તારા દિલમાં કેટલી વાત દબાયેલી છે? 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઘડીમાં રિસાવું! ખરાં છો તમે, ફરીથી મનાવું? ખરાં છો તમે,
હજી આવીને બેઠાં ને ઊભા થયા? અમારાથી આવું? ખરાં છો તમે,
ન પૂછો કશુંયે, ન બોલો કશું! અમસ્તા મૂંઝાવું? ખરાં છો તમે,
ન આવો છો મળવા, ન ઘરમાં રહો, અમારે ક્યાં જાવું? ખરાં છો તમે.
-કૈલાસ પંડિત

દરેક માણસ પાસે જિંદગી એક જ હોય છે પણ એ બે જિંદગી જીવતો હોય છે. એક જિંદગી જે એ ખરેખર જીવતો હોય છે અને બીજી જિંદગી જેના વિશે એ વિચારતો હોય છે. પોતાની ઇચ્છા, વિચાર અને કલ્પના મુજબની જિંદગી બહુ ઓછા લોકો જીવી શકતા હોય છે. તમે અત્યારે જે જિંદગી જીવો છો એમાં બધું જ તમારી ઇચ્છા મુજબનું છે? તમારું ચાલે તો તમે તમારી જિંદગીમાંથી શું હટાવી દો? કઈ પીડા ખંખેરી નાખો? કઈ વેદનાને ગળી જાવ? કઈ વાતને ભૂલી જાવ? જિંદગી રોજે રોજ લખાતી હોય છે અને એવી રીતે લખાતી હોય છે કે આપણે કશું જ ભૂંસી નથી શકતા. આજે જિવાયેલી જિંદગી આવતીકાલે ઇતિહાસ બની જવાની છે. એવો ઇતિહાસ જે આપણે છીએ ત્યાં સુધી ભૂંસાવાનો નથી. આ ઇતિહાસમાંથી કેટલાં પાનાં ફરીથી વાંચવાનું મન થાય એવાં હોય છે? કેટલાં પાનાં ફાડીને ફેંકી દેવાનું મન થાય છે? પાનાં ફાડી નાખવાથી પણ કંઈ  ઇતિહાસ ખતમ થતો નથી! એ તો એની જગ્યાએ જીવતો જ હોય છે. ઇતિહાસના કેટલા બધા અંશો આપણા દિલ પર ભાર બનીને ધરબાયેલા હોય છે? આપણે એવી કેટલી બધી વાતો, ઘટનાઓ, પ્રસંગો, વિચારો, કલ્પનાઓ અને અપેક્ષાઓની વાતો કોઈને કહેવી હોય છે? આપણે લથબથ હોઈએ છીએ. લથબથ હોવા અને તરબતર હોવામાં ફેર છે. ઝાકળના બુંદ અને વરસાદના બુંદમાં કેટલો ફર્ક હોય છે? અને આંસુના બુંદમાં? એકસરખું દેખાતું બધું એકસરખું હોતું નથી!
બે વ્યક્તિ સાથે હોય ત્યારે પણ બંને એક જ વસ્તુ જોતી હોતી નથી. એક વસ્તુ જોતી હોય તોપણ એ જોવાનો મર્મ જુદો જુદો તારવવામાં આવતો હોય. આપણને જે જોઈને હસવું આવે એ જ આપણી સાથેની વ્યક્તિ જુએ ત્યારે એને ગુસ્સો આવી શકે છે. એક પતિ-પત્ની હતાં. બંને બેઠાં હતાં અને દીકરી રમતી હતી. બંનેનું ધ્યાન દીકરી ઉપર જ હતું. રમતાં રમતાં દીકરી અચાનક લપસી. એ એટલી સ્વીટ રીતે લપસી કે એ જોેઈને બાળસહજ મસ્તીનું અદ્ભુત દૃશ્ય ઉભરી આવે. આ જોઈને પતિ હસી પડયો. આલેલે... મારો દીકરો ભપ્પ થઈ ગયો, એવું બોલી પતિ હસવા લાગ્યો. એ જ દૃશ્ય જોઈ પત્ની ગુસ્સે થઈ ગઈ. તમને હસવું આવે છે?દીકરી લપસી ગઈ એને તમે એન્જોય કરો છો? તમારા દિલમાં ફડકો પડતો નથી? આમ જુઓ તો બંને સાચાં છે છતાં એક જ ઘટનાને જોવાની બંનેની દૃષ્ટિ અલગ અલગ છે! બંને હસી પડયાં હોત તો? અથવા તો બંને જ ફટાક દઈને દોડી ગયાં હોત તો? પણ એવું નથી થતું! એ જ તો ફર્ક હોય છે! એકસરખું દેખાતું કે એકસરખું જોવાતું પણ ક્યાં એકસરખું લેવાતું કે એકસરખું સમજાતું હોય છે? નજર એક હોય પણ દૃષ્ટિ જુદી હોય ત્યારે દૃશ્યના મતલબ બદલાઈ જતાં હોય છે. બીજી વખત અગાઉની જેમ જ દીકરી લપસી જાય ત્યારે પત્નીને હસવું આવી શકે છે અને પતિ ગુસ્સે થઈ શકે છે. ઘણી વખત ઘટનાઓ મૂડ અને વિચારો મુજબ રિએક્ટ થતી હોય છે. રિએક્શન આવે એનો વાંધો ન હોય પણ રિજેક્શન આવવું ન જોઈએ!
