તું નાની-નાની વાતમાં અકળાઇ કેમ જાય છે? 


ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

મૃગજળની માયા છોડીનેજળ સુધી જવું છે,અમને જે છેતરે છે એ છળ સુધી જવું છે,
સદીઓના આ વજનને ફેંકીને કાંધ પરથી,જે હાથમાં છે મારા,એ પળ સુધી જવું છે.
-'કાયમહજારી
કોઈ જ પ્રોબ્લેમ હોતો નથી, છતાં માણસ મજામાં રહી શકતો નથી. દરેકના મનમાં કોઈ ને કોઈ ઉચાટ છે. આપણે બધા ફરિયાદોનાં ભારેખમ પોટલાં લઈને ફરતા રહીએ છીએ. પોટલું ખોલીને આપણે ફરિયાદને પંપાળતા રહીએ છીએ. એકથી થાકી જઈએ એટલે બીજી ફરિયાદને લઈને રમવા માંડીએ છીએ. કોઈ માણસ હળવો ફૂલ હોય તો આપણને આશ્ચર્ય થાય છે. કેવો રિલેક્સ છે? હેપી ગો લકી કિસમના માણસને મળીએ ત્યારે આપણને એવું થાય છે કે આપણે પણ એની જેમ જ રહેવું જોઈએ, પણ આપણે રહી શકતા નથી. સારી વાતની અસર લાંબી ટકતી નથી અને ખરાબ વાત મગજમાંથી ખસતી નથી.
નાની-નાની વાતમાં માણસ છંછેડાઈ જાય છે. ઘણા લોકો તો જાણે હરતા ફરતા ફટાકડા જેવા હોય છે. જરાક અમથી વાતમાં એ ફાટે છે. ધડાકો થાય છે. પોતે તો દુઃખી થાય જ છે પણ સાથે રહેતા લોકોને પણ પરેશાન કરી દે છે. સ્વભાવ પ્રસરતો હોય છે. તમારું વર્તન તમારી આસપાસ એક વાતાવરણ ખડું કરતું હોય છે. સુગંધની જેમ સ્વભાવ પ્રસરે છે. હા, સુગંધ હોવી જોઈએ. દુર્ગંધ પણ પ્રસરતી હોય છે. આપણામાં જે હોય એ જ ફેલાય છે. એક ડોક્ટર હતા. એમને રોજ મોત સાથે પનારો હતો. રોજ એવી વાત કરે કે મારે તો રોજ લોકોને મરતા જ જોવાના! એક દિવસ એક પેશન્ટ તેમને ત્યાં આવ્યો. એ થોડાક દિવસનો જ મહેમાન હતો. ડોક્ટર તેની સારવાર કરતા ત્યારે પણ એ હસતો રહેતો. એક દિવસ તેણે ડોક્ટરને કહ્યું કે તમે કેમ હસતા નથી? ડોક્ટરે કહ્યું કે જુઓને, મારે રોજ મોત સાથે જ પનારો છે! પેશન્ટે કહ્યું કે, ના તમારે મોત સાથે નહીં, તમારે તો જિંદગી સાથે પનારો છે. હું તમારી પાસે ન આવ્યો હોત તોપણ મને મોત તો આવવાનું જ છે. મારા મોતને તમે રોકી નથી શકવાના. હા, મારી જિંદગીને લંબાવી ચોક્કસ શકો પણ તમારી નજર સામે તો મોત જ છે, જિંદગી નહીં! અરે મરીશ તો હું મરીશ, તમે શા માટે મરી જાવ છો? તમે તો જીવો! અને હા,તમે જીવતા હશો તો જ કોઈકને જિવાડી શકશો. તમે હસતા હશો તો જ કોઈકને હસાવી શકશો. રડવાનું અને દુઃખી થવાનું તો દરેક પાસે પોતાના ભાગનું છે જ. દુઃખ વહેંચી નથી શકાતું, સુખ જ વહેંચી શકાય છે. કોઈનું દુઃખ ઓછું કરવું છે તો એને થોડુંક સુખ આપો. દર્દીએ ડોક્ટરનો હાથ હાથમાં લઈને કહ્યું કે હું મરું એ પહેલાં મને પ્રોમિસ આપો કે તમે જીવશો! હસશો! ડોક્ટરે એની આંખમાં જોયું. એક ગજબનું તેજ હતું. પેશન્ટે કહ્યું, જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તેજ ઓછું થવા નહીં દઉં! ચેક કરજો, તમારી આંખમાં જીવવાનું તેજ તો છેને! અંધારું હોતું નથી, આપણે કરી દેતા હોઈએ છીએ.
