કોઈ કહે એટલે તમે નિષ્ફળ થઇ જતાં નથી

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

ક્યાંક ક્ષણના કાફલા ફૂંકી જવાના હોય છે,ક્યાંક કાંધે ભાર એ વેંઢારવાના હોય છે,
હો ભલે વેઢે તમારા દુઃખના ટશિયા બધા,એક ફિક્કું સ્મિત દઈ,ભૂલી જવાના હોય છે.
-સંજય પંડયા
તું જિંદગીમાં કંઈ કરી શકવાનો નથી, તારામાં કોઈ આવડત જ નથી,તારે જે કરવાનું હતું એ તું કરી શક્યો નથી, તારી પાસેથી આવી અપેક્ષા ન હતી, તું નિષ્ફળ છે, તું ખોટી મહેનત કરે છે, સરવાળે કંઈ જ વળવાનું નથી. કોઈ પણ સફળ માણસની જિંદગી જુઓ, એને ક્યારેક ને ક્યારેક તો આવાં વાક્યો સાંભળવાં જ પડયાં હોય છે. બોલિવૂડમાં આજે જે શહેનશાહ તરીકે ઓળખાય છે એ અમિતાભ બચ્ચન રેડિયો માટે એનાઉન્સરનો ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે તેમને એવું કહીને રિજેક્ટ કરી દેવાયા હતા કે તમારો અવાજ રેડિયોમાં ચાલે તેવો નથી. દરેક વ્યક્તિની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો રિજેક્શન આવવાનું જ છે.
યાદ રાખો, કોઈના કહેવાથી તમે નિષ્ફળ થઈ જતાં નથી. હા, એવો સમય ક્યારેક ચોક્કસ આવે છે જ્યારે તમારે એવું સાંભળવું પડે કે તમે નિષ્ફળ છો. સવાલ એ હોય છે કે તમે કોઈના શબ્દોથી તમારી જાતને નિષ્ફળ માની લો છો કે પછી સફળ થવા માટે નવો પ્રયાસ આદરો છો? નિષ્ફળ એ જ માણસ છે જે પોતાના હાથે જ પોતાના ઉપર 'નિષ્ફળ' નું લેબલ મારી દે છે. જ્યાં સુધી તમે તમારી જાતને નિષ્ફળ નહીં માનો ત્યાં સુધી કોઈ તમને નિષ્ફળ કરી શકતું નથી.
એ જ માણસ નિષ્ફળ છે જે પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરે છે. એક એવો રાજા બતાવો જે તમામે તમામ યુદ્ધો જીત્યો હોય. હાર સ્વાભાવિક છે. તમે હારને તમારા પર કેટલી હાવી થવા દો છો તેના પર હાર કે જીતનો આધાર રહે છે. એક વ્યક્તિને તેની કંપનીમાં એક 'ટાસ્ક' સોંપવામાં આવી. તેણે ખૂબ મહેનત કરી પણ એ સફળ ન થયો. બોસ પાસે જઈને તેણે કહ્યું કે, "આઈ એમ ફ્લોપ." હું નિષ્ફળ ગયો. બોસ સમજુ હતો. બોસે કહ્યું કે તું નિષ્ફળ નથી, તારો એક પ્રયાસ નિષ્ફળ ગયો છે. આ પહેલાં તેં અનેક ટાસ્ક પૂરી કરી છે, ત્યારે તો તેં આવીને કહ્યું ન હતું કે હું સફળ થયો છું. તારી એ સફળતાને યાદ કર. સવાલ કરિયરનો હોય કે જિંદગીનો, કોઈ પણ માણસના તમામ નિર્ણયો ક્યારેય સાચા પડતાં જ નથી હોતા. સફળતા માટે માત્ર આપણા ઇરાદા અને મહેનત જ કામ નથી લાગતાં બીજાં પણ એવાં પરિબળો હોય છે જે તમને નિષ્ફળ બનાવતાં હોય છે. તમે તેનાં કારણોને સાચી રીતે તપાસી શકો છો? તેમાંથી કંઈ શીખવા જેવું શોધી શકો છો? જિંદગીમાં સફળતા જેટલું નથી શીખવતી એના કરતાં અનેક ગણુ નિષ્ફળતા શીખવી જતી હોય છે.
