દુનિયાનું રાજકારણ શસ્ત્રોના કારોબાર 
ઉપર ટકેલું છે. શાંતિના નામ પર શસ્ત્રો વેચાય છે.
અમેરિકા હથિયારોના વેપારમાં એક્કો છે.

વાંચો, તા. 21મી ફેબ્રુઆરી, 2016 અને રવિવારની
'દિવ્ય ભાસ્કર'ની 'રસરંગ' પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલી 
'દૂરબીન' કોલમ


અમેરિકાને સૌથી વધુ રસ 
શસ્ત્રો વેચવામાં જ છે!

દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ

સૌથી પહેલા એક વાર્તા સાંભળો. એક નાનકડું ગામ હતું. આ ગામમાં એક લુહાર રહેતો હતો. આ લુહાર તલવાર, ભાલા અને બીજાં હથિયારો બનાવતો હતો. આખું ગામ શાંતિપ્રિય હતું. ગામમાં કોઇને હથિયારોની જરૂર જ ન પડતી. લુહારનાં શસ્ત્રો વેચાતાં જ ન હતાં. લુહારની ભઠ્ઠીમાં તલવાર અને ભાલાની સંખ્યા વધતી જતી હતી. આખરે લુહારે એક યુક્તિ સમજાવી. આખા ગામમાં એવો ભય ફેલાવ્યો કે ડાકુની એક ટોળી આપણા ગામ પર ત્રાટકવાની છે. હવે ગામનાં બધાં ઘરો અસુરક્ષિત છે. દરેકે પોતાના રક્ષણની ચિંતા કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભાડાના માણસો રોકી લુહારે ગામના એક-બે લોકો પર હુમલો પણ કરાવી દીધો. આ લુહાર અને અમેરિકામાં નયા ભારનો પણ ફર્ક નથી. લુહાર જે પોતાના ગામમાં કરતો હતો એ અમેરિકા આખી દુનિયામાં કરે છે. અમેરિકાને ગમે તેમ કરીને પોતાનાં હથિયારો વેચવાં છે.
ગુજરાતીમાં એક કહેવત છે. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો.’ આ કહેવત અમેરિકા માટે કહેવી હોય તો એવી કહી શકાય કે યુદ્ધ કરો, આતંકવાદ વકરાવો, જેનું જે થવાનું હોય એ થવા દો પણ અમેરિકાનાં શસ્ત્રો ખરીદો. તમને ખબર છે? આખી દુનિયામાં જેટલાં ખતરનાક શસ્ત્રોનું ઉત્પાદન થાય છે તેમાંથી પચાસ ટકા એટલે કે અડધો અડધ શસ્ત્રોનું ઉત્પાદન માત્ર અમેરિકા કરે છે. અમેરિકાની ઇકોનોમીનો ઘણો મોટો આધાર હથિયારોના વેચાણ પર રહેલો છે. અમેરિકા ‘વોર ઇકોનોમી’માં પણ માહેર છે.
અમેરિકા ભારત ઉપર ફિદા ફિદા છે તેનું કારણ પ્રેમ કે લાગણી નથી પણ સ્વાર્થ છે. ભારત શસ્ત્રોનું સૌથી મોટું ખરીદદાર છે. ભારત શસ્ત્રો ક્યારે ખરીદે? જો ભારતમાં યુદ્ધનો ભય તોળાયેલાે રહે તો! હા, એ વાત સો ટકા સાચી છે કે આપણા દેશને સૌથી મોટો ખતરો પાકિસ્તાન અને ચીનથી છે. પાકિસ્તાન આપણું દુશ્મન નંબર વન છે. અમેરિકાએ દોસ્તીના દાવે ભારતની મદદ કરવી જોઇએ, એને બદલે એ પાકિસ્તાનને મદદ કરે છે! ‘વોર અગેઇન્સ્ટ ટેરરિઝમ’ના નામે અમેરિકા પોતાનો સ્વાર્થ સાધે છે. અમેરિકાએ હમણાં પાકિસ્તાનને આઠ એફ-16 ફાઇટર જેટ વેચવાનો નિર્ણય કર્યો. વાત એવી કરી કે અા લડાકુ વિમાનોનો ઉપયોગ ટેરરિસ્ટ સામે લડવામાં કરાશે. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન શસ્ત્રો સંદર્ભે જે કંઇ કરે છે એ ભારતને નજર સમક્ષ રાખીને જ કરે છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કહ્યું હતું કે, અમે ઘાસ ખાશું પણ અણુશસ્ત્રો બનાવીશું. તેણે બનાવ્યાં. આજે ભારત કરતાં વધુ અણુશસ્ત્રો પાકિસ્તાન પાસે છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે. અમેરિકાની આર્થિક મદદ વગર પાકિસ્તાન માટે ટકવું અઘરું પડે તેવી હાલત છે. અમેરિકા એક તરફ પાકિસ્તાનને ચીમકીઓ આપતું રહે છે અને બીજી તરફ તેને તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે. આપણા દેશે શું કર્યું? અમેરિકાના પાકિસ્તાનને ફાઇટર આપવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી! ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ ઉંગ ખતરનાક છે, આખી દુનિયા માટે ખતરો છે એ બધું સાચું પણ કિમની બુકમાંથી એકાદ ચેપ્ટર તો શીખવા જેવું છે જ કે કોઇ અમને ડિક્ટેટ કરે કે ટેકન ફોર ગ્રાન્ટેડ લે એ અમને મંજૂર નથી!