અકળામણ હોય ત્યાં અથડામણ જ હોવાની! અકળામણનાં કારણો અકળ હોય છે. કારણ હોય એનું નિવારણ હોય છે, પણ જેનું કોઈ કારણ જ ન હોય એનું નિવારણ અઘરું બની જાય છે. મજામાં ન રહેવાનાં મોટાભાગે કોઈ કારણ જ નથી હોતાં અને જે હોય છે એ આપણે બેઠાં કરેલાં હોય છે. આપણો મૂડ નાની-નાની વાતમાં મરી જાય છે. એક બીજા ડોક્ટરની જ વાત છે. એ ડોક્ટર ફ્રેન્ડ્સ સાથે હોટલમાં જમવા ગયા. તેમને હતું કે આજે ફ્રેન્ડ્સની સાથે મજા આવશે. હોટલમાં બાજુના ટેબલ પર અમુક લોકો હતા. એ પોતાની મસ્તીમાં હતા. જોશજોશથી અવાજ કરતા હતા. ડોક્ટરને અકળામણ થવા લાગી. આ લોકો જે રીતે વાત કરે છે એનાથી મારો તો મૂડ જ મરી ગયો, ડોક્ટરે આવું કહ્યું. ડોક્ટરની વાત સંભાળી તેના મિત્રએ કહ્યું કે તારો મૂડ મરી ગયો? તું તો ડોક્ટર છે. તારો મૂડ મરી ગયો છેને? તો હવે તેનું પોસ્ટમોર્ટમ કર, જે કારણ મળશે એના માટે કદાચ તું જ કારણભૂત હોઈશ! અમને કંઈ થતું નથી તો તારો મૂડ કેમ મરી ગયો? તારો મૂડ મર્યો નથી, તેં એને મારી નાખ્યો છે. ખૂની આપણે હોઈએ છીએ અને આરોપ બીજા માથે મૂકતા હોઈએ છીએ!
નાની-નાની વાતને તમારા પર હાવી ન થવા દો. રોડ પર ટ્રાફિક હોય તો આપણે અકળાઈ જઈએ છીએ. ઓિંચંતા બ્રેક મારવી પડે તો આપણા મોઢામાંથી ગાળ નીકળી જાય છે. ક્મ્પ્યૂટર હેંગ થઈ જાય તો આપણે 'સિટ' બોલીને ડિસ્ટર્બ થઈએ છીએ. લિફ્ટને આવવામાં વાર લાગે તો આપણે ઘાંઘાંવાંઘાં થઈ જઈએ છીએ. જમતી વખતે રોટલી આપવામાં મોડું થાય તો આપણે છંછેડાઈ જઈએ છીએ. વાત નાની હોય તોપણ આપણે કેવાં સ્ટેટમેન્ટ કરી દેતા હોઈએ છીએ? 'તારામાં કોઈ દિવસ કંઈ ફેર પડવાનો નથી.' 'આપણા દેશનું કોઈ દિવસ ભલું થવાનું જ નથી.' 'બધા બેવફૂફ છે. એક નંબરના ઈડિયટ છે.' 'કોઈને કંઈ તમીજ જ નથી. મેનર્સ જેવું તો કંઈ છે જ નહીં.' 'બધું જ ખાડે જવા બેઠું છે.' ખાડે કંઈ જતું હોતું નથી, આપણે ખાડામાં હોઈએ છીએ.
