ગઇ અને આવતી કાલમાં ક્યાં સુધી જીવતા રહીશું?

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

એક પલકમાં તરણા માફક તૂટી જાશેઇચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે.
ભીતરના અજવાસની ભોગળ વાસી દઈનેસાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે.
શ્યામ સાધુ

સુંદર અને મોંઘી ઘડિયાળ પહેરી લેવાથી સમય રૂપાળો થઈ જતો નથી. સમયને સુંદર બનાવવો પડે છે. સમયનું સૌંદર્ય સ્વભાવ સાથે જોડાયેલું છે. મન મોજમાં હોય તો સઘળું સૌંદર્યમય લાગે છે. ઘડિયાળમાં કાંટા હોય છે પણ એ કાંટાને વાગવા દેવા કે નહીં એ આપણા હાથની વાત છે. માણસને સૌંદર્ય ગમે છે. પછી એ પ્રકૃતિનું હોય કે વ્યક્તિનું હોય. સૌંદર્ય માત્ર ચહેરાનું નથી હોતું. સૌંદર્ય મનનું હોય છે.
સૌંદર્ય સ્પર્ધા જીતેલી એક યુવતીને પૂછવામાં આવ્યું કે તમને ખબર છે કે તમે સુંદર છો? તેણે કહ્યું કે હા, હું સુંદર છું અને મને એ પણ ખબર છે કે અત્યારે જે સુંદરતાના કારણે હું જીતી છું એ સુંદરતા કાયમ માટે ટકવાની નથી એટલે હવે જે સુંદરતા ટકે એવી મનની સુંદરતા માટે હું પ્રયત્ન કરવાની છું. આજથી ચાલીસ વર્ષ અગાઉ આ જ સ્પર્ધા જીતેલી યુવતી આજે ડોસી થઈ ગઈ છે. એને હું મળી હતી. હવે એ સુંદર દેખાતી નથી. ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે, હાથ ચીમળાઈ ગયા છે. આંખો ઊંડી ઊતરી ગઈ છે. આ સ્પર્ધાની તૈયારી કરતી હતી ત્યારે થોડીક ટિપ્સ લેવા હું તેમની પાસે ગઈ. મારા ચહેરા અને શરીર સામે જોઈને તેણે કહ્યું કે સ્પર્ધા તો તું કદાચ જીતી જઈશ પણ સૌંદર્યને જીતી શકીશ ખરી? હું મતલબ ન સમજી. તેમણે કહ્યું કે રૂપ તો બધાંને ગમે છે પણ જે કાયમ રહેવાનું ન હોય એની પાછળ બહુ દોડવું નહીં. જો તું દોડયે રાખીશ તો થાકી જઈશ. એટલે કહું છું કે તનને નહીં, મનને સુંદર બનાવજે. તો તું આખી જિંદગી મિસ વર્લ્ડ રહીશ. હસવાનું ઘટાડતી નહીં અને અભિમાન વધારતી નહીં. એ સ્ત્રીએ વિદાય વખતે જ્યારે મને હગ કર્યું ત્યારે તેના સ્પર્શમાં સંપૂર્ણતા હતી, ઉષ્મા હતી અને એક અલૌકિક પ્રકારની સુંદરતા હતી. તનની સુંદરતા તો હું જીતી ગઈ પણ મનની સુંદરતાની સ્પર્ધા હજુ મારે જીતવાની છે. આ સ્પર્ધામાં મારી કોઈ હરીફ નથી પણ હું જ મારી હરીફ છું.
માણસ જેટલું જીવે એટલું માણે એ જ સમયનું સૌંદર્ય છે. એક વર્ષમાં એક વર્ષ જ જીવાય એવું નથી. માણસ ધારે તો એક વર્ષમાં એકથી વધુ વર્ષ જીવી શકે, આપણે તો પૂરું વરસેય જીવતાં હોતા નથી. તમે જેવડા છો એટલું જીવ્યા છો?