પ્રેમ એટલે જ એક જ દૃશ્યને અને એક જ ઘટનાને એકસરખી રીતે જોવાની, સમજવાની અને જીવવાની કળા. સાથે હોવું પૂરતું નથી, સાથે જીવવું જ જરૂરી હોય છે. દરેક પ્રેમી અને દરેક દંપતી એવું ઇચ્છતાં હોય છે કે એની વ્યક્તિની બધી જ વાત એને ખબર હોય. પોતાની વ્યક્તિ બધી જ વાત કરે. બંનેને બધી જ વાત કરવી પણ હોય છે. શરૂઆતમાં બધી વાત કરતાં પણ હોય છે. જો કે પછી અગાઉના રિએક્શન મુજબ અમુક વાત કરાતી હોય છે અને અમુક વાત છુપાવાતી હોય છે. છુપાવેલી વાત પણ કરવી હોય છે પણ કરી શકાતી નથી. એ વાત કરીશ તો એનું રિએક્શન શું આવશે એ વિચારે અમુક વાતો દિલમાં જ ધરબાયેલી રહી જાય છે. તમે તમારી વ્યક્તિને બધી જ વાત કરો છો? અથવા તો તમારી વ્યક્તિ બધી જ વાત તમને કરે છે? કદાચ એ પણ નહીં કરતી હોય અને કદાચ તમે પણ નહીં કરતાં હોય! ક્યારેય વિચાર્યું છે કે કેમ દિલનું દ્વાર ખોલવું હોય તોપણ ખોલી શકાતું નથી? બેમાંથી કોણ બંધ દ્વારની સાંકળ ઉઘાડતું જ નથી? આપણે એટલી સ્પેસ આપતાં હોઈએ છીએ કે આપણી વ્યક્તિ મોકળાશથી બધું કહી શકે? પૂરી વાત સાંભળતા પહેલાં જ આપણે વિરોધ નોંધાવી દઈએ છીએ! ક્યારેક તો આપણે ખુદ જ એવું ઇચ્છતાં હોઈએ છીએ કે એ એવી કોઈ વાત જ ન ઉચ્ચારે! બધી જ વાત ઉચ્ચારી શકાય, બધી જ વાત કહી શકાય, એ વાત ગમે એવી પણ હોય અને ન ગમે એવી પણ હોય તો પણ સાંભળી શકાય એટલું હળવું વાતાવરણ ક્યાં હોય છે? આપણને વાત ગમતી ન હોય ત્યારે આપણે જ્જ બનીને ચુકાદો જ સંભળાવી દેતા હોઈએ છીએ.
