યંગસ્ટર્સનો બાઇક ક્રેઝ: ધૂમ
મચાવવામાં ધૂળ થતી જિંદગી!

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ


 
ધ લેડી ઓફ ધ હાર્લી ડેવિડસન વિનુ પાલીવાલનું રોડ એક્સિડન્ટમાં મોત થયું. રોડ પર નીકળવાનું કામ હવે જીવ સટોસટના ખેલ જેવું થઇ ગયું છે. યંગસ્ટર્સનો બાઇક ક્રેઝ મા-બાપને ચેન લેવા દેતો નથી.

}}}

હમણાંની જ વાત છે. એક ભાઇનો દીકરો કોલેજમાં આવ્યો. પપ્પા પાસે પહેલેથી જીદ કરી હતી કે કોલેજમાં આવું એટલે બાઇક લઇ આપવાની. દીકરાને બાઇક લઇ દેવાના મામલે આ ભાઇ ટેન્શનમાં છે. એ દીકરાને રિક્વેસ્ટ કરે છે કે તને કાર લઇ આપું પણ બાઇકની જીદ રહેવા દે. તું ઘરે પાછો ન આવે ત્યાં સુધી અમને ચેન પડતું નથી. છોકરાઓ ક્રેઝી છે. છોકરીઓ પણ કંઇ કમ નથી. વ્હાય બોયઝ હેવ ઓલ ધ ફન એવો સવાલ કરીએ પણ ધમધમાટ ટુ-વ્હીલર ચલાવે છે. યંગસ્ટર્સ આવું કરવાના જ છે. આખરે યંગ બ્લડ છે, તેને સ્પીડિંગથી રોમાંચ થાય છે. હાર્લી કે બીજી કોઇ મસ્ત બાઇક જુએ તો લક્ઝરી કારમાં બેઠેલાં યંગ છોકરા-છોકરીને રોમાંચ થઇ આવે છે. એકવાર તો એવો વિચાર આવે જ કે આવું બાઇક હોય તો વટ પડી જાય. મા-બાપને પોષાતું હોય તો પણ એમ થાય છે કે, આ બાઇકની જીદ ન લે તો સારું!


ઘણાં મા-બાપ આશ્વાસન લેવા માટે એવી વાત કરે છે કે, છોકરાંવ જીદ કરે તો શું થાય? એને કંઇ બાંધી થોડા રખાય છે? એની ઉંમરના બીજા છોકરાંવ બાઇક પર અને છોકરીઓ ટુ-વ્હીલર પર આવતાં હોય તો એનેય મન તો થાય ને! આપણે પણ ક્યાં આપણા જમાનામાં બિન્ધાસ્ત ટુ-વ્હીલર નથી ચલાવ્યાં? આમ તો પોતે શું કર્યું હતું અને કેવી બેદરકારીથી ‘રાઇડ’ કરતાં હતાં એ દરેક મા-બાપને ખબર હોય છે, મોટા થયા પછી ભાન આવે છે. એને એ પણ ખબર હોવાની જ કે આપણાં સંતાનો પણ આપણે કર્યું છે એવું જ કરવાનાં છે. એટલે જ એને ટેન્શન થાય છે. સંભાળીને ચલાવજે, હેલમેટ પહેરજે, બહુ સ્પડી ન લેતો, ફ્રેન્ડ્સ સાથે રેસ ન લગાવતો, બે-પાંચ મિનિટ મોડું થશે તો કંઇ ખાટું-મોળું નહીં થઇ જાય! મા-બાપ આવી સલાહ આપે છે જેને છોકરાંવ ટક-ટક કરતા હોય એવું માને છે!


