માણસના જીવનનો મોટો ભાગ એ જ વિચારમાં ને વિચારમાં વીતી જાય છે કે હું જીવનને નાશ પામતા કેવી રીતે બચાવીશ? તેના પરિણામે જ જીવન નષ્ટ થઈ જાય છે અને આપણા જીવતા રહેવાના પ્લાનિંગમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ. જીવતાં હોતા જ નથી.- ઈમર્સન
kkantu@gmail.com

Monday, March 12, 2012


કોઈ સંબંધ કાયમી ખતમ થતા નથી


ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ


સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ? જીવવા માટે બહાનું જોઈએ,
એક જણ સાચું રડે તો બહુ થયું, મૌન ક્યાં આખી સભાનું જોઈએ?
- ચિનુ મોદી

સંબંધો અનાયાસે બંધાય છે અને અકસ્માતે તૂટે છે. થોડાક સંબંધો વારસામાં મળે છે પણ મોટાભાગના સંબંધો માણસ પોતે સર્જે છે. આપણને ગમતા માણસો ધીમે ધીમે આપણી જિંદગીમાં પ્રવેશે છે અને ઘણા તો જિંદગીનો એક ભાગ બની જાય છે. માણસનો સ્વભાવ છે કે એને જે ચીજ ગમતી હોય તેની સાથે લાગણી થઈ જાય. ઘર,શહેર, અમુક વિસ્તાર, કોઈ દુકાનનો ઓટલો અને બીજી ઘણીબધી વસ્તુઓ એવી છે જે છોડતા માણસને જિંદગીનો એક હિસ્સો છૂટતો હોય એવું લાગે છે.
એક માણસની વતનથી દૂરના શહેરમાં બદલી થઈ. પ્રમોશન મળ્યું હતું તેની ખુશી હતી પણ શહેર છોડવાનું દુઃખ હતું. તેણે કહ્યું કે આ શહેર સાથે આખી જિંદગી જોડાયેલી છે. બધું જ પરિચિત છે. બધું જ પોતાનું લાગે છે. વતનની વાત નીકળે ત્યારે માણસ એવું બોલતો હોય છે કે આ મારું ગામ છે. ગામ કોઈનું હોતું નથી. માત્ર ગામમાં એક ઘર જ આપણું હોય છે, છતાં આખું ગામ આપણું લાગે છે. તેનું કારણ એ છે કે આપણું અસ્તિત્વ આખા નગર સાથે જોડાયેલું હોય છે. એ માણસ ગામ છોડતા પહેલાં ગામમાં ચક્કર મારવા નીકળ્યો. બધું છોડવાનું હતું. પાનના ગલ્લાએ ગયો ત્યારે થયું કે હવે અહીં પાછો ક્યારે આવીશ? દીકરીની સ્કૂલ જોઈને થયું કે હવે આ પણ બદલાઈ જશે. કરિયાણાની દુકાને વેપારી કેવો હસીને આવકારે છે! ધીમે ધીમે એ માણસ ગામની બહાર સ્મશાન પાસેથી પસાર થયો. સ્મશાનમાં એક ચિતા સળગતી હતી. આ દૃશ્ય જોઈને તે રીતસરનો રડી પડયો. આ જગ્યા સાથે પણ થોડોક નાતો છે. અહીં જ પિતાજીના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સ્મશાનની રાખમાં થોડીક રાખ અમારા વંશની પણ છે. હવામાં પિતાજીની ખૂશ્બુ છે. પિતાના અવસાન બાદ માએ કરેલી એક વાત યાદ આવી અને તે સુન્ન થઈ ગયો. માએ કહી રાખ્યું છે કે હું મરી જાઉં ત્યારે મારા અગ્નિસંસ્કાર આ જ સ્મશાનમાં કરજે, કારણ કે અહીંથી જ તારા બાપુજી ગયા છે. માણસ જાય પછી પગલાં તો નથી રહેતાં પણ કદાચ હવાનો કોઈ રસ્તો હશે, કદાચ અહીંની હવા જ મને તેની પાસે લઈ જશે!
