હકથી વધારે લેશ અમારે ન જોઈએ, હક થાય છે તે આપો, વધારે ન જોઈએ,
મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ, તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.
- કુતુબ આઝાદ
જેઓને એ ખબર નથી કે તેઓ ક્યાં જઈ રહ્યાં છે એ સરવાળે ક્યાંય પહોંચતા નથી. મંઝિલ વગરની સફર અને ધ્યેય વગરની જિંદગીનો કોઈ જ મતલબ નથી. આપણે જ્યાં જવું હોય છે ત્યાંની ટ્રેનમાં જ આપણે બેસતા હોઈએ છીએ. સફર કરનાર દરેકને ક્યાંક પહોંચવું હોય છે. તમારી જિંદગીની સફર કઈ તરફની છે? જીવનની આ સફરમાં તમારે ક્યાં પહોંચવું છે?
તમે ક્યાંય પહોંચવાનું નક્કી કરો કે ન કરો, જિંદગી ચાલતી રહેવાની છે. ઘડિયાળ અટકતી નથી. જિંદગીનો સ્વભાવ જ સતત ચાલતા રહેવાનો છે. ઘણા લોકોની જિંદગી તો ચાલતી હોય છે, પણ એ પોતે ક્યાંક અટકી ગયા હોય છે. જિંદગીની સફરમાં માઈલ સ્ટોન્સ હોતા નથી, એ આપણે બનાવવા પડે છે. મારે આ કરવું છે, મારે કંઈક બનવું છે. મારે મારી જિંદગી વેડફવી નથી, એવું તમને થાય છે? તો સપનાંઓ જોવાનું ચાલુ રાખો. કોઈ આશા, તમન્ના અને ઇરાદાને તમારામાં જીવતાં રાખો. કોઈ ધગધગતી ખ્વાહિશ તમારામાં જીવતી હોવી જોઈએ.
એક માણસ હતો. તેને વારસામાં અઢળક સંપત્તિ મળી હતી. સાત પેઢી બેઠા બેઠા ખાતી રહે તો પણ કંઈ ખૂટે નહીં એટલી મિલકત હતી. તેને થયું કે મારે શા માટે કંઈ કરવું જોઈએ? આ બધું કોના માટે છે? તે રખડતો, ભટકતો અને મોજ કરતો. એક દિવસ તેને એક સાધુ મળ્યા. સાધુને તેણે ઓળખ આપી કે પોતે એક ધનાઢય પરિવારમાંથી આવે છે. સાધુએ સવાલ કર્યો, એ બધું તો બરાબર છે, પણ તું કોણ છે? તારી પોતાની ઓળખ શું છે? તારી જિંદગીની મકસદ શું છે? તું બસ માત્ર જિંદગી પૂરી કરવા આવ્યો છે?સાધુએ કહ્યું કે માણસનું નામ એના કામથી નક્કી થાય છે. તારા બાપ-દાદાને લોકો સન્માનથી જુએ છે, કારણ કે એ લોકોએ મહેનત કરી હતી. તેં વિચાર્યું છે કે તને લોકો કેવી રીતે ઓળખે છે? દીવા પાછળ અંધારું એમ કોઈ કહે એ તને ગમે છે? જિંદગી ફક્ત ખાવાપીવા અને મોજમજા કરવા માટે નથી. તારી પોતાની ઓળખ બનાવ તો જ તને જિંદગીનો સાચો મતલબ સમજાશે.
જે નાનકડા સપના માટે પણ જીવે છે એ મહાન છે. એક સાવ સામાન્ય અને ગરીબ માણસ હતો. એ ખૂબ મહેનતુ હતો. તેનું એક જ સપનું હતું કે મારું પોતાનું એક ઘર હોય. વર્ષોની મહેનત પછી તે એક નાનકડું ઘર બનાવી શક્યો. એ ખૂબ ખુશ હતો. લગ્ન કર્યાં. દીકરો થયો. દીકરો ભણવામાં હોશિયાર હતો. એક દિવસ પિતાએ દીકરાને પૂછયું કે તારે જિંદગીમાં શું બનવું છે? દીકરાએ કહ્યું કે મારે તો મોટું એમ્પાયર ખડું કરવું છે. દીકરાની વાત સાંભળીને પિતાને થયું કે હું તો માત્ર એક ઘર જ બનાવી શક્યો. પિતાએ દીકરાને કહ્યું કે બેટા, હું તો મારી જિંદગીમાં એક નાનકડું ઘર જ બનાવી શક્યો છું. આ વાત સાંભળીને દીકરાએ કહ્યું કે ના પિતાજી, તમે એક નાનકડું ઘર નથી બનાવ્યું, પણ તમે મારી જિંદગી બનાવી છે. તમે તો મને એ સમજાવ્યું છે કે તમારામાં કંઈક બનવાની ધગશને જીવતી રાખો. તમે જો આ ઘર બનાવી શક્યા ન હોત તો કદાચ હું એમ્પાયર ખડું કરવાનું સપનું જ જોઈ શક્યો ન હોત. તમે હતાશ થઈને બેઠા રહ્યા હોત તો કદાચ હું પણ અત્યારે કોઈ દિશા વગર ચુપચાપ બેઠો હોત. તમે તો મારા માટે પાયો બનાવ્યો છે. હું તેના પર ઇમારત બનાવીશ. તમે જો પાયો ન બનાવ્યો હોત તો ઇમારત કદાચ ક્યારેય બનત જ નહીં. હું કદાચ એમ્પાયર ઊભું કરી દઈશ તો પણ તમારા જેટલો મહાન નહીં બની શકું.