આખી દુનિયામાં ‘શાંતિ’ના નામે ઘણાં બધાં ગતકડાં ચાલતાં રહે છે. આશ્ચર્યની વાત તો જુઓ, શસ્ત્રોનું વેચાણ પણ ‘શાંતિ’ના બહાને થાય છે! શસ્ત્રો તો રાખવાં જ જોઇએ. તમારી પાસે શસ્ત્રો હોય તો તમારો પડોશી તમારાથી ડરે. આ ડરના કારણે એ કોઇ અડપલું કરવાની હિંમત ન કરે અને શાંતિ જળવાઇ રહે! આખી દુનિયાનો એક વખત નાશ થઇ જાય એટલાં પરમાણુ શસ્ત્રો બન્યાં છે. આ બધાં શસ્ત્રો બનાવનારાઓએ એમ જ કહ્યું છે કે, અમે તો શાંતિના હેતુસર જ અણુપ્રયોગો કરીએ છીએ!
અમેરિકા વર્ષ 2014માં લાર્જેસ્ટ આર્મ પ્રોવાઇડર કન્ટ્રી હતું. પચાસ ટકા હથિયારો અમેરિકાએ બનાવ્યાં હતાં. હથિયારોના ઉત્પાદનમાં 35 ટકાનો વધારો થયો હતો. અમેરિકા પછી હથિયારોના ઉત્પાદનમાં રશિયા, ચીન, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનનો નંબર આવે છે. અમુક દેશો એવા છે જ્યાં હથિયારોનું ઉત્પાદન સરકારના હાથમાં જ છે. આપણા દેશમાં ખાનગી રાહે હથિયારો બનતાં નથી. અમેરિકા અને પશ્ચિમના દેશોમાં હથિયારોનું ઉત્પાદન ખાનગી હાથોમાં છે. પ્રાઇવેટ કંપનીઝ હથિયાર બનાવે છે અને સરકાર તેને હથિયારો વેચવામાં સીધી જ મદદ કરે છે. સરકારે ઉદ્યોગોનું હિત જોવું પડે છે કારણ કે ઇકોનોમી ઉપર તેની બહુ મોટી અસર પડે છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાન્દે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય મહેમાન બન્યા હતા, ત્યારે તેનો ઇરાદો એવો જ હતો કે, ભારત સાથે રફાલ ફાઇટર જેટની ડિલ ડન થઇ જાય!
અમેરીકામાં વિમાન બનાવતી એક કંપની ફડચામાં જવાની તૈયારીમાં હતી. અમેરિકન ગવર્નમેન્ટે આ કંપની ફડચામાં જતી બચે એ માટે તનતોડ મહેનત કરી હતી અને અનેક દેશોને વિમાન ખરીદવા માટે મનાવ્યા હતા. અમેરિકન પ્રેસિડન્ટે આવી કંપનીની બ્રિફ પકડવી પડે છે તેનું એક કારણ એ પણ છે કે જો કંપની ફડચામાં જાય તો ફેક્ટરીને તાળાં લાગી જાય. બેંકોનાં નાણાં ડૂબે. ફેક્ટરીમાં કામ કરતા અનેક લોકોને છૂટા કરવા પડે. આ બેકાર લોકોનું શું કરવું એ મોટો પ્રશ્ન થઇ જાય. એ દેશોમાં આપણા જેવું નથી કે તમારા નસીબમાં હોય તો તમને નોકરી મળે, ખાનગી ક્ષેત્રોમાં પણ બધાને નોકરી મળી રહે એની ચિંતા સરકારે કરવી પડે છે.
માત્ર અમેરિકા જ હથિયારો વેચવા માટે શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવે છે એવું નથી, દુનિયાના બીજા સમૃદ્ધ દેશો પણ આવું કરે છે. અમેરિકા સૌથી મોટું ખેલાડી છે. તેણે જ હથિયારો કેવી રીતે વેચાય એ બીજા દેશોને શિખવાડ્યું છે. અનેક દેશો એવા પણ છે જે પોતાના સ્વાર્થ માટે આતંકવાદીઓને જોઇએ એટલાં હથિયારો આપે છે. આતંકવાદીઓ પાસે હથિયારો આવે છે ક્યાંથી? કોઇ ને કોઇ દેશની ‘મહેરબાની’ હોય છે!
આખી દુનિયાના દેશો વચ્ચેના સંબંધો હવે શસ્ત્રોના લે-વેચ ઉપર નભી રહ્યા છે. આ દેશો વચ્ચે લવ અથવા તો હેઇટના પાયામાં જ શસ્ત્રોના સોદાઓ છે. શસ્ત્રોના વેચાણ માટે યુદ્ધ નોતરવાથી માંડીને યુદ્ધના કાલ્પનિક ભય ઊભા કરવા સુધીનાં કૃત્યો થાય છે. શસ્ત્રોનું વેચાણ ઘટે એ કોઇ સમૃદ્ધ દેશને પરવડે તેવું નથી, અમેરિકાને તો નહીં જ!
("દિવ્ય ભાસ્કર', "રસરંગ' પૂર્તિ, તા. 21 ફેબ્રુઆરી, 2016, રવિવાર, "દૂરબીન' કોલમ)
email : kkantu@gmail.com