માણસ ડરતો રહે છે. કોઈ ને કોઈ વાતથી માણસ ભયભીત હોય છે. આમ થશે તો? તેમ થશે તો? આ સંબંધો, આ લાગણી, આ સાધનો અને આ સંપત્તિ નહીં રહે તો? માણસને એટલી તો ખબર હોય જ છે કે કંઈ જ કાયમી નથી, છતાં પણ એ કાયમની ગોઠવણ કરતો રહે છે. ભવિષ્યનું પ્લાનિંગ આપણે કેટલું બધું કરીએ છીએ? વર્તમાનનું કોઈ પ્લાનિંગ આપણી પાસે હોય છે?માણસ બધું કાલને ધ્યાનમાં રાખીને જ કરે છે. આજે ભણે છે એટલા માટે કે સારા માર્ક્સ આવે તો સારી કરિયર બને. સારી કરિયર બની જાય પછી એ આવતીકાલના પ્રમોશનની ચિંતા કરતો રહે છે. થોડોક મોટો થાય એટલે એ બુઢાપો સારી રીતે જાય એનાં પ્લાનિંગ કરવા માંડે છે. આજની તો કોઈને ચિંતા જ નથી. તમે આજે જે છો એના માટે ભૂતકાળમાં કેટલી મહેનત કરી હતી? આટલી મહેનત પછી આજે જે છે એનાથી તમે ખુશ છો? આજને તમે માણો છો?
સ્ટ્રગલ કરીને આગળ આવી મોટા બંગલામાં રહેતાં અને મોંઘી કારમાં ફરતાં અનેક લોકોનાં મોઢે એવું સાંભળ્યું છે કે આના કરતાં નાનકડાં ઘરમાં રહેતા હતા ત્યારે અમે વધારે ખુશ અને સુખી હતા. બે રૂમનું ઘર હતું ત્યારે બધાં સાથે બેસીને વાતો કરતાં. હવે બધાં ઘરમાં આવીને પોતપોતાના રૂમમાં પુરાઈ જાય છે. મોકળાશ ઘણી વખત ખાલીપો બની જતી હોય છે.
ત્રણ ભાઈઓ હતા. ગરીબીમાંથી આગળ આવ્યા. ત્રણેયે ખૂબ સ્ટ્રગલ કરી. બાજુબાજુમાં જ ત્રણ બંગલા બનાવ્યા. ત્રણેયનું મળવાનું ઓછું થઈ ગયું. ત્રણેયને થયું કે આ વાજબી નથી. ત્રણેયે નક્કી કર્યું કે ગમે તે થાય દરરોજ રાતે એક જ ટેબલ પર બેસીને ત્રણેયનો પરિવાર જમશે. સમાજમાં દાખલા દેવાવા લાગ્યા કે જુઓ આને પ્રેમ કહેવાય. એક દિવસ એક ભાઈને પૂછયું કે તમને આ સિસ્ટમ કેવી લાગે છે? એ ભાઈએ જવાબ આપ્યો કે દુઃખદ અને કરુણ. એટલા માટે કે મળવા માટે અને વાતો કરવા માટે પણ નિયમો બનાવવા પડે છે અને નિર્ણયો કરવા પડે છે. નાના હતા ત્યારે તો સાથે જ જમતા હતા. એકે જમી લીધું હોય તોપણ એ બાજુમાં બેસતો. ત્યારે તો કોઈ નિયમ નહોતો કે સાથે જ જમીશું. હવે બધું નિયમ મુજબ કરવું પડે છે એ નથી ગમતું. જે સહજ હોય એ નિયમથી નથી આવતું. એટલે જ બધાંને કહું છું કે આજે છે એ જીવી લો, કાલે કદાચ નિયમ મુજબ જીવવાનું થઈ જશે. હવે મળવા માટે પણ પાર્ટી કરવી પડે છે અને પાર્ટી કરવા માટે પણ બહાનાં શોધવાં પડે છે. આજે બર્થ ડે છે, આજે એનિવર્સરી છે. આજે આ સફળતા મળી, આ ગોલ મેળવી લીધો, પ્રમોશન થઈ ગયું કે પ્રોફિટ બમણો થઈ ગયો. કોણે ક્યારે માત્ર મળવા માટે પાર્ટી કરી? કોઈ પાર્ટીનું આમંત્રણ આપે તો તરત જ પૂછીએ છીએ કે કઈ ખુશીમાં આ પાર્ટી છે? કેમ કારણ વગર કોઈ પાર્ટી ન હોય? મળવાનું મન થાય એ પાર્ટીનું કારણ ન હોય?