એક નિષ્ફળતામાંથી જિંદગી ખતમ થઈ જતી નથી. સૌથી વધુ ચાન્સ કોને મળે છે? જેનામાં કાબેલિયત હોય છે એને. તમે તમારી તમામ શક્તિઓ એમાં રેડી દો. નિષ્ફળતાનો ડર ન રાખો. ખાસ તો જૂની નિષ્ફળતાને ભૂલી જાવ, માત્ર એ ભૂલોને જ યાદ રાખો જે તમારે હવે નથી કરવાની. તમારી સફળતાનો મુખ્ય આધાર એ જ છે કે તમે તમારી નિષ્ફળતાને કેટલી ગંભીરતાથી લીધી છે. સફળતાને સહજ રીતે લેજો પણ નિષ્ફળતાને સમજજો. જે નિષ્ફળતાને ગંભીરતાથી નથી લેતો એ સફળ નથી થઈ શકતો.
ઓપ્રા વિન્ફ્રેની ગણના આજે સૌથી સફળ વ્યક્તિ તરીકે થાય છે. ઓપ્રા વિન્ફ્રે શો આખી દુનિયામાં મોસ્ટ પોપ્યુલર ટેલિવિઝન શો હતો. તમને ખબર છે આ જ ઓપ્રા વિન્ફ્રેને ન્યૂઝ એન્કરની જોબમાંથી એક ન્યૂઝ ચેનલે કાઢી મૂકી હતી. તેને કહેવાયું હતું કે તમે ટેલિવિઝન માટે ફિટ નથી. ઓપ્રાએ આ વાત માની લીધી હોત તો એ આજે પોતાની ટેલિવિઝન કંપની ચલાવતી ન હોત. દરેક વ્યક્તિમાં કંઈક ખૂબી હોય જ છે. માણસમાં સૌથી મોટી ખૂબી એ જ હોવી જોઈએ કે કોઈ પણ નિષ્ફળતાથી હતાશ ન થાય. 'એપલ'કંપની આજે જેના નામે ઓળખાય છે એ સ્ટીવ જોબ્સને ૩૦ વર્ષની ઉંમરે એણે જ શરૂ કરેલી કંપનીમાંથી કાઢી મુકાયા હતા. સ્ટીવ જોબ્સ જેવો માણસ પણ ડિપ્રેશનમાં સરી ગયો હતો. જોકે પછી તેણે નક્કી કર્યું કે હું હારવાનો નથી. તેણે હતાશા ખંખેરી પ્રયાસો આદર્યા અને પછી તેની સફળતાની નોંધ આખી દુનિયાએ લીધી.
દુનિયા સફળતા સાંખી શકતી નથી. માણસ સફળ થાય ત્યારે રાજી થવાવાળા બહુ ઓછા હોય છે પણ નિષ્ફળ જાય ત્યારે ખુશ થવાવાળાની બહુમતી હોય છે. સફળતા વખતે અભિનંદન આપવાવાળા ખરેખર કેટલા દિલથી અભિનંદન આપતા હોય છે?નિષ્ફળતા વખતે આશ્વાસન આપનારાના મનમાં ખરેખર કેટલો અફસોસ હોય છે? જે અભિનંદન અને આશ્વાસનથી પર રહી શકે છે એ જ પોતાનું ધાર્યું કામ કરી શકે છે. અત્યારે એક સાર્વત્રિક ફરિયાદ એ હોય છે કે બધા મારી સાથે પોલિટિક્સ રમે છે, કોઈ પણ ઓફિસનું ઉદાહરણ લઈ લ્યો, ત્યાં કોઈ ને કોઈ રમત ચાલતી જ હોય છે. તમારી સાથે કોઈ રમત રમે છે? તો યાદ રાખો કે તમે એ રમતથી દૂર રહો. જો તમારું ધ્યાન એમાં ગયું તો તમારે જેમાં ધ્યાન રાખવાનું છે ત્યાંથી ધ્યાન હટી જશે. જે લોકો જે કરતાં હોય એ કરવા દો અને તમારે જે કરવાનું છે એ કરો. મોટા ભાગે માણસને રમત રમાય છે એવી ખબર પડે ત્યારે એ પોતે પણ રમત રમવા માંડે છે અને શક્તિઓ વેડફે છે. બીજી વાત એ કે કોઈ માણસ મહેનત કરતો હોય તો તમે એની સફળતા માટે કંઈ ન કરી શકો તો કંઈ નહીં પણ એ નિષ્ફળ જાય એવા પ્રયાસોથી દૂર રહો. જે કોઈનું ભલું નથી ઇચ્છતો એનું કોઈ ભલું નથી ઇચ્છતું.
