આંખો મીંચીને આપણે શું જોવું જોઈએ?

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ.

એક સંશય આપણી વચ્ચે રહે છેભય વગર ભય આપણી વચ્ચે રહે છે,
જે વિજયને બાનમાં રાખીને ઊભો છેએ પરાજય આપણી વચ્ચે રહે છે.
કરસનદાસ લુહાર

જ્યાંસુધી માણસ પોતાનાથી અજાણ્યો હોય ત્યાં સુધી એ કોઈને ઓળખી શકતો નથી. દુનિયાને સમજવાની શરૂઆત પોતાનાથી જ થતી હોય છે. આખું જગત કેવું છે ? આપણે જોઈએ છીએ એવું કે આપણે માનતા હોઈએ એવું? જો આપણે બધું સારું માનીએ તો સારું છે અને બૂરું માનીએ તો બૂરું. તમે કેવા છો? તમે જેવા હશો એવું જ બધું તમને લાગવાનું છે.

તમને ખબર છે કે તમે જે કંઈ કરો છો એ શા માટે કરો છો? માણસ પાસ થવા માટે ભણે છે, નોકરી માટે ડિગ્રી મેળવે છે. પૈસા કમાવવા માટે કામ કરે છે, પેટ ભરવા માટે જમે છે, પણ જીવવા માટે ? જિંદગીને ફિલ કરવા માટે? પોતાના અસ્તિત્વના એહસાસ માટે ? તમારા હોવાની ખાતરી મળે એટલા માટે? આ બધા માટે માણસ શું કરે છે? કંઈ ખાસ નથી કરતો. બધું જ ચાલતું હોય એમ ચાલતું રહે છે. આપણી સંવેદનાઓ પણ આપણા રૂટિનથી એટલી બધી ટેવાઈ જાય છે કે એમાં કંઈ જ ફેરફાર નથી થતો. આપણને કંઈ જ સ્પર્શતું નથી.

આંખે એક વાર માણસને સવાલ કર્યો કે હું શેના માટે છું? જોવા માટે કે રડવા માટે? તમને તમારી આંખ આવો સવાલ કરે તો તમે શું જવાબ આપો? માણસે આંખને જવાબ આપ્યો કે તું તો મને બધું બતાવવા માટે છો. તારી મદદથી જ હું દુનિયાના રંગો જોઉં છું, સારું જોઉં છું અને ખરાબ પણ. સુંદરતા પણ જોઉં છું અને ક્રૂરતા પણ. સ્પર્શ પણ જોઉં છું અને ઘા પણ. તીક્ષ્ણતા પણ જોઉં છું અને તીવ્રતા પણ. આંખોએ કહ્યું કે એ બધું તો ઠીક છે પણ તેં મારા રસ્તે તારામાં શું ઉતાર્યું? તું માત્ર બધું જુએ જ છે કે તારી અંદર પણ કંઈ ઉતારે છે? અને ઉતારે છે તો શું ઉતારે છે? કારણ કે હું તો ઘણું બધું અને બધું જ જોઉં છું. ગુલાબના છોડમાં ફૂલ પણ છે અને કાંટા પણ, તળાવમાં કાદવ પણ છે અને કમળ પણ, ગામમાં બગીચો પણ છે અને ઉકરડો પણ, દેવ પણ છે અને દાનવ પણ, આહ પણ છે અને વાહ પણ, નિસાસો પણ છે અને દિલાસો પણ, કિનારો પણ છે અને મઝધાર પણ. આ બધામાંથી તું તારી અંદર શું ઉતારે છે ? એ માટે આંખ બંધ કરીને થોડુંક તારી અંદર જો. કંઈક ખોટું તો ઊતરી નથી ગયુંને ? તે ફિલ્ટર રાખ્યું હતું કે નહીં?

એક માણસ પાણીમાં ફટકડી ફેરવતો હતો. એક વડીલે પૂછયું કે તું શું કરે છે? એ માણસે કહ્યું કે અંકલ તમે જ તો કહ્યું હતું કે પાણીમાં કચરો હોય તો ફટકડી ફેરવી દેવી, કચરો નીચે બેસી જશે. વડીલે કહ્યું કે સાચી વાત છે, મેં જ તને કહ્યું હતું પણ મનનો કચરો દૂર કરવા તું કોઈ ફટકડી ફેરવે છે કે કેમ? માણસે મનનો કચરો પણ સાફ કરતા રહેવું જોઈએ. તમારા મન પર બાઝી ગયેલું કોઈ જાળું તમે દૂર કર્યું છે? ના આપણે નથી કરતાં, કારણ કે આપણે તો એને સાચું જ માનતા હોઈએ છીએ. હું માનું છું એ જ બરાબર છે, હું કહું એ જ યોગ્ય છે. કેટલી બધી ગ્રંથીઓ, માન્યતાઓ, પૂર્વગ્રહો આપણામાં જડ થઈ ગઈ હોય છે, એને તમે ક્યારેય સાફ કરો છો?

