સત્ય
અટપટી ચીજ છે. સત્ય સરળ નથી. સત્ય સહેલું પણ નથી. સત્ય સીધુંસાદું હોત તો
કોઇ માણસ અસત્યનો સહારો ન લેત. સત્ય માણસને કસોટીના એરણે ચડાવે છે. સત્યની
કિંમત ચૂકવવી પડે છે. સત્યનો સામનો કરવો પડે છે. સત્ય શીખવવું પડે છે.
અસત્ય આવડી જાય છે. બાળક નાનું હોય ત્યારે તેને કહેવું પડે છે કે સાચું
બોલવું જોઇએ. સત્યનો મહિમા હોય છે. અસત્યનો આઘાત હોય છે.
દરેકનું પોતાનું એક સત્ય હોય છે. એક સત્ય સાર્વત્રિક હોય છે. બધાનાં
સત્યો સામસામે આવી જાય ત્યારે સંઘર્ષની સ્થિતિ સર્જાય છે. આપણે ઘણી વખત
એવું બોલીએ છીએ કે તું તારી જગ્યાએ સાચો કે સાચી છે અને હું મારી જગ્યાએ
સાચો છું. એવંુ બને પણ ખરું કે બંને સાચા હોય. આવા સમયે જો સમાધાન ન સધાય
તો ક્યારેક એકે અને ક્યારેક બંનેએ સંઘર્ષનો સામનો કરવો પડે છે. ક્યારેક કોઇ
વિવાદ કે સમસ્યા સર્જાય ત્યારે માણસ વ્યક્તિને સાથ આપે છે. કેટલા લોકો
સત્યને સાથ આપતા હોય છે? નજીકની વ્યક્તિ ખોટી હોય ત્યારે પણ આપણે તેની સાથે
જ રહેતા હોઇએ છીએ.
બે મિત્રો હતા. એક મિત્રને તેના પરિવારમાં ઝઘડો થયો. પરિવારના લોકોએ કહ્યું
કે તું તારા મિત્રને સમજાવ કે એ સાચો નથી. મિત્રને વાત કરી ત્યારે તેણે
સીધો જ સવાલ કર્યો કે પહેલા તું એ નક્કી કરી લે કે તું કોની સાથે છે? મારી
સાથે કે મારા ઘરના લોકો સાથે? મિત્રએ કહ્યું કે એક માણસ તરીકે મારે રહેવું
તો જોઇએ સત્યની સાથે પણ તું મારો મિત્ર છે. તારા પ્રત્યે મને લાગણી છે. હું
તારી સાથે જ છું. તારા પક્ષે જ છું પણ એટલું તો કહીશ જ કે તું સાચો નથી.
માનવું ન માનવું એ તારી મરજીની વાત છે. મિત્ર તરીકે સાચું કહેવું એ મારી
ફરજ પણ છે અને અધિકાર પણ છે. આવી નિખાલસતા પણ કેટલા લોકોમાં હોય છે? હામાં
હા પુરાવવી સહેલી છે. હા પુરાવવી પડે તેમ હોય ત્યારે પણ ના તરફ ધ્યાન
દોરવું એ નાનીસૂની વાત નથી.
પ્રેમનું એક સત્ય હોય છે. દાંપત્યજીવનનું પણ એક સત્ય હોય છે. દોસ્તીનું પણ
એક સત્ય હોય છે અને દુશ્મનીનું પણ એક સત્ય હોય જ છે! સત્ય વગર કોઇ સંબંધ
શક્ય નથી. એ વાત જુદી છે કે સંબંધ ટકાવવા આપણે ઘણી વખતે અસત્યનો સહારો લઇ
લેતા હોઇએ છીએ. કેટલા પતિ-પત્નીઓ એકબીજા સાથે સંપૂર્ણ સત્ય બોલતા હોય છે?
પતિ-પત્ની જેટલા સત્યની નજીક હોય એટલો સુમેળ એની જિંદગીમાં જળવાઇ રહે છે.
અસત્ય શંકાને જન્મ આપે છે. શંકા એક વખત ઘૂસી જાય પછી સત્ય સામે પણ સવાલો
ઊઠવા લાગે છે. આપણે એવું કહેવું પડે છે કે તને કેવી રીતે ખાતરી આપવી કે હું
સાચું બોલું છું. હનુમાનજી હોત તો છાતી ચીરીને બતાવી દેત એવું પણ આપણે
બોલતા હોઇએ છીએ.
માણસ બીજા કોઇની સાથે અસત્ય બોલે એ તો હજુ સમજી શકાય તેવું હોય છે.
ઘણા લોકો તો પોતાની જાત સાથે પણ ખોટું બોલતા હોય છે. ના હું સાચો છું. હું
જે કહું છું એ વાજબી જ છે. એક યુવાનની વાત છે. એ ખોટા રસ્તે હતો. બધા જ
તેને સમજાવતા હતા કે તું જે કરે છે એ સારું અને સાચું નથી. એ કોઇનું માનતો ન
હતો. તેની પ્રેમિકાએ તેને એકવખત કહ્યું કે મારા સહિત બધા જ જે કહે છે એ
બધું ખોટું છે અને તું કહે એ જ સાચું? સાચી વાત તો એ છે કે તું તારી જાત
સાથે જ ખોટું બોલી રહ્યો છે. આખી દુનિયા સામે ખોટું બોલે તેનો વાંધો નથી.
