તારો ચહેરો નથી કહેતો કે તું ખુશ છે!
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
શીખ રહા હૂં અબ મૈં, ઇન્સાનોં કો પઢને કા હુનર,
સુના હૈ ચેહરે પે, કિતાબોં સે જ્યાદા લિખા હોતા હૈ.
-અમિતાભ બચ્ચન.
ચહેરો ચુગલીખોર હોય છે. ચહેરો આપણા મૂડની ચાડી ફૂંકી દેતો હોય છે. દિલમાં જે ચાલતું હોય એનું દૃશ્ય ચહેરા ઉપર ઊભરી આવે
છે. મન મૂંઝાયેલું હોય ત્યારે મોઢું પડી જાય છે. શરમના શેરડા પણ ચહેરા પર જ ફૂટતા હોય છે. ગુસ્સો ચહેરાને લાલઘૂમ કરી દે છે. ચહેરો વિચારોને ઝીલે છે. ખુશી ચહેરા પર છલકે છે. ઉદાસી ચહેરાને ચીમળાવી નાખે છે. પોતાના લોકોને ચહેરાની પરખ હોય છે. પ્રેમ સૌથી પહેલાં ચહેરા ઉપરથી વ્યક્ત થતો હોય છે.
આઈ લવ યુ ભલે મોડું કહેવાતું હોય, પણ પ્રેમ તો બહુ અગાઉથી ચહેરા પર વર્તાઈ આવતો હોય છે. એક યુવાને તેના મિત્રને કહ્યું કે, હું એક છોકરીના પ્રેમમાં છું. મિત્રએ સવાલ કર્યો કે, એને તારા ઉપર પ્રેમ છે? યુવાને કહ્યું કે હા, લાગે છે તો એવું જ. મિત્રએ ફરી સવાલ કર્યો કે તું એવું કઈ રીતે કહે છે? તેં પ્રપોઝ કર્યું અને તેણે હા પાડી? યુવાને કહ્યું કે, ના, હજુ વાત એટલી આગળ નથી વધી, પણ તેના ચહેરા ઉપરથી મને લાગે છે કે
એ પણ મને પ્રેમ કરે છે. હું તેની પાસે જાઉં ત્યારે એના ચહેરા
ઉપર ચમક આવી જાય છે. તેની સાથે આંખ મિલાવું ત્યારે એ શરમાઈ
જાય છે. વાત કરતો હોઉં ત્યારે એની નજર ઝૂકી જાય છે. ફૂલ ઊઘડતું હોય એમ ધીમે ધીમે તેના ચહેરા ઉપર એક ગજબની
તાજગી છવાતી જાય છે. હું બીજે ક્યાંક જોતો હોઉં ત્યારે
એ મને એક્ટસે જોયા રાખે છે, જેવો એની તરફ જોઉં કે જાણે પકડાઈ ગઈ
હોય એમ એ ફટ દઈને મોઢું ફેરવી લે છે. હું જતો હોઉં ત્યારે પૂછે છે કે ઉતાવળ છે?
પ્રેમમાં હોય કે પ્રેમલગ્ન કર્યાં
હોય તેને પૂછીએ ત્યારે એવું જ સાંભળવા મળે કે મને તો ખબર પડી જ ગઈ હતી કે એને હું ગમું
છું, પણ એનામાં બોલવાની હિંમત ક્યાં હતી! પ્રપોઝ કરવા માટે દરેક વખતે બોલવું નથી પડતું, ચહેરો જ બધું કામ કરી દેતો હોય છે. ચહેરાની એક ભાષા હોય છે. એ ભાષા સમજવા માટે શબ્દોની જરૂર પડતી નથી. તમારી પાસે એવી વ્યક્તિ છે જેને તમારા ચહેરાની ભાષા વાંચતા આવડે છે. જો હોય તો એને સાચવી રાખજો. ચહેરાની ભાષા એ જ વાંચી શકે છે જેને તમારો મૂડ સ્પર્શે છે, જેને તમારા ચહેરા પર ખુશી જોઈ આનંદ થાય છે. તમારી ઉદાસી જેના દિલને ચેન લેવા દેતી નથી. બધાને ચહેરાની પરવા હોતી નથી. બધાને એનાથી કોઈ ફરક પણ પડતો નથી. પોતાના લોકોને જ આ ભાષાથી સાચો ફરક પડતો હોય છે.