એક બાળકે સંતને પૂછયું કે મહારાજ, આપણે પ્રાર્થના કરતી વખતે આંખો શા માટે બંધ કરીએ છીએ? સંતે કહ્યું કે થોડીક વાર આપણી જાતને જોવા માટે. આપણે બહાર જ જોતા હોઈએ છીએ, અંદર તો ક્યારેય જોતા જ નથી. પ્રાર્થના કે યોગ પોતાને ઓળખવાની પ્રવૃત્તિ છે. સંતે કહ્યું કે ચાલ હું તને એક વાર્તા કહું. એક ડૂબકીમાર હતો. દરરોજ દરિયામાં ડૂબકી મારે અને છેક અંદર જઈ મોતી શોધી લાવે. મોતી વેચી અને મોજમજા કરે. એક દિવસ એ સૂતો હતો. તેને સપનું આવ્યું. સપનામાં એણે પોતાની અંદર જ ડૂબકી મારી. એ મોતી શોધતો હતો. માંડ માંડ તેને એક મોતી મળ્યું. તેણે વિચાર્યું કે બસ હવે તો આ મોતી વેચીને મજા કરીશ. મોતી વેચવા જતો હતો ત્યાં એને એક બાળક સામે મળ્યો. બાળકે કહ્યું કે હું ભૂખ્યો છું. મારા પિતા બીમાર છે એટલે એ કામે જઈ નથી શક્યા. ઘરમાં કંઈ છે નહીં. તું મોતી આપી દે તો અમારા બધાનું પેટ ભરાય. એ માણસે મોતી આપી દીધું. એ બાળકની આંખમાં આંસુ આવી ગયાં અને એક આંસુ ટપકીને ડૂબકીમારના ટેરવાં પર પડયું. ડૂબકીમારને વિચાર આવી ગયો કે આ મોતી સાચું છે કે મેં આપી દીધું એ? એ ઝબકીને જાગી ગયો. અરીસામાં જોયું તો આંખો ભીની હતી. એને થયું કે આટલાં બધાં મોતી? સંતે બાળકને કહ્યું કે, અંદર ડૂબકી મારવા માટે આંખો બંધ કરવાની હોય છે.

આપણી અંદર જ પ્રેમ, લાગણી, ક્ષમા, સંવેદના, સાંત્વના, હૂંફ અને આત્મીયતા હોય છે પણ આપણે તેને ક્યારેય શોધી શકતા નથી અને કોઈને આપી શકતા જ નથી. કોઈની સંવેદનાને સ્પર્શ્યા વગર આપણી સંવેદના સજીવ થતી નથી. આપણને પ્રેમ,લાગણી, સ્નેહ જોઈએ છે અને એ મળી પણ રહે છે. પણ જે તમને પ્રેમ કરે છે એને તમે પ્રેમ કરો છો? માણસને અધિકાર જોઈએ છે, આધિપત્ય જોઈએ છે, અને આવી ઇચ્છા રાખવામાં પણ કંઈ ખોટું નથી, અધિકાર અને આધિપત્ય પણ મળે છે, જો તમે એને કોઈ ઉપર લાદી ન દો તો.
પ્રેમમાં બે વાત બનતી હોય છે. એક તો એ જ્યારે આપણે કહીએ છીએ કે હું કહું એમ જ તારે કરવાનું છે અને બીજું એ કે તને ન ગમે એવું કંઈ મારે કરવું નથી. ફર્ક માત્ર એટલો જ હોય છે કે એક આપણે કહેતાં હોઈએ છીએ અને બીજું આપણી વ્યક્તિ આપણને કહેતી હોય છે. તમે ઇચ્છતા હો કે તમારી વ્યક્તિ તમને ગમે એવું જ કરે તો બસ એટલું છોડી દો કે તારે મને ગમે એવું જ કરવાનું છે. બધાએ તમને પ્રેમ કરવો છે, તમને ગમે એવું કરવું છે, તમને ન ગમે એવું કંઈ જ નથી કરવું પણ એને જે કરવું છે એ તમે કરવા દો છો? કે પછી તમારે જે જોઈએ છે એ જ તમે કરાવો છો? એવું કરાવવા જઈએ છીએ એટલે જ કદાચ કંઈ મળતું હોતું નથી.

આપણે કોઈને ઠેસ ન પહોંચાડીએ તો જ કોઈ આપણને ઠેસ ન પહોંચાડે તેની તકેદારી રાખશો. પ્રેમ કરવાનો અધિકાર એને જ મળે છે જે પ્રેમ કરી જાણે છે. આધિપત્ય મળતું જ હોય છે જો કોઈને મુક્ત રહેવા દઈએ તો. આપણે તો કબજો જોઈતો હોય છે. જ્યાં કબજો હોય ત્યાં કજિયો જ હોય. આંખો મીંચીને તમારી અંદર જોજો, ગૂંગળાઈ જાય એવી રીતે તમે કંઈ પકડી તો નથી રાખ્યુંને?

છેલ્લો સીનઃ
સોગંદના આધારે આપણે માણસ પર શ્રદ્ધા રાખતા નથી પણ માણસને લીધે સોગંદ પર શ્રદ્ધા રાખીએ છીએ. -એસ્કીલસ.

('સંદેશ', તા.10 માર્ચ,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, 'ચિંતનની પળે' કોલમ)

kkantu@gmail.com