પોતાને ગમતી કોઈ વસ્તુ તૂટી- ફૂટી જાય કે બગડી જાય તોપણ માણસને દુઃખ થાય છે. આપણી પેન, આપણો ફોન, આપણું વાહન અને બીજું ઘણું બધું આપણા સાથે એવી રીતે જોડાયેલું હોય છે કે એના વગર અસ્તિત્વ જ અધૂરું લાગે. આ બધી ચીજો તો નિર્જીવ છે. જો નિર્જીવ વસ્તુ છોડતા આવું થાય તો જીવતા જાગતા સંબંધો તૂટવાની વેદના તો થવાની જ છે. નિર્જીવ વસ્તુઓ સાથે તો માત્ર આપણી આદતો જોડાયેલી હોય છે. સજીવ વ્યક્તિ સાથે તો આપણા વિચારો, આપણું સુખ, આપણું દુઃખ અને આપણા વ્યવહારો જોડાયેલા હોય છે. એટલે જ નજીકના અને સાચા સંબંધોને તૂટવા દેવા ન જોઈએ.
આજથી તારા અને મારા સંબંધો પૂરા... એટલું કહી દઈએ એટલે એક ઝાટકા સાથે સંબંધ તૂટી જાય છે. જોકે, સંબંધ તૂટી જવાથી બધું છૂટી જતું નથી. બધું ભુલાઈ જતું નથી. જે ક્ષણો સાથે વિતાવેલી હોય છે એ અકબંધ હોય છે. એ સમય ભૂતકાળનો એક ભવ્ય હિસ્સો થઈ આપણી સાથે જોડાઈ ગયો હોય છે. માણસની પ્રકૃતિ છે કે જેને ભૂલવા મથીએ એ સતત યાદ આવતું રહે છે. કેટલાક પ્રસંગો, કેટલાક શબ્દો અને કેટલીક ઘટનાઓ ક્યારેય ભૂલી શકાતી નથી. આપણે ખરેખર તો કંઈ જ ભૂંસી શકતા નથી. ઘણી વખત તો એવું લાગે કે આપણે જે ભૂંસવા મથીએ છીએ એ ભૂંસીએ છીએ કે તેને ખોતરીને તાજું કરીએ છીએ?
જે સંબંધો ભૂલી શકાતા ન હોય તેને તાજા કરવાની એક તક આપવી જોઈએ. હા, બધા સંબંધો તાજા થઈ શકતા નથી પણ કેટલાક સંબંધો એવા હોય છે જેની પર થોડીક યાદો અને થોડાક શબ્દોના છાંટણા કરીએ તો એ સંબંધ સળવળીને પાછા બેઠા થઈ જતા હોય છે. ઘણી વખત તો માણસને માત્ર ઈગો જ નડતો હોય છે.
બે મિત્રો હતા. તેની વચ્ચે અણબનાવ બન્યો. દોસ્તી તૂટી. એ પછી પણ બન્ને એક-બીજાને ભૂલી શકતા ન હતા. દરેક નાની-નાની વાતોએ યાદ આવે. એ બન્ને વચ્ચે જ્યારે દોસ્તી હતી ત્યારે બન્ને સાથે ફિલ્મો જોવા જતા. જે વહેલો પહોંચી જાય એ રાહ જુએ. બન્નેની દોસ્તીની વાતો સાંભળીને એક સંબંધીએ એકને કહ્યું કે તું તારા મિત્રને આટલો બધો યાદ કરે છે, એનો મતલબ એ જ છે કે તું એને ભૂલી શક્યો નથી અને બીજો મતલબ એ છે કે તમારા વચ્ચે કંઈ તૂટયું જ નથી. એક વખત છેલ્લી ઘટના ભૂલીને પ્રયત્ન તો કરી જો. સંબંધ સાચો હશે તો પાછો જીવતો થઈ જશે.