આપણાથી પણ ઘણી વખત કોઈના ચહેરાની ભાષા
ઉકેલાતી હોય છે. આપણે પૂછીએ છીએ, આર યુ ઓકે? સામેથી જવાબ મળે છે કે યસ આઈ એમ ફાઇન. એક ફોર્માલિટી પૂરી થાય છે. આપણે મનમાં એમ પણ કહીએ છીએ કે, મને શું ફેર પડે છે? આપણને તો આપણા કામથી મતલબ છે. સામા પક્ષે બધા પાસે વ્યક્ત થવાનું પણ આપણને ક્યાં ગમતું
હોય છે? હમદર્દી પણ આપણને બધા પાસેથી નથી જોઈતી હોતી. અમુક લોકોની હમદર્દી જ આપણને ગમતી હોય છે. મારે એ નથી જોઈતું કે દુનિયા મારી ચિંતા કરે, મારા માટે તો એ મહત્ત્વનું છે કે તને મારી ફિકર હોય. નિદા ફાઝલીની એક ગઝલ છે, તેરે જહાં મેં ઐસા નહીં કે પ્યાર ન હો, જહાં ઉમ્મીદ હો ઉસકી વહાં નહીં મિલતા, એ જ તો પીડા હોય છે. આપણી વ્યક્તિ નારાજ હોય અને આખી દુનિયા
રાજી હોય તો પણ શું? એક ચહેરો જે આપણો હોય છે એ જ આપણા
માટે સર્વસ્વ હોય છે.
દીકરી સાસરેથી આવે ત્યારે માતા-પિતા તેના ચહેરાની કિતાબનાં પાનાં વાંચતાં હોય છે. મારી દીકરી મજામાં તો છેને? ઉદાસ દીકરીને એક વખત પિતાએ પૂછ્યું, ‘શું વાત છે? મજામાં નથી લાગતી! દીકરીએ સાસરાના અમુક પ્રોબ્લેમ્સની વાત કરી. પિતાએ કહ્યું કે, તેં આ વાતો અત્યાર સુધી અમને કેમ ન કરી? દીકરીએ કહ્યું કે, મારે તમને દુ:ખી નહોતા કરવા. પિતાએ કહ્યું, તું એમ માને છે કે તેં ન કહ્યું હોત
તો અમને ખબર ન પડત? બચપણથી તારો ચહેરો વાંચવાની આદત છે. ચહેરાના ભાવનો એક પ્રભાવ હોય છે, એ અભાવ પણ છતો કરી દે છે.’
કેટલા લોકોના ચહેરા ખરેખર એ જેવા હોય
છે એવા જ હોય છે? આપણને હવે ચહેરો છુપાવવાની ફાવટ આવી
ગઈ છે. આપણે કોઈને વરતાવા દેવા ઇચ્છતા નથી કે આપણા મનમાં શું
ચાલી રહ્યું છે. આમ છતાં પોતાના લોકો આપણને પકડી પાડતા હોય છે. કોસ્મેટિક્સથી ચહેરા પરના દાગ છુપાવી શકાય છે, પણ દિલ પર પડેલા ઉઝરડાને નહીં. બે મિત્રોની આ વાત છે. એક મિત્ર અચાનક જ પોતે ખૂબ ખુશ અને મજામાં હોવાની વાતો કરવા લાગ્યો. વાતવાતમાં એવો પ્રયાસ કરે જાણે તેને કોઈ ગમ કે ચિંતા
જ નથી. એક વખત જુદા પડતી વખતે તેના મિત્રએ પૂછ્યું કે શું વાત
છે? આજકાલ તારે ખુશી હોવાનો દેખાડો કરવામાં ખૂબ મહેનત કરવી
પડે છે? તું જેવું વર્તન કરે છેને એવો તું છે નહીં. તારા નાટકથી દુનિયા કદાચ માની લેશે તું મજામાં છે, હું નહીં માનું. તું ખરેખર મજામાં હોય છે ત્યારે તું આવું વર્તન નથી કરતો. જબરજસ્તીથી થતા પ્રયત્નો એ સાબિત કરી દેતા હોય છે કે
તમે સહજ નથી. મિત્રએ પોતાની મુશ્કેલીની બધી સાચી વાત કહીને થેંક્યૂ
કહ્યું. કોઈ તો છે જે મારા ચહેરાને અંદરથી વાંચી શકે છે.