અમદાવાદમાં હમણાં સાઇકિયાટ્રિસ્ટની કોન્ફરન્સ મળી. દેશમાંથી સેંકડો મનોચિકિત્સકો આ કોન્ફરન્સમાં આવ્યા હતા. એક સાઇકિયાટ્રિસ્ટને પૂછયું કે આજના સમયની સૌથી મોટી સમસ્યા કઈ છે? તેણે કહ્યું કે રિલેશનશિપ અને બ્રેકઅપ્સ. મોટાભાગના લોકોને સંબંધ તૂટી જવાનો ભય સતાવે છે. પત્નીને રાજી રાખવાના અને પતિને ખુશ રાખવાના નુસખા આપણે શીખવા લાગ્યા છીએ. વારે-તહેવારે પત્ની માટે ફ્લાવર્સ લઈ જવાં, ક્યારેક ઓચિંતા જ કોઈ ગિફ્ટ આપવી, સરપ્રાઈઝ આપતાં રહેવું. પત્નીએ પતિને ભાવતું હોય એવું ભોજન બનાવવું. પ્રેમ અને દાંપત્યજીવનના કાયદાઓ જ બદલાઈ ગયા છે. આપણાં બાપ-દાદા કે મા-દાદી આવું કરતાં હતાં? ના. છતાં એ કેમ આપણાં કરતાં વધુ પ્રેમથી રહી શકતાં હતાં, કારણ કે એ એકબીજાંને સહી શકતાં હતાં. એકબીજાંને સમજી શકતાં હતાં અને એકબીજાંને સ્વીકારી શકતાં હતાં. અત્યારે દરેકને પોતાની વ્યક્તિ એવી જોઈએ છે જે એની કલ્પનામાં હોય. પોતાની વ્યક્તિ પાસેથી એવી જ ઇચ્છા રાખે છે કે એ પોતાની કલ્પના મુજબ કરે. પોતાની વ્યક્તિ કલ્પનાની બની શકતી નથી અને જે હોય છે એ સ્વીકારી શકાતી નથી. હું ઇચ્છું એવી તું હોવી જોઈએ અથવા તો મને ગમે એવો તું હોવો જોઈએ. હોય એવો ગમે કે હોય એવી વહાલી લાગે એ અગાઉનો નિયમ હતો એટલે જ કદાચ બુઝુર્ગો આપણાં કરતાં વધુ સુખી હતા. સંબંધો સીધા ન ચાલતા હોય ત્યારે જ એ આડા સંબંધોના રસ્તે ચડી જતાં હોય છે.
કલ્પના પણ કાલની ચીજ છે. વાસ્તવિકતા જ આજની વસ્તુ છે. તમે આજની વાસ્તવિકતામાં જીવો છો? આજના સમય અને આજના સબંધો એ જ આજના સમયનું સૌંદર્ય છે. એ તમને કેટલું સ્પર્શે છે? સમયનું સૌંદર્ય જેટલું સ્પર્શશે એટલું જીવન તરબતર રહેશે. તરબતર રહેવું કે તરસતા રહેવું એ આપણા હાથની જ વાત હોય છે.
છેલ્લો સીન :
છીછરા લોકો ભૂતકાળની વાતો કરે છે, ડાહ્યા માણસો વર્તમાનની અને મૂર્ખાઓ ભવિષ્યની. -ડુ ડીફેન્ડ
('સંદેશ', તા. 1 ડિસેમ્બર, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, 'ચિંતનની પળે' કોલમ)
kkantu@gmail.com