ધ લેડી ઓફ હાર્લી તરીકે આખા દેશમાં ખ્યાતિ મેળવનાર બાઇકર વિનુ પાલીવાલનું હમણાં રોડ એક્સિડન્ટમાં મોત થયું. બે છોકરાની મા એવી 44 વર્ષની વિનુને બાઇક રાઇડિંગનો ગાંડો ક્રેઝ હતો. વિનુના પતિને બાઇકિંગ ગમતું ન હતું. અે મુદ્દે બંનેને ઝઘડા થતા. વિનુએ છેવટે પતિને છોડી દીધો પણ બાઇક રાઇડિંગ ન મૂક્યું. તે કોલર ઊંચો કરીને કહેતી કે હું 180ની સ્પીડે રમરમાટ બાઇક ચલાવું છું! કમનસીબે કોઇએ એને ન કહ્યું કે, બેનબા, આટલી સ્પીડે બાઇક ન ચલાવાય. આપણા રસ્તા જોયા છે? ક્યારે ઢોર વચ્ચે આવી જાય અને ક્યારે ખાડો આવી જાય તેનું નક્કી નહીં! વિનુને અકસ્માત થયો ત્યારે એ 120ની સ્પીડે બાઇક ચલાવતી હતી!


એવું જરાયે નથી કે વિનુ પાલીવાલે કોઇ તકેદારી રાખી ન હતી. વિનુએ હેલમેટ પહેરી હતી એટલું જ નહીં એ વાયરલેસ સેટથી તેના સાથી બાઇકર્સ સાથે લાઇવ સંપર્કમાં જ હતી. વિનુ અને બીજા બાઇકર્સ કન્ટ્રી ટૂર પર નીકળ્યા હતા. લખનઉથી ભોપાલ તરફ બધા જઇ રહ્યા હતા ત્યારે વિદિશા જિલ્લામાં ગ્યાસપુર નજીક એક વળાંકમાં વિનુનું બાઇક ગોથાં ખાઇ ગયું. દવાખાને પહોંચાડાઇ એ પહેલાં જ તેનું મોત થઇ ગયું હતું. બાઇક સરસ હોય, સાવચેતીનાં તમામ પગલાં લીધાં હોય તો પણ એવું જરૂરી નથી કે તમે તમારી જાતને સેઇફ માની લો. આપણા દેશમાં તો તમે રોડ પર નીકળ્યા એટલે તમારો જિંદગી સાથેનો જંગ શરૂ થઇ જાય છે.


આખી દુનિયામાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ જીવ ગુમાવવામાં આપણો દેશ મોખરે છે! આખી દુનિયામાં યુદ્ધ અને આતંકવાદથી જેટલા લોકો નથી મરતા તેના કરતાં વધુ લોકો આપણા દેશમાં રોડ એક્સિડન્ટમાં મરે છે. આપણા દેશમાં જો કોઇ કિલર નંબર વન હોય તો એ રોડ છે. વિચિત્ર વાત તો એ છે કે, આપણે ત્યાં ટેરરિસ્ટ એટેક થાય અને દસ-પંદર લોકો મરી જાય તો આખા દેશમાં અરેરાટી મચી જાય છે અને વાહન અકસ્માતમાં વીસ-પચ્ચીસ લોકોનાં મોત થાય તો એ રૂટિન ઘટના માની લેવાય છે! વિદેશમાં નાનો સરખો અકસ્માત થાય તો પણ તેનાં કારણો શોધાય છે અને જો કોઇ ભૂલ રહી ગઇ હોય તો એ સુધારી લેવાય છે. આપણે અકસ્માતમાંથી ક્યારેય કોઇ બોધપાઠ લેતા નથી.


આપણા દેશમાં દર વર્ષે સવાથી દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને તેનાથી ચાર ગણા લોકો ઘાયલ થાય છે. વર્ષ 2010માં કુલ 1,30,000 લોકોનાં અકસ્માતમાં મોત થયાં હતાં. 2013માં આ આંકડો 1,37,000નો થયો હતો. 2014માં 1,39,671 લોકોને રોડ ભરખી ગયો હતો. ગણતરી માંડીએ તો એવું બહાર આવે છે કે આપણા દેશમાં દરરોજ 382 લોકોનાં મોત રોડ એક્સિડન્ટમાં થાય છે. મતલબ કે દર કલાકે 16નાં મોત અને દર ચાર મિનિટે એક વ્યક્તિનું મોત! આપણા દેશમાં દર મિનિટે એક અકસ્માત થાય છે. દેશમાં થતા અકસ્માતમાં 25 થી 30 ટકાથી વધુ એક્સિડેન્ટ ટુ-વ્હીલરના થાય છે. બાઇક એક્સિડન્ટમાં સૌથી વધુ યંગસ્ટર્સની જિંદગીનો અંત આવે છે