પાણી સ્થિર હોય તો પાણીમાં ચહેરો જોઈ
શકાય છે. પાણીમાં ચહેરો જોવા માટે એ પણ જરૂરી છે કે ચહેરો સ્થિર
હોય. વમળો માત્ર પાણી ઉપર જ નથી સર્જાતાં, ચહેરા ઉપર પણ વમળો થતાં હોય છે. આપણો ચહેરો જ્યારે આપણે અરીસામાં જોઈએ
ત્યારે ઘણી વખત એ ચહેરો જ આપણને સવાલ કરે છે. ચહેરો જવાબ પણ આપતો હોય છે. આપણે ચહેરાના જવાબને ગણકારતા નથી. તમે તમારા ચહેરાની ભાષા વાંચવાનો ક્યારેય પ્રયાસ કર્યો
છે?
રોજ સવારે ઊઠીને બ્રશ કરતો હોય ત્યારે
અરીસામાં ઉપસેલો મારો ચહેરો મારી પાસે રાતનો હિસાબ માગે છે. ઊંઘ બરાબર આવી છે? નથી આવી? કેમ નથી આવી? શેનો ઉચાટ છે? કેમ રાતે ઝબકીને જાગી ગયો હતો. હું કહું છું, રહેવા દે. મારે તારા કોઈ પ્રશ્નોનો જવાબ નથી
આપવો. અરીસાનો ચહેરો હસવા લાગે છે. એ કહે છે, કંઈ વાંધો નહીં. આ જ સવાલો તને કાલે પૂછીશ. કાલે તું જવાબ નહીં આપે તો પરમ દિવસે પૂછીશ. તું જ્યાં સુધી જવાબો નહીં આપે ત્યાં સુધી તને પૂછતો
રહીશ. તારે જવાબ તો આપવા જ પડશે, કારણ કે હું તારો જ તો હિસ્સો છું. હું તારો જ તો કિસ્સો છું. તું બધાથી ભાગી શકશે, મારાથી ભાગી નહીં શકે. માણસ દુનિયાથી મોઢું છુપાવી શકે છે, પણ પોતાનાથી મોઢું છુપાવી શકતો નથી. તું સવાલોથી ભાગ નહીં. તું જવાબે શોધ. તને જવાબ મળી આવશે. જવાબ કંઈ અઘરા નથી. તારે જવાબ મેળવવા નથી.
આપણે એવા દાવાઓ કરતા હોઈએ છીએ કે મને
તો લોકોના ચહેરા ઉપરથી એ વાતની ખબર પડી જાય છે કે એના મનમાં શું ચાલે છે. આપણને માત્ર આપણા ચહેરા ઉપરથી જ અંદાજ નથી આવતો કે આપણા
મનમાં શું ચાલે છે! રાતે ઊંઘ ન આવે ત્યારે આંખનાં પોપચાં
ફૂલી જાય છે. પોપચાં પરપોટા નથી કે ફૂટી જાય અને બધું પાછું હતું
એવું ને એવું થઈ જાય. પરપોટા એ પાણીનો ઉચાટ હશે? કે પછી પાણીની હળવાશ હશે? ચહેરા પર પરપોટા બનતાં નથી. ચહેરા પર ઝાકળ છવાતી નથી. ચહેરા પર માત્ર અકળામણ ઊપસે છે.
તમે ક્યારેય તમારો ચહેરો જોઈને કહ્યું
છે કે તારો ચહેરો જોઈને નથી લાગતું કે તું ખુશ છે! આપણે ઉદાસીને પંપાળ્યે રાખીએ છીએ. ઉદાસીને ચહેરા ઉપર ઓઢાડી રાખીએ છીએ. દિલ પર ભાર લઈને ફરીએ છીએ. માણસ આખા શરીરમાં સૌથી વધુ પ્રેમ પોતાના
ચહેરાને કરતા હોય છે. માવજત પણ સૌથી વધુ ચહેરાની જ થતી હોય
છે. એક નાનકડો ખીલ થાય તો હજાર ઉપાયો કરીએ છીએ. ચહેરા પર છવાતા ઉચાટને હટાવવા શું કરીએ છીએ? એના માટે દિલના ઉત્પાતને શમાવવો પડે. ચહેરો સૌંદર્ય પ્રગટ કરે છે, પણ એ સૌંદર્ય ઊગે છે તો દિલની અંદર જ. સુંદરતા જોઈતી હોય તો દિલનું જતન અને મનની માવજત કરો, ચહેરો આપોઆપ ખીલી જશે!
છેલ્લો સીન :
ચહેરો ઉકેલતા આવડે તો સમજવું કે તમને
પ્રેમની ભાષા આવડી ગઈ છે. -કેયુ.
("દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, તા. 30 માર્ચ 2016, બુધવાર, ચિંતનની પળે કોલમ)
E-mail : kkantu@gmail.com