નિષ્ફળતાને જરાક જુદી રીતે સમજવાની પણ જરૂર છે. તમારી પ્રિય વ્યક્તિને તમારી સૌથી વધુ જરૂર ક્યારે હોય છે? એ નિષ્ફળ થઈ રહ્યા હોય ત્યારે. તમારી વ્યક્તિને તૂટવા ન દો. એ પણ પ્રેમનો જ એક પ્રકાર છે કે આપણે આપણી વ્યક્તિને હારવા, થાકવા કે નાસીપાસ થવા ન દઈએ. પોતાની વ્યક્તિની નિષ્ફળતાને વધુ અઘરી ન બનાવો. તમારા શબ્દોની બહુ મોટી તાકાત છે. આપણી વ્યક્તિને એવી તો આશા હોય જ છે કે આખી દુનિયા ભલે મારી વિરૂદ્ધ થઈ જાય પણ આ એક વ્યક્તિ છે જે દરેક સંજોગોમાં મારી સાથે છે. આવી એક વ્યક્તિ બનવું એ બહુ મોટી વાત છે. આપણને આપણી સફળતા વખતે નહીં પણ નિષ્ફળતા વખતે સાચવે એ જ વ્યક્તિ યાદ રહેતી હોય છે. કોઈ ન હતું ત્યારે એ હતો અથવા તો કોઈ નહોતું ત્યારે એ હતી, આ અહેસાસ જ પૂરતો હોય છે.
પ્રેમની સૌથી વધુ પરખ ત્યારે જ થાય છે જ્યારે આપણે જેને પ્રેમ કરતા હોય એ વ્યક્તિ ઉદાસ, નિરાશ કે હતાશ હોય. માત્ર પ્રેમમાં જ એવી તાકાત છે કે માણસને પાછો બેઠો કરી શકે. તમને આવો ચાન્સ મળ્યો હોય તો તમારી જવાબદારી, વફાદારીને પ્રેમપૂર્વક નિભાવો. તેને ખાતરી આપો કે તું નિષ્ફળ નથી, કોઈના કહેવાથી તું ખતમ થઈ જવાનો નથી, હું તારી સાથે છું, તમારા શબ્દો સંજીવની જેવું કામ કરશે.
કોઈ નિષ્ફળતાથી ન ડરો. એક વખત ફેઈલ જવાથી, એક વખત એટીકેટી આવી જવાથી, એકાદ મેમો કે નોટિસ મળવાથી કે એકાદ વખત નોકરીમાંથી હકાલપટ્ટી થઈ જવાથી કોઈ કાયમ માટે નિષ્ફળ થઈ જતું નથી. બીજી વખત આવું ન થાય એ માટે સભાન રહી તમારા પ્રયત્નો ચાલુ રાખો. નિષ્ફળ એ જ જાય છે જેનામાં સફળતાની શક્યતા હોય છે અને સફળ એ જ થાય છે જે નિષ્ફળતાને ઓવરટેક કરી મંઝિલ સુધી પહોંચે છે. જ્યાં સુધી તમને તમારી જાત ઉપર ભરોસો છે ત્યાં સુધી તમને કોઈ હરાવી શકવાનું નથી. યાદ રાખો, કોઈ નિષ્ફળતા કાયમ હોતી નથી.
છેલ્લો સીન :
સુખનું એક દ્વાર બંધ થઈ જવાની સાથે બીજું દ્વાર ખૂલી જતું હોય છે, પરંતુ આપણે બંધ દ્વાર તરફ એટલો બધો સમય જોતા રહીએ છીએ કે ખુલ્લું દ્વાર જોઈ જ શકતા નથી. -હેલન કેલર

(‘સંદેશ’, તા. 14મી એપ્રિલ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ચિંતનની પળે કોલમ)