એક સાંજે તેણે પોતાના મિત્રને એસએમએસ કર્યા. આજે હું ફિલ્મ જોવા જવાનો છું. કદાચ હું વહેલો પહોંચી જઈશ. પણ મને ખબર છે કે હવે કોઈ આવવાનું નથી. કોઈની રાહ જોવાની નથી. એમ જ તારી સાથેની ક્ષણો યાદ આવી ગઈ અને આ લખાઈ ગયું. બાય. સાંજે જ્યારે એ ટોકીઝ પર પહોંચ્યો ત્યારે તેનો મિત્ર એની રાહ જોતો હતો. તેણે કહ્યું કે “જો હું તારાથી વહેલી પહોંચી ગયો. દોસ્ત,આપણે રાહ જ જોતા હોઈએ છીએ, માત્ર તક આપતા નથી. થેંક યુ કે તેં એક તક આપી.”
સંબંધો તોડવા બહુ જ આસાન છે. કંઈ જ વાર નથી લાગતી, પણ એ તૂટેલા સંબંધો સાથે જીવવાનું અઘરું છે. સતત કંઈક કમી લાગતી રહે છે. કોઈની ગેરહાજરી શૂન્યાવકાશ સર્જી દે છે. બધું જ ખાલી લાગે છે. બધા જ સંબંધો નક્કામા નથી હોતા. કેટલાક સંબંધો તૂટે પછી આપણને એવું લાગે છે જાણે મારી અને એની વચ્ચે કાળમીંઢ પથ્થરોની દીવાલ ચણાઈ ગઈ છે. મોટા ભાગે આપણે જેને દીવાલ માની લેતા હોઈએ છીએ એ દીવાલ હોતી જ નથી, માત્ર એક પડદો હોય છે. એવો પડદો જેને આંગળી અડાડતાં જ એ ખૂલી જાય છે. આપણો અહં આપણને આંગળી આગળ વધારતા રોકતો હોય છે. સંબંધને એટલા માટે પણ સજીવન થવાની તક આપવી જોઈએ, કારણ કે આપણને અફસોસ ન રહે કે મેં પ્રયત્ન નહોતો કર્યા. જો સંબંધ સાચો હશે તો સામેથી પ્રતિભાવ મળશે જ. સંબંધ સાચો નહીં હોય તો એટલીસ્ટ અફસોસ તો નહીં રહે.
એક પ્રેમી-પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો. બ્રેકઅપ થઈ ગયું. એકબીજા સાથે અબોલા થઈ ગયા. છતાં બન્ને રાહ જોતાં રહેતાં કે તેનો ફોન આવે, મેસેજનો ટોન વાગે કે તરત એમ થાય કે તેનો મેસેજ હશે, રોડ પર જતી વખતે પણ નજર તેને શોધતી હોય, બન્ને પક્ષે મળવાની ઇચ્છા થતી હતી પણ કોઈ પહેલ કરતું નહોતું. પ્રેમીનો ઈગો મોટો હતો. છતાં પ્રેમિકા જાણતી હતી કે તેને મારા પર લાગણી તો છે જ. એક વખત તેને થયું કે અમારા વચ્ચે ખરેખર દીવાલ ચણાઈ ગઈ છે કે આ માત્ર ભ્રમ છે?