આખી દુનિયા પાસે આપણને અપેક્ષાઓ હોય છે. કોણે શું કરવું જોઈએ અને આપણી સાથે કેવી રીતે વર્તવું જોઈએ તેની બધી જ સમજ આપણને હોય છે. આપણે કેવી રીતે વર્તવું જોઈએ તેનો ક્યારેય વિચાર કર્યો છે ખરો? એક માણસ સંત પાસે ગયો. તેણે પૂછયું કે મારે કોની સાથે કેવી રીતે વર્તવું જોઈએ? સંતે કહ્યું કે સારા સાથે તો બધા સારી રીતે વર્તે છે. માણસની સાચી ઓળખ તેના પરથી થાય છે કે એ પોતાને ન ગમતા માણસ સાથે કેવી રીતે વર્તે છે? જે માણસ સામે આપણને ફાવતું ન હોય તેની સાથે આપણું વર્તન તોછડું હોય છે. આપણે ત્યાં સુધી કહેતા હોઈએ છીએ કે મારું ચાલે તો હું કોઈ દિવસ તેની સાથે વાત જ ન કરું! આપણને ખબર હોય કે આ માણસ સાથે વાત કર્યા વગર ચાલવાનું જ નથી તોપણ આપણે તેની સાથે જે રીતે વાત કરવી જોઈએ એ રીતે કરી શકતા નથી. યાદ રાખો, તમે જે રીતે વાત કરો છો તેનાથી તમારું માપ નીકળે છે, સાંભળનારનું નહીં!
સંતે કહ્યું કે બીજી એક મહત્ત્વની વાત એ કે તમે અજાણ્યા માણસ સાથે કેવી રીતે વર્તો છો? અજાણ્યા લોકોને આપણે ગંભીરતાથી લેતા નથી. તમને ખબર છે કે તમારા વર્તનથી એના મનમાં કેવી છાપ પડશે? આપણે કહીએ છીએ કે આપણને એનાથી શું ફેર પડે છે. ગમે એવી છાપ પડે, એને જે સમજવું હોય એ સમજે. ના, તમારા વર્તન પરથી એ માણસ એવું જ વિચારશે કે લોકો કેવા થઈ ગયા છે? સરખી રીતે વાત પણ નથી કરતા! તમે જ્યારે અજાણ્યા લોકો સાથે કોઈ વર્તન કરતા હોવ ત્યારે યાદ રાખજો કે તમે માત્ર તમારું નહીં, આખા સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોવ છો. તમે કોઈ અજાણ્યા શહેરમાં ગયા હોવ અને ત્યાં કોઈ માણસ તમારી સાથે સારું વર્તન કરશે તો તમે તરત જ એવું કહેશો કે એ શહેરના લોકો બહુ સારા છે! તમે જ્યારે અજાણ્યા સાથે વર્તન કરો ત્યારે પણ એ આવી જ છાપ બાંધવાનો છે. જાણીતા કરતાં અજાણ્યા સાથેનું વર્તન વધુ જવાબદારીભર્યું હોય છે. વર્તન સારું તો જ રહે જો મનમાં કોઈ અકળામણ ન હોય.
અકળામણનું ફુગ્ગા જેવું હોય છે. એ તો ખાલી જ હોય છે. આપણે તેમાં ગુસ્સા અને નારાજગીની હવા ભરતા રહીએ છીએ. ફુગ્ગો ફાટી જાય ત્યાં સુધી આપણે અટકતા નથી. આવા ફુગ્ગા ફાટવાના ધડાકા રોજ આપણામાં થતાં રહે છે. જસ્ટ રિલેક્સ, જિંદગી અને ઘટનાઓને હળવાશથી લેશો તો જિંદગી જરાયે ભારે, અઘરી કે આકરી નહીં લાગે.
છેલ્લો સીન : 
કુદરતે સર્જેલા તમામ જીવોમાં માત્ર મનુષ્ય જ રોતાં રોતાં જન્મે છેફરિયાદ કરતો જીવે છે અને નિરાશામાં મરે છે. - વોલ્ટર ટૈપિલ
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 15 જુન, 2014. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)
kkantu@gmail.com