આધિપત્ય અને અતિક્રમણમાં ફર્ક છે. આપણે અતિક્રમણ પણ કરવું હોય છે અને આધિપત્ય પણ જમાવવું હોય છે. આપણી વ્યક્તિને 'દબાવી' દેવાની સાથે આપણે પણ થોડાક 'દબાતા' જ હોઈએ છીએ પણ એનો આપણને અહેસાસ હોતો નથી. આપણને ખબર હોય કે આપણી વ્યક્તિ અત્યારે મૂંઝાઈ રહી છે ત્યારે પણ આપણે ક્યાં એવું કહેતાં હોઈએ છીએ કે તું બધી વાત કહી દે. તારા મનમાં કંઈ દબાયેલું ન રહેવા દે, તું કેમ મને કંઈ કહી શકતો નથી? આવા વખતે પણ આપણે તો એવું જ કહેતાં હોઈએ છીએ કે એ મને કંઈ કહેતો નથી! એ શા માટે કહેતો નથી એ આપણે વિચારીએ છીએ ખરાં? પ્રેમીઓ અને દંપતીઓ વચ્ચેની વાતચીત પણ જ્યારે વ્યાવહારિક બની જાય ત્યારે પ્રેમ અલોપ થઈ જાય છે અને માત્ર વ્યવહાર જ રહે છે! માત્ર સાથે રહેવાતું હોય છે, સાથે સુવાતું પણ હોય છે પણ સાથે જિવાતું હોતું નથી, સાથે હસાતું હોતું નથી કે સાથે રડાતું પણ હોતું નથી! કેટલાં દંપતી કોઈ સંવેદનશીલ મુદ્દે સાથે રડયાં હોય છે? શું આપણા સંબંધો માત્ર સાથે હસવા પૂરતાં જ મર્યાદિત હોય છે? રડવાનું હોય ત્યારે બંનેએ અલગ અલગ રડવાનું? એ રડાતું પણ એવી રીતે હોય છે કે એક-બીજાને ખબર ન પડે! એટલા માટે કે એક-બીજાને કારણે જ તો રડવુું પડતું હોય છે! આપણે કેટલું બધું છૂપું અને ખાનગી કરતાં હોઈએ છીએ? તમારા પ્રેમને એકસરખો બનાવો, તમારા સાથને સાંનિધ્ય બનાવો અને તમારા સ્પર્શને હૂંફ બનાવો તો તમારે એક-બીજાથી કંઈ છુપાવવું પડશે નહીં.
બે પ્રેમીઓ હતાં. બંને એક-બીજાને બચપણથી ઓળખતાં હતાં. બંનેના પરિવારો એક-બીજાના ફેમિલી ફ્રેન્ડસ હતા. એક દિવસ બધાં ભેગાં થયાં હતાં ત્યારે બંનેએ પોતાના દિલની વાત કરી કે અમે બંને એક-બીજાને પ્રેમ કરીએ છીએ અને એક-બીજા સાથે જીવવા માંગીએ છીએ. બેમાંથી કોઈ પરિવારને કોઈ પ્રોબ્લેમ ન હતો. બંને મિત્રોએ પોતાનાં દીકરા અને દીકરીને એક-એક કાગળ આપ્યો. બંનેને કહ્યું કે જાવ, તમેે બંને તમારા કલ્પનાના ઘર અને તમારી કલ્પનાની જિંદગી વિશે લખી આવો. બંને ગયાં અડધા કલાક પછી બંને લખીને આવ્યાં. બંનેએ કાગળમાં જે લખ્યું હતું એ સમૂહમાં વાંચવામાં આવ્યું. બંનેએ જે લખ્યું હતું તેમાં માત્ર પચીસ ટકા સરખું હતું, પંચોતેર ટકા જુદુંુ હતું. બંનેને પછી એટલો જ સવાલ પુછાયો કે હવે ફક્ત એટલું કહો કે આ પંચોતેર ટકા તમે કેવી રીતે એડજસ્ટ કરશો? કોણ કેટલું જતું કરશે અને કોણ કેટલું કઈ રીતે સ્વીકારશે? બંનેએ કહ્યું કે, અમે આવી રીતે કરી લેશું. અમે ઝઘડા નહીં કરીએ. બંનેને પછી એટલું જ કહેવાયું કે બસ, એટલી તૈયારી રાખજો કે તમે બંને સાથે મળીને આ બાકીનું સમજી લેશો. એક-બીજા વાત કરશો અને કોઈ દિલમાં કંઈ દબાવી રાખશો નહીં!
એક-બીજાને દિલની વાત કહેતાં ડર લાગે તો સમજજો કે કંઈક ખૂટે છે. એટલિસ્ટ એના વિશે વાત કરી શકાય છે કે મારે તને અમુક વાતો કરવી છે પણ મને ડર સતાવે છે. આવ, આપણે સાથે મળી આ ડરને દૂર કરીએ. વાત છુપાવવા કરતાં ડર દૂર કરવામાં કદાચ ઓછી વેદના થશે. એકબીજાને સ્પેસ મળશે તો જ પ્રેમ એની જગ્યાએ જીવતો રહેશે. વાત કરતાં રહેશો તો વાત વધશે નહીં. પ્રેમ કરતાં રહેશો તો પ્રેમ વધતો જ રહેશે. દિલમાં વાત દબાતી હોય ત્યારે થોડો થોડો પ્રેમ પણ દબાઈ જતો હોય છે! 
છેલ્લો સીન : 
કહેવાનું જ્યારથી બંધ થાય છે ત્યારથી સહેવાનું શરૂ થાય છે!     -કેયુ
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 19 ઓકટોબર, 2014. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)
kkantu@gmail.com