એક જગ્યાએ અનાયાસે જ બન્ને ભેગાં થઈ ગયાં. પ્રેમિકાએ કહ્યું, ચાલ, હવે મળી જ ગયાં છીએ તો થોડી વાર સાથે બેસીએ. તે બન્ને બેઠાં. સવાલ એ હતો કે વાત કોણ શરૂ કરે. અંતે વાતો થઈ. સૌથી પહેલાં જુદા પડતી વખતે થયેલા ઝઘડાની વાતો થઈ. પ્રેમીએ કહ્યું કે આપણી વચ્ચે હવે સખત દીવાલ રચાઈ ગઈ છે, એ તૂટે એવું નથી લાગતું. પ્રેમિકાને ખબર હતી કે આ માત્ર તેનો ઈગો છે અને તેને ઓગાળવો જરૂરી છે. પ્રેમિકાએ કહ્યું, ઓકે, ચાલ એમ માની લે કે આપણી વચ્ચે દીવાલ છે, પણ એક વાત યાદ રાખ દરેક દીવાલમાં કદાચ બારણું ન હોય પણ એક બારી તો હોય જ છે! પ્રેમીએ કહ્યું કે, જેલની દીવાલમાં બારી નથી હોતી! પ્રેમિકાએ કહ્યું, જેલ? જેલ છે જ ક્યાં? અને દીવાલ પણ ક્યાં છે? જેલ તો તેં તારી આસપાસ બનાવી લીધી છે. હું તો એકદમ મુક્ત ફિલ કરું છું. તારી સાથે ખુલ્લા દિલે વાત કરું છું. દીવાલ તો તેં રચી છે, એ પછી ઘરની હોય, જેલની હોય કે દિલની હોય. તારે જ તારી જેલમાંથી મુક્ત થવાનું છે. હા, જો તને હું યાદ આવતી ન હોય તો તું શા માટે આટલો સૂનમૂન રહે છે? શા માટે તારો જીવ ક્યાંય લાગતો નથી? તારું ‘આવારાપન’ જ બતાવે છે કે તું મને ભૂલી શક્યો નથી. તને શું નડે છે એ તને ખબર છે? તને તું જ નડે છે! થોડી વાર સન્નાટો છવાઈ ગયો. પ્રેમીને થયું કે વાત તો સાચી છે. પ્રેમિકાનો હાથ પકડીને એક જ શબ્દ કહ્યો, સોરી! એક ક્ષણમાં જાણે બધું જ બદલાઈ ગયું. મોટાભાગે માત્ર એક શબ્દથી જ ક્ષણો બદલાઈ જતી હોય છે! આપણે માત્ર કોશિશ જ નથી કરતા.
દરેક સંબંધ જાળવવા જેવા નથી હોતા. કેટલાક સંબંધો તૂટી જાય એમાં જ ભલાઈ હોય છે. સવાલ એ જ હોય છે કે કયા સંબંધ સાચા છે અને કયા સંબંધ ખોટા છે તેની પરખ હોવી! સંબંધો પારખવા બહુ સહેલા છે. આપણને એનો અણસાર અને અંદાજ મળી જ જતો હોય છે. જે સંબંધ તૂટયા પછી તમારા દિલમાં જીવતો હોય, જેનાં સ્મરણો વાતેવાતે તાજાં થઈ જતાં હોય અને જેમાં છેલ્લે સંબંધ તૂટવાની ઘટના સિવાય અફસોસ થયો હોય તેવું બીજું કંઈ જ ન બન્યું હોય તો સમજવું કે આ સંબંધ તૂટી ગયો છે મરી ગયો નથી. ઘણા સંબંધ તો માત્ર રાહ જ જોતા હોય છે. તમે તક તો આપી જુઓ. સંબંધો તોડીને ચાલ્યા ગયા પછી એક વખત પાછળ તો જોઈ જુઓ. જો સંબંધ સાચો હશે તો તમે જ્યારે પાછળ જોશો ત્યારે એ વ્યક્તિ તમારા પાછળ જોવાની જ રાહ જોતી હશે. લાગણીના સંબંધો બહુ તાજા હોય છે, હળવા હોય છે, આપણે જ તેને ભારેખમ બનાવી દેતા હોઈએ છીએ. જરાક હાથ લંબાવી જુઓ, જરાક સાદ આપી જુઓ. દરેક તૂટેલો સંબંધ આપણે માનતા હોઈએ છીએ એવો સખત નથી હોતો. કેટલાક તો માત્ર મીણના હોય છે, જેને ઓગળતા વાર નથી લાગતી, એટલા ખાતર પણ એક તક આપી જુઓ કે આપણને ખબર તો પડી જાય કે હવે એ સંબંધ પથ્થરનો બની ગયો છે કે હજુ મીણનો જ છે? મીણનો હોય તો ઓગાળી દો...