સપનું નાનું છે કે મોટું એ મહત્ત્વનું નથી, જીવવા માટે કોઈ સપનું હોય એ જ પૂરતું છે. તમારી પાસે તમારું કોઈ સપનું છે? હા, દરેક પાસે પોતાનું એક સપનું હોય છે. માત્ર સપનું હોય એ પણ પૂરતું નથી. એ સપનું સાકાર કરવાની ચીવટ પણ હોવી જોઈએ. ઘણા લોકોનાં સપનાં માત્ર સપનાં જ રહી જાય છે.
એક માછીમાર હતો. તેનો દીકરો તેને હંમેશાં એવું કહેતો કે હું મોટો થઈશ એટલે તમારા કરતાં પણ વધુ માછલીઓ પકડી લાવીશ. પિતા ખુશ થતા, પણ દીકરો માત્ર વાતો જ કરતો. કાંઈ કામ ન કરે. એક દિવસ માછીમાર તેને પોતાની સાથે લઈ ગયો. હોડકામાં બેસાડીને કહ્યું કે ચાલ માછલી પકડ. હોડકું હજુ કિનારે જ હતું. દીકરો સમજ્યો નહીં કે પિતા કિનારે બેસીને માછલી પકડવાનું શા માટે કહે છે? અંતે પિતાએ દીકરા સામે હલેસું ધરીને કહ્યું કે, ચાલ હવે હલેસાં મારીને હોડકાને મધદરિયે લઈ જા. પછી કહ્યું કે બેટા,જિંદગીમાં કંઈક કરવા માટે હલેસાં મારવાં પડે છે. હોડકાને આગળ લઈ જવું પડે છે. માછલીઓ સામે ચાલીને જાળમાં આવતી નથી, મધદરિયે જઈને જાળ બિછાવવી પડે છે. આ પછી દીકરાને સમજાયું કે પિતાના કહેવાનો મતલબ શું હતો?
ઘણાં લોકો એવા હોય છે જેને એવું લાગે છે કે એ જિંદગીમાં કંઈ કરી ન શક્યા. આખી જિંદગી વેડફાઈ ગઈ. ઘણી વખત આવા ઉદ્ગારો માત્ર એક અફસોસ હોય છે. દરેક માણસ અબજોપતિ કે કરોડોપતિ કદાચ ન બની શકે, પણ તેનો મતલબ એ નથી કે તેઓ કંઈ કરી ન શક્યા. તમે તમારી જિંદગી વાજબી રીતે, પૂરી મહેનત કરીને અને પ્રામાણિકતાથી જીવ્યા હોય તો એ પૂરતું છે. આપણી કમનસીબી એ છે કે આપણે જિંદગીની કિંમત આખી જિંદગીમાં કેટલું કમાયા તેના ઉપરથી જ આંકીએ છીએ.
યાદ રાખો, બધા જ ધનવાનો મહાન નથી અને બધા જ મહાન લોકો ધનવાન પણ નથી. તમે તમારી જિંદગીને કેવી રીતે જીવો છો એ જ પૂરતું છે. એક શિક્ષક હતા. એ જે ગામમાંથી આવતા હતા એ ગામમાં શાળા ન હતી. ગામનાં બાળકો ભણી શકતાં ન હતાં. તેમનું એક સપનું હતું કે મારા ગામમાં શાળા બનાવીશ. મહેનત કરીને તેમણે શાળા બનાવી, ગામનાં બાળકો ભણવા લાગ્યાં. એક બાળકે એક દિવસ તેમને કહ્યું કે તમે ન હોત તો અમે કદાચ અભણ જ રહી જાત. શિક્ષકે કહ્યું કે આજે મારી જિંદગી સફળ થઈ ગઈ. નાનાં નાનાં સપનાંમાંથી જ કોઈ વિરાટ સપનાનો જન્મ થાય છે. આપણી જિંદગી કોઈ માટે માત્ર નિમિત્ત બને તો પણ તેની કિંમત ઓછી કે નીચી ન આંકવી.
તમારી જિંદગીનું મૂલ્ય સમજો. તમે જે કરો છો એ જ કામ ઉત્કૃષ્ટ રીતે કરો તો એ મહાનતાની જ નિશાની છે. આપણા કામ પ્રત્યેની આપણી દાનત અને આપણી જિંદગી વિશેનો આપણો વિચાર એ જ આપણા માટે મહત્ત્વનો હોય છે. તમે તમારી જવાબદારીઓ પૂરતી પ્રામાણિકતાથી બજાવતા હોવ તો એ કંઈ નાનીસૂની વાત નથી. તમારા કામનું મૂલ્ય ઓછું ન આંકો.
હા, સપનાં જોવાનું ન છોડો. એક મંઝિલ નક્કી કરો અને એ મુકામે પહોંચવા સફર જારી રાખો. દરેક જિંદગી કંઈક મેસેજ આપી જાય છે. તમે આખી દુનિયા કે આખા દેશ માટે કદાચ મહાન ન બની શકો તો કાંઈ નહીં. થોડાક લોકો, તમારા પરિવાર કે એટલિસ્ટ એક વ્યક્તિ માટે પણ જો તમે મહાન બની શકો તો સમજજો કે તમારી જિંદગી સાર્થક છે.
દરેક માણસ અબજોપતિ કે કરોડોપતિ કદાચ ન બની શકે, પણ તેનો મતલબ એ નથી કે તેઓ કંઈ કરી ન શક્યા. તમે તમારી જિંદગી વાજબી રીતે, પૂરી મહેનત કરીને અને પ્રામાણિકતાથી જીવ્યા હોય તો એ પૂરતું છે
તમે હારી જાવ એની મને ચિંતા નથી, પણ હારીને બેસી જાવ તેની મને ચિંતા છે.
-અબ્રાહમ લિંકન
kkantu@gmail.com