આપણને એમ થાય કે આપણો દેશ બહુ વિશાળ છે અને આપણા દેશની વસતી વિશ્વમાં બીજા નંબરે છે એટલે બીજા દેશો કરતાં આપણે ત્યાં અકસ્માતની સંખ્યા વધુ જ હોવાની ને! જો તમને એવો વિચાર આવતો હોય તો જાણી લેજો કે ચીનની વસ્તી વિશ્વમાં સૌથી વધુ છે અને ત્યાં અકસ્માતમાં મરનારા લોકોની સંખ્યા આપણા દેશ કરતાં અડધી છે. આપણા દેશમાં વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. એની સાથોસાથ અકસ્માત પણ વધી રહ્યા છે.


કારમાં હવે સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં ઊગરી જવાના ચાન્સીસ કારમાં વધતા જાય છે. લક્ઝરી કારમાં તો ચારે તરફથી બેગ ખૂલી જાય છે. માથામાં ન વાગે તેની પણ તકેદારી લેવામાં આવે છે. કારને માર્કેટમાં મૂકતા પહેલાં સેફ્ટી પરીક્ષણમાંથી પસાર થવું પડે છે. તેની સામે બાઇકમાં કોઇ નોંધપાત્ર સેફ્ટી મેજર્સ જોવા મળતા નથી. બાઇક મેન્યુફેક્ચરિંગ કંપનીઝ દાવાઓ કરે છે પણ એ દાવાઓમાં બહુ દમ નથી.


યંગસ્ટર્સને કેમ સમજાવવા એ દરેક માટે મોટો સવાલ છે. બાઇક હાથમાં આવતાં જ તેના પર ઝનૂન સવાર થાય છે. એજ એવી છે કે તેને જોમ ચડે જ. આ જોમ ઘણીવાર જોખમી સાબિત થાય છે. આપણે ત્યાં સિગારેટ અને બીજી કેટલીક પ્રોડક્ટ ઉપર લખેલંુ હોય છે કે, આનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી છે. રોડ ઉપર બોર્ડ માર્યાં હોય છે કે સ્પીડ થ્રિલ્સ બટ કિલ્સ. ખરેખર કેટલા લોકો એની દરકાર કરતા હોય છે? મા-બાપના ભાગે ચિંતા સિવાય કંઇ હાથ લાગતું હોતું નથી. ઘણા વડીલો પોતાનાં સંતાનોને એટલે જ એવું કહેતા હોય છે કે, અમારા જેવડા થશો અને તમારા ઘરે જ્યારે છોકરાંવ થશે ત્યારે તમને ખબર પડશે કે મા-બાપ અને તેની ચિંત શું છે! કરુણતા એ છે કે ઘણા ક્રેઝી યંગસ્ટર્સ એ મુકામ સુધી પહોંચી જ નથી શકતા અને તે પહેલાં જ સદાને માટે ચાલ્યા જાય છે! યંગસ્ટર્સને દરેક તબક્કે, દરેક સ્થળે અને દરેક સમયે કહેતા રહેવાની જરૂર છે કે, બી કેરફુલ! તમારી જિંદગી બીજા માટે બહુ જ કીમતી છે. બાઇક રાઇડ એન્જોય કરો પણ સ્પીડનો રોમાંચ જીવલેણ સાબિત ન થાય તેની તકેદારી રાખો! ઘરે કોઇ તમારી રાહ જોતું હોય છે.
("દિવ્ય ભાસ્કર', "રસરંગ" પૂર્તિ, તા. 24 એપ્રિલ 2016, રવિવાર, "દૂરબીન' કોલમ)
Email : kkantu@gmail.com