છેલ્લો સીન
લોકો કહે છે કે સમય બધું બદલી નાખે છે. વાસ્તવમાં તો તમારે જાતે જ એ બદલવું પડે છે.
-એન્ડી વોર્હોલ
kkantu@gmail.com

Monday, March 5, 2012


પોતાનાથી ભાગીને કોઈ ક્યાંય જઈ ન શકે


ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

સાવ ખોટાં કારણો બતલાવ ના, આંસુ અમથાં આંખમાં તું લાવ ના,
ખીલવાની એક મોસમ હોય છે, તું અકાળે ખુદને કરમાવ ના.
- ફિલિપ ક્લાર્ક

જિંદગીની સૌથી મોટી ખાસિયત એ છે કે ક્યારેય એ સીધી લીટીમાં ચાલતી નથી. ચડાવ-ઉતાર, અપ-ડાઉન એ જિંદગીની પ્રકૃતિ છે. માણસે જિંદગી સાથે અનુકૂલન સાધવું પડે છે. જિંદગી ક્યારેક આપણાથી આગળ નીકળી જાય છે અને ક્યારેક પાછળ રહી જાય છે. માણસે જિંદગીને પકડી રાખવી પડે છે. જિંદગીની સાથે રહેવું પડે છે અને દરેક સંજોગોમાં જિંદગી જીવવી પડે છે.
પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે માણસનો પોતાની સાથેનો વ્યવહાર. દરેક માણસ પોતાની પ્રકૃતિ મુજબ વ્યવહાર કરે છે. માણસ ભલે બીજા લોકો સાથે વર્તન કરતો હોય પણ સરવાળે તો એ પોતે કેવો છે એ જ બહાર આવતું હોય છે. માણસ પ્રકૃતિને ઘડે છે કે પ્રકૃતિ માણસને ઘડે છે? હકીકતે તો બંને એકબીજાને ઘડતાં હોય છે. માણસની બદલવાની તૈયારી હોય તો પ્રકૃતિ બદલી શકે છે. કેટલાંક લોકોને મળીએ ત્યારે આપણને એવો વિચાર આવે છે કે આ માણસમાં કેટલું બધું પરિવર્તન આવી ગયું! સંજોગો માણસને બદલાવી નાખતા હોય છે. બહુ ઓછા માણસો એવા હોય છે જે સંજોગોને બદલાવી શકે છે.
માણસનું મનોબળ કેવું છે એ ત્યારે જ ખબર પડે છે જ્યારે એના સંજોગો બદલાય છે. સારા સંજોગોમાં સારા રહેવું બહુ જ આસાન છે, ખરાબ સંજોગોમાં પણ સારા રહેવું, સમર્થ રહેવું અને સજ્જ રહેવું એ મનોબળ છે. ઘણી વખત એવું સાંભળીએ છીએ કે એ માણસ તો સાવ ભાંગી ગયો છે, તૂટી ગયો છે. માણસ તૂટતો નથી, એ તો આખેઆખો હોય છે એનું મનોબળ તૂટી જતું હોય છે.
દરેક માણસના જીવનમાં એક વખત તો એવો સમય આવે જ છે જ્યારે તેને બધું નિરર્થક લાગે છે. કોઈ જ વાતનો કોઈ મતલબ લાગતો નથી. કોઈ જ વાતમાં રસ પડતો નથી. બધું જ મૂકી દેવાનું અને ભાગી જવાનું મન થાય છે. હકીકતે તો માણસ આવું વિચારીને પોતાનાથી જ ભાગતો હોય છે. પોતાનાથી ભાગીને માણસ ક્યાંય ન જઈ શકે. પોતાનાથી ભાગવાનો જે પ્રયાસ કરે છે એ પોતાનામાં જ ક્યાંક ખોવાઈ જાય છે અને પછી પોતાને જ મળતો નથી.