કમસે કમ તારી જાત સાથે તો ખોટું ન બોલ!
આપણે આપણી જાત સાથે સાચું બોલીએ છીએ? ના. ઘણીવખત આપણે આપણી જાત સાથે
પણ સારું લાગતું હોય એવું જ બોલીએ છીએ. જાત સાથેનો સંવાદ સાત્ત્વિક હોવો
જોઇએ. આપણે ખોટું કરતા હોઇએ તો પણ આપણને એટલી તો ખબર હોવી જ જોઇએ કે હું
ખોટું કરું છું. ખોટું હોય અને આપણે તેને સાચું ઠરાવવા પ્રયાસ કરતા હોઇએ
ત્યારે આપણે આપણી જાતને જ છેતરતા હોઇએ છીએ. આપણે ઘણીવખત એવું સ્વીકારીએ પણ
છીએ કે મેં ખોટું કર્યું. મારાથી ખોટું થઇ ગયું. મોટાભાગે આ સ્વીકાર પણ
જ્યારે પરિણામ આવી જાય પછી જ થતો હોય છે. એ સમયે આપણી પાસે સ્વીકાર કર્યા
સિવાય બીજો કોઇ રસ્તો પણ હોતો નથી. ખોટું કરવાનું ચાલતું હોય છે ત્યારે તો
આપણે તેને સાચું જ માનતા હોઇએ છીએ.
સત્યને સમજવાની અને સ્વીકારવાની તટસ્થા દરેક લોકો પાસે નથી હોતી. આપણે
સત્ય સ્વીકારીએ છીએ પણ જ્યારે એ સત્ય આપણી તરફેણમાં કે ફાયદામાં હોય. સત્ય
હોય પણ એ આપણા ગેરફાયદામાં હોય ત્યારે એ સત્ય સ્વીકારવાની હિંમત બધામાં
હોતી નથી. માણસ સ્વકેન્દ્રી છે. સત્ય હોય, અસત્ય હોય કે બીજું કંઇપણ હોય એ
બધી જ વસ્તુ હંમેશાં પોતાના એન્ગલથી જ જોતા હોય છે. હાર આપણને ગમતી નથી.
હાર તો ઠીક છે પણ થોડાક પાછળ રહેવું પણ આપણને ગમતું નથી. બીજા નંબરે
આવેલાને ઓલવેઝ પહેલા નંબરવાળાની ઇર્ષા થતી હોય છે એ સત્ય સ્વીકારી જ નથી
શકતો કે એ મારાથી હોશિયાર છે અથવા તો તેણે મારાથી વધુ મહેનત કરી હતી.
સ્પોર્ટસમેન સ્પીરિટની વાત કરવી સહેલી હોય છે પણ આ સ્પીરિટને જીવવો અને
જીરવવો આપણે ધારીએ એટલો સહેલો નથી હોતો. સ્પોર્ટસમેન પણ ગ્રાઉન્ડ પર બેટ કે
રેકેટ પછાડતા રહે છે, પછી ભલે હાથ મિલાવે કે ગળે મળે પણ એક સમયે તો સત્ય
સ્વીકારવામાં તેને તકલીફ પડી જ હોય છે.
સત્ય સનાતન છે. સત્ય સર્વસામાન્ય છે. સત્ય સાથે સોએ સો ટકા રહેવું
શક્ય છે કે કેમ એ સવાલ છે. હા, માણસે સત્યની જેટલી નજીક રહેવાય એટલું
રહેવું જોઇએ. સત્યથી નજીક રહેવાનો બીજો રસ્તો એ છે કે અસત્યથી દૂર રહેવું.
આપણે અસત્ય તરફ ક્યારે સરકી જઇએ છીએ તેનો અંદાજ ઘણીવખત આપણને હોતો નથી.
અસત્ય એવું લોભામણું હોય છે કે જો એને પહેલેથી દૂર ન રાખીએ તો એ આપણને ગમતા
લાગે છે. અસત્યથી દૂર રહીએ તો સત્ય તો આપણી સાથે અને આપણી નજીક જ હોય છે.
સત્યને આપણામાં સજીવન રાખવાની પહેલી શરત એ છે કે આપણે આપણી જાત સાથે જ
ખોટું ન બોલએ. જાત સાથે વાત કરતી વખતે આપણે આ સત્ય સામે સાવધાન હોઇએ છીએ
ખરાં?
છેલ્લો સીન:
માણસ તો જ સુખી અને સફળ થઇ શકે જો એ પોતાની જાત સાથે માનસિક રીતે વફાદાર હોય. -ટીમસ પેઇલ
('દિવ્ય ભાસ્કર', કળશ પૂર્તિ, તા. 07 ઓકટોબર 2015, બુધવાર. 'ચિંતનની પળે' કોલમ)
email : kkantu@gmail.com