એક મનોચિકિત્સકે કહ્યું કે, ડિપ્રેશન શું છે? ડિપ્રેશન બીજું કંઈ જ નથી પણ માણસ પોતે જ પોતાના રસ્તા પરથી ભટકી જાય છે. પોતે જ ક્યાંક અટકી જાય છે. એક શૂન્યવકાશ પોતાની આજુબાજુમાં રચી દે છે અને પછી એ પોતાના પડછાયાને પણ ઓળખી શકતો નથી. હતાશા એ આજના સમયનું સૌથી મોટું આક્રમણ છે. માણસ જરાકેય ધ્યાન ચૂકે કે તરત જ તેને હતાશા ઘેરી વળે છે. નાની નાની વાતમાં માણસ હતાશ થઈ જાય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે બધાને ઝડપથી બધું મેળવી લેવું છે. સુખ અને સફળતા પણ. બધું જ પકડી રાખવું છે અને બધું પકડી રાખવાના પ્રયાસમાં જ માણસ પોતે જ પોતાના હાથમાંથી છૂટી જાય છે.
એક કાર્ડિયોલોજિસ્ટ હતો. તેની પાસે આવતા બધા જ લોકોની સારવાર કરતાં પહેલાં તે કાર્ડિયોગ્રામ કાઢે. કાર્ડિયોગ્રામ મશીનમાંથી જે પટ્ટી નીકળે તેને ધ્યાનથી જુએ. કાર્ડિયોગ્રામની રેખાઓ જોઈને કહે કે આ જ જિંદગી છે. ઉપર અને નીચે, જો આ લીટી સીધી થઈ જાય તો? તો શ્વાસ ખૂટી જાય. જિંદગી પણ કાર્ડિયોગ્રામની રેખાની જેમ જ ચાલવાની છે. પણ એ અપ-ડાઉનની પણ એક મર્યાદા છે, એ મર્યાદા જો છૂટી તો હાર્ટ તૂટે છે.
જિંદગી એના ક્રમમાં જ ચાલે છે. બાળક જન્મ પછી ધીમે ધીમે વિકાસ પામે છે. પહેલાં ભાંખોડિયાં ભરે, પછી ચાલતા શીખે અને પછી દોડવા લાગે. કોઈ બાળકને સીધો દોડ મૂકતા જોયો છે? એ જ બતાવે છે કે કંઈ જ સીધેસીધું મળતું નથી. સફળતાનો પણ એક ક્રમ છે. સુખ પણ સમજથી જ આવે છે. સુખ મેળવવા સમજ કેળવવી પડે. જે જિંદગીના ક્રમને અને કર્મની ગતિને અતિક્રમી જવા જાય છે એ ઝડપથી પછડાય છે અને પછી હાંફી જાય છે, થાકી જાય છે.
એક માણસ સંત પાસે ગયો. સંતને પૂછયું કે નિરાશા શા માટે આવે છે? સંતે કહ્યું કે માણસને માપવા માટે. દુનિયામાં એક પણ માણસ એવો નહીં હોય જે ક્યારેય નિરાશ થયો ન હોય. માણસ નિરાશામાંથી કેવી રીતે બહાર આવે છે તેના પરથી તેની સજ્જતાનું માપ નીકળે છે. જે માણસ ક્યારેય નિરાશ નથી થતો તે ઉત્તમ છે પણ જે માણસ નિરાશામાંથી બહાર આવીને પાછો સક્ષમ બને છે એ શ્રેષ્ઠ છે. જે ક્યારેય પડયો જ નથી તેને ઊભું કેમ થવાય તેની સમજ પડતી નથી, જે માણસ પડીને ઊભો થાય છે એને જ ઊભા થયા પછી ઊભા રહેવાની શક્તિની સમજ પડે છે. નિરાશા સ્વાભાવિક છે, એ આવવાની જ છે. તમે તેમાંથી કેવી રીતે બહાર આવો છો એના પરથી જ તમારી સક્ષમતા નક્કી થતી હોય છે.
ધર્મયુદ્ધ વખતે અર્જુન હતાશ થઈ ગયા હતા. બધો જ મોહ છૂટી ગયો હતો. આ સમયે જ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે તારું કર્મ જ તને હતાશામાંથી બહાર લાવશે. અર્જુને કહ્યું કે મારી સામે ધર્મયુદ્ધમાં મારાં જ સ્વજનો છે, તેને મારીને મને રાજ કે સ્વર્ગ મળી જાય તો પણ એનો શું મતલબ છે? ભગવાન શ્રીકૃષ્ણે ત્યારે કહ્યું હતું કે, જેમના માટે શોક કરવો યોગ્ય નથી એના માટે તું શોક કરે છે. તું તારું કર્મ કર. તારા આવા નિરાશાજનક વર્તનના કારણે તને જે લોકો સન્માનની દૃષ્ટિથી જોતા આવ્યા છે એની દૃષ્ટિમાં તું તુચ્છતાને પામીશ, જે લોકો તને સન્માનથી જુએ છે એ જ લોકો તને ભયના કારણે યુદ્ધથી વિમુખ થઈ ગયો એવું માનશે.
આ જ વાત જિંદગીની દરેક નિરાશામાં લાગુ પડે છે. નિરાશામાંથી જે બહાર નથી આવતો એને જ લોકો હારેલો જુએ છે. નિરાશાથી ભાગો નહીં પણ નિરાશાનો સામનો કરો. નિરાશામાંથી બહાર આવે છે તેને જ લોકો સન્માનથી જુએ છે. દાખલાઓ એવા જ લોકોના અપાય છે જે લોકો સંજોગો સામે લડયા છે.
તમારી નિરાશા તમારી સફળતાનું કારણ બનવી જોઈએ. એક વખતની હાર એ હાર નથી પણ હારી ગયા પછી પાછું લડવા માટે તૈયાર ન થવું એ હાર છે. જ્યાં સુધી લડવાની તૈયારી છે ત્યાં સુધી જ જીતવાની શક્યતા છે. કોઈ પણ સંજોગોમાં હતાશ ન થવું એ જ જિંદગી છે. બધું જ મૂકી દેવું સહેલું છે. નાનાં બાળકોને તમે રમતાં જોયાં છે. ઘણી વખત કોઈ બાળક હારતું હોય તો એ આખી બાજી વિખેરીને ફેંકી દે છે. આપણે નથી રમતાં એમ કહીને એ ઊભા થઈ જાય છે. બાજી ફંગોળી દેવાથી જીતી જવાતું નથી. બાજી ફંગોળી દેવી તેના કરતાં તો રમીને હારવામાં ગૌરવ છે. ભાગેડુ વૃત્તિ એટલે બાજીને ફંગોળીને ઊભા થઈ જવું. જેને હારવાનો ભય હોય એ જ આવું કરે, હાર પહેલાં જ આવું કરીને ઘણા લોકો જીતની શક્યતા પર પૂર્ણવિરામ મૂકી દેતા હોય છે.
સંઘર્ષથી હારો કે થાકો નહીં. જિંદગીના પડકારોને ઝીલો. તમારી જીત માટે સૌથી પહેલાં તો તમે જ તમારી જાત સાથે હોવા જોઈએ. તમારી પરિસ્થિતિમાંથી માત્ર તમે જ તમારી જાતને બહાર લાવી શકો. જેનામાં પોતાની તાકાત છે તેને બીજાની મદદની જરૂર ઓછી પડે છે. જરૂર હોય છે માત્ર પોતાને ઓળખવાની. દરેક વ્યક્તિમાં એટલી શક્તિ હોય છે કે એ દરેક હારને જીતમાં પલટાવી શકે, દરેક હતાશાને ઉત્સાહમાં ફેરવી શકે. તમારી જાતને જીતવાનો મોકો તો આપી જુઓ!
છેલ્લો સીન
નિરાશાનો ગૂઢ ધક્કો બુદ્ધિને શૂન્ય કરી દે છે, જેવી રીતે લકવા શરીરને. - ગ્રેવિલ
